કચ્છના ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામમાં 4500 વર્ષ જુના નગરના અવશેષો મળી આવ્યાં

Contact News Publisher

ગુજરાતમાં એક મહિનામાં બીજું પ્રાચીન નગર મળ્યું છે. 17 જાન્યુઆરીના રોજ વડનગરમાં 2800 વર્ષ જુનું નગર મળ્યું હતું જેના એક મહિના બાદ ફેબ્રુઆરીમાં ધોળાવીરાની નજીક બીજું નગર મળ્યું છે. ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામમાં 4500 વર્ષ જુનું નગર મળ્યું છે. હકીકતમાં સોનાની આશાએ લોદ્રાણીના લોકો છેલ્લાં 5 વર્ષથી ગામમાં જ્યાં ત્યાં ખોદતાં હતા અને આ ખોદાકામ દરમિયાન તેમને પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યાં હતા. માહિતી મળતાં ASIના પૂર્વ પૂર્વ એડીજી અને પુરાતત્વવિદ્ અજય યાદવ અને ઓક્સફર્ડની સ્કૂલ ઓફ આર્કિયોલોજીના પ્રોફેસર ડેમિયન રોબિન્સન લોદ્રાણી ગામમાં પહોંચ્યાં હતા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

‘મોરોધારો’ નામ અપાયું 
લોદ્રાણીમાં ઘણા સમયથી વિશાળ પથ્થરોનો ઢગલો પડ્યો હતો પરંતુ તેની સામે કોઈ જોઈતું પણ નહોતું પરંતુ સોનાની લાલચમાં ગામલોકો આવી ગયાં અને આજુબાજુમાં ખોદાકામ કરવા લાગ્યાં હતા જેમાં આ જુનું નગર ઉઘાડું પડ્યું હતું. ધોળાવીરાથી નજીકના અંતરે હોવાથી માની શકાય કે બન્ને વચ્ચે જરુર કોઈ કડી હશે. જાન્યુઆરીમાં આ સ્થળની શોધ થઈ હતી અને તેને ‘મોરોધારો’ નામ આપ્યું છે.પુરાતત્વવિદ્ અજય યાદવના જણાવ્યા મુજબ, ખોદકામથી મોટી સંખ્યામાં હડપ્પનકાળના વાસણો મળ્યા છે, જે ધોળાવીરા ખાતે મળેલા પુરાતત્વીય સ્થળ જેવા જ છે. વિગતવાર તપાસ અને ખોદકામથી વધુ મહત્વની માહિતી મળશે પરંતુ આ હેરિટેજ સાઈટ વિશેની અમારી સૌથી મહત્વની શોધ એ છે કે મોરોધારો અને ધોળાવીરા બંને સમુદ્ર પર નિર્ભર હતા અને આ સ્થળ રણની ખૂબ નજીક હોવાથી તે યોગ્ય છે.  ધોળાવીરાની જેમ આ શહેર પણ હજારો વર્ષ પહેલાં જમીનમાં દટાઈ ગયું અને પછી રણ બની ગયું.

1967માં જ શંકા હતી કે અહીંયા નગર હશે 
1967-68માં પુરાતત્વવિદ્ જે.પી.જોશીએ ધોળાવીરાથી 80 કિમીના વ્યાસમાં સર્વે શરુ કર્યો હતો અને તે વખતે તેમનું માનવું હતું કે આ જગ્યાએ બીજું કોઈ હડપ્પીયન સ્થળ હોવું જોઈએ પરંતુ ત્યારે કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા. આ પછી 1989 અને 2005 ની વચ્ચે ધોળાવીરા ખોદકામ દરમિયાન, પુરાતત્વીય નિષ્ણાતોએ પણ આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી, પરંતુ તેમ છતાં કંઈ મળ્યું ન હતું. પરંતુ હવે જ્યારે ગ્રામજનોએ ખજાનો શોધવાનું શરૂ કર્યું ત્યારે હડપ્પન યુગના અવશેષ મળ્યો હતા.

Exclusive News