મગદલ્લામાં ટ્રકચાલકોને બેરિકેડ હટાવવા કહેતાં પોલીસ પર હુમલો, 23 ઝડપાયા

Contact News Publisher

નવા કાયદાના વિરોધમાં મગદલ્લા બંદર પાસે ટ્રક ડ્રાઇવરોએ પોલીસ પર હુમલો કરતા ડુમસ પોલીસે રાયોટીંગના ગુનામાં સીસીટીવી કેમેરાના આધારે 23 ટ્રકચાલકોની ધરપકડ કરી છે. ટોેળાએ રસ્તા વચ્ચે બેરિકેડ મુકતા પોલીસકર્મી સુરેશ રાઠવાએ સમજાવવા કોશિશ કરી પરંતુ આવેશમાં આવી તેના પર હુમલો કરી દીધો હતો. જેમાં ઈજા થઈ છે. ડ્રાઇવર પ્રદીપ મહેન્દ્ર યાદવ, સરજુ બહાદુર ચૌહાણ, મનોજ રાજેન્દ્ર શાહુ સહિત 40ના ટોળા સામે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો.

ફસ્ટ પર્સન: રસ્તા નહીં ખોલેંગે, જાને નહી દેંગે
હું સવારે 9.30 વાગ્યા આસપાસ PCRમાં પેટોલિંગમાં ગવિયરથી મગદલ્લા તરફ જઈ રહ્યો હતો. તે સમયે મગદલ્લા બંદર પાસે રસ્તામાં 40થી 50 ટોળું એક જણાને મારવાની તૈયારી કરતું હતું. તેવામાં હું પહોંચી ગયો હતો. પરંતુ ટોળાએ બેરીકેડ્સ મુકી આખો રસ્તો બ્લોક કરી દીધો હતો. રસ્તો ખોલવા કહેતા કહ્યું કે, રસ્તા નહીં ખોલેંગે કિસી કો જાને નહી દેંગે, હુ ભાગ્યો પરંતુ કારમાંથી કાઢી મને માર મારી હુમલો કર્યો હતો.40થી 50 જણાનું ટોળું દેખાતું હતું. > સુરેશ રાઠવા, પોલીસકર્મી-ડુમસ પો.સ્ટે.

આ ગુનાની કલમો લાગી ન હતી
સોશ્યિલ મીડિયામાં વીડિયો સામે આવ્યો જેમાં પોલીસકર્મીને ટ્રક ડ્રાઇવરો દોડાવી દોડાવીને માર મારી રહ્યા છે, જીવ બચાવવા પોલીસકર્મી કારમાં બેસી જાય છતાં ટોળાએ તેને માર મારી બહાર કાઢી પાછો હુમલો કરતા નજરે પડે છે. ટોળાનો ઈરાદો ગંભીર ઈજાનો છતાં પોલીસે આ ગુનામાં આઈપીસી 333 લગાવી ન હતી.

અકસ્માતના નવા કાયદાના વિરોધમાં કલેક્ટરને આવેદન
અકસ્માતના નવા કાયદાનો વિરોધ દર્શાવી સુરત જિલ્લા ટેક્સટાઈલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયને જિલ્લા કલેક્ટરને આવેદન આપી ટેમ્પોની હડતાળ પાડવાની ચિમકી આપતા જણાવ્યું કે, નવા કાયદામાં ડ્રાઇવરને 10 વર્ષની જેલની સજા તથા 7 લાખના આર્થિક દંડની જોગવાઈ છે. ડ્રાઇવર ભાઈઓના જીવનમાં ઘણો સંઘર્ષ હોય છે.

શિયાળા, ઉનાળો અને વરસાદ જોયા વગર કામ કરે છે. જેના કારણે દૂધ, શાકભાજી, અનાજ અને અન્ય રોજીંદી ખાદ્યપદાર્થો સરળતાથી દેશના ખૂણે-ખૂણે પહોંચે છે. તેઓ વિકાસનું પૈડું ચલાવવાનું કામ કરે છે. આ નવો કાયદો ડ્રાઈવર ભાઈઓનું મનોબળ તોડવાનું કામ કરી રહ્યો છે. દરેક કિસ્સામાં ડ્રાઈવર જવાબદાર નથી હોતા. આ કાયદા સામે રોષ ફેલાયો છે, કામદાર યુનિયનના શાન ખાને જણાવ્યું કે, ‘જો કાયદાને હટાવવામાં નહીં આવે તો શહેરના ટેમ્પો હડતાળ પાડશે.’