રાજકોટમાં આવતીકાલે ક્ષત્રિય સમાજનું મહા સંમેલન, પાંચ લાખ કરતા વધુ લોકો હાજર રહે તેવી શક્યતા; પોલીસની રહેશે નજર

Contact News Publisher

લોકસભા ચૂંટણી પહેલા રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણીનો વિવાદ વકરતો જઇ રહ્યો છે. 14 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહા સમ્મેલનમાં 5 લાખ કરતા વધુ લોકો હાજર રહે તેવી શક્યતા છે.

રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન
રાજકોટ નજીક રતનપરમાં રવિવારે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રૂપાલાની ટિપ્પણીના વિરોધમાં રતનપુરમાં રવિવારે સાંજે 5થી 7 સુધી ક્ષત્રિય સમાજનું મહા સમ્મેલન યાજાશે જેમાં ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડશે.

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના 7 હજાર લોકો હાજર રહેશે
ક્ષત્રિય સમાજ વિશે વાણી વિલાસ કરનારા રાજકોટ સંસદીય મતક્ષેત્રના ભાજપના ઉમેદવાર સામે ક્ષત્રિય સમાજનો રોષ હવે સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પ્રસર્યો છે. રાજકોટના રતનપર ખાતે 14 એપ્રિલે ક્ષત્રિય સમાજનું વિશાળ સમ્મેલન યોજાવાનું છે જેમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના 7000થી વધુ ક્ષત્રિય ભાઇ-બહેનો સમ્મેલનમાં પહોંચશે તે પૂર્વે નવજાગીરદાર જાડેજા રાજપૂત સમાજ (શ્રત્રિય-રાજપૂત સમાજ, અરવલ્લી)નો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સમ્મેલન પર પોલીસની રહેશે નજર
ક્ષત્રિય સમાજના સંમેલન પર પોલીસ મંજૂરી મળી ગઇ છે અને પોલીસ આ સંમેલન પર નજર રાખશે. સમ્મેલન સ્થળ નજીક સાત જગ્યાએ પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું કે મહા સંમેલન પછી સંકલન સમિતિની મીટિંગ મળશે જેમાં આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવશે. શહેરના સીનિયર અધિકારીઓએ જણાવ્યું કે સમ્મેલન યોજવા માટે મંજૂરી માંગવામાં આવી છે જે આપવા માટેની કાર્યવાહી ચાલુ છે. સુરક્ષા અને ટ્રાફિકની દ્રષ્ટિએ પોલીસે સર્વે પણ કરી લીધો છે. સંમેલનમાં 250થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવશે.

Exclusive News