ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ કોંગ્રેસે નોંધાવી આચારસંહિતા ભંગની ફરિયાદ, જાણો શું છે મામલો

Contact News Publisher

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરુદ્ધ કોંગ્રેસે આચારસંહિતા ભંગની ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરી બનાસકાંઠામાં ભાજપ ઉમેદવારનો પ્રચાર કરતા દેખાયા હતા, જે બંધારણીય રીતે યોગ્ય નથી.

કોંગ્રેસે શંકર ચૌધરી વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે તે અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા લોકસભામાં ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. સંસદીય પ્રણાલી અને કાર્યરીતિમાં અધ્યક્ષ અંગેના નિયમો છે. જેમાં અધ્યક્ષ કોઈપણ પક્ષ માટે પ્રચાર કે વિરોધમાં કામ ન કરી શકે. શંકર ચૌધરી બંધારણીય પદ પર બેઠેલા છે. આથી તેમણે ભાજપ ઉમેદવારનો પ્રચાર કરીને ચૂંટણી પંચે જાહેર કરેલી આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે.

આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે, જેમાં કહ્યું છે કે કોઈ વ્યક્તિ વિધાનસભાના અધ્યક્ષ બને ત્યારથી જ રાજકીય પ્રવૃત્તિથી અલિપ્ત થઈ જાય છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હોવા છતાં શંકર ચૌધરીએ ભાજપ ઉમેદવારનો પ્રચાર કરીને સંસદીય પ્રણાલીઓ અને કાર્યરીતિ ભાગ-1,પ્રકરણ-9 નો ભંગ કર્યો છે.

કોંગ્રેસે રાજ્યના ચૂંટણીપંચને શંકર ચૌધરીના વીડિયો સહિતના પુરાવા સાથે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવા માટે પંચ કાર્યવાહી કરે એવી માંગણી પણ કરી છે.

Exclusive News