ગુજરાતમાં માવઠું, વીજળી પડતાં 16નાં મોત

Contact News Publisher

અમદાવાદ: ગુજરાતમાં હજુ શિયાળાએ ટકોરા મારવાનું શરૂ કર્યું હતું ત્યાં જ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મિની વાવાઝોડા, વીજળીના કડાકા સાથે વરસાદ પડયો હતો. સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કરા પડયા હતા. કમોસમી વરસાદ આફત બનીને ત્રાટક્યો હતો. વીજળી પડતાં રાજ્યભરમાંથી ૧૬થી વધુ વ્યક્તિના અને ૫૦થી વધુ પશુના મૃત્યુ થયા છે. આ ઉપરાંત તુવેર, કપાસ, ગુવાર, કાપેલા ડાંગરના પાકને પણ ભારે નુકસાન થયું છે. લગ્નસરાનો પ્રારંભ થયા છે  ત્યાં જ વરસાદ ત્રાટકતાં પાર્ટી પ્લોટમાં લગ્ન લેનારાઓને તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.

સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે. સૌરાષ્ટ્રમાં અન્યત્ર, કચ્છમાં હળવાથી મધ્યમની શક્યતા.