બાપડા બિચારા ગુજરાતી યુવાનોને નોકરીના ફાંફા, ને ધારાસભ્યોની સરભરા માટે 94 પટાવાળાની આખી ફૌજ

Contact News Publisher

ગુજરાતમાં યુવાનોને નોકરીના ફાંફા છે. સરકારી નોકરી માટે યુવકોને આંદોલન કરીને રસ્તા પર ઉતરવું પડે છે. ત્યારે બીજી તરફ, પ્રજાના પ્રતિનિધિઓની સરભરા માટે પટાવાળાઓની આખી ફૌજ મૂકાઈ છે. પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યોના નિવાસ સ્થાને તેમની સેવાચાકરી માટે 94 પટાવાળાઓની આખી ફૌજ મૂકાઈ છે. આ પટાવાળા પાછળ સરકાર દર મહિને 20 લાખનો ધુમાડો કરે છે.

ધારાસભ્યો એટલે પ્રજાના પ્રતિનિધિ. જેમને પ્રજા દ્વારા ચૂંટાઈને વિધાનસભામાં મોકલવામાં આવે છે. આ પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો સભામાં રજૂ કરે છે. એક તરફ ગુજરાત વિધાનસભામાં સરકારી નોકરી, બેરોજગારી, સરકારના અનેક વિભાગમાં ખાલી જગ્યાઓના પ્રશ્નો ચર્ચાઈ રહ્યાં છે. વિવિધ વિભાગોમાં સરકારી ભરતી થતી નથી તેવા આંકડા ખુદ સરકાર રજૂ કરી રહી છે. ત્યારે બીજી તરફ, માત્ર ધારાસભ્યોની સરભરા કરવા માટે તેમના નિવાસ સ્થાને સરકારે 94 પટાવાળા મૂક્યાં છે.

વિધાનસભા સત્ર ચાલુ હોય ત્યારે તમામ ધારાસભ્યો તેમના નિવાસ સ્થાને હાજર હોય છે. ત્યારે તેમના સેવા માટે પટાવાળા પણ 24 કલાક હાજર હોય છે. આ પટાવાળા માટે સરકાર આઉટ સોર્સિંગ કરે છે. આ માટે એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે. આ પટાવાળાઓ માટે સરકાર દર મહિને 20 લાખનો ખર્ચ કરે છે. આંકડા કહે છે કે, છેલ્લાં બે વર્ષમાં સદસ્ય નિવાસ સ્થાને ફરજ બજાવતા પટાવાળાને કુલ ત્રણેક કરોડનો પગાર ચૂકવાઈ ગયો છે.

Exclusive News