તાપી નદીમાં સ્વિમિંગ કરતાં ગૃપનો સામાન ચોરીને ભાગવા જતાં ચોરના થયા આવા હાલ

Contact News Publisher

હાલ કાળઝાળ ગરમી વધી રહી છે. ત્યારે ગરમીથી બચવા લોકો પાણીના કુદરતી અને કૃત્રિમ સ્ત્રોતમાં સ્નાન કરવાનું વધુ પસંદ કરે છે. ત્યારે નિયમિત રીતે તાપી નદીમાં સ્વિમિંગ કરવા આવતાં એક ગૃપના કપડા સહિતના સામાન પર ચોરે નજર બગાડી હતી. તાપીમાં સ્નાન કરતાં લોકોની નજર પડીને ચોર સામાન લઈને ભાગવા જતાં ફસાઈ ગયો હતો. અહીં ચોરી કરવાં જતાં ચોરના વિચિત્ર રીતે હાલ બેહાલ થયા હતાં.

વિચિત્ર રીતે ચોર ફસાયો

રાંદેર વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં તરવૈયાનું એક ગૃપ રોજ ન્હાવા માટે આવે છે. ત્યારે આ સ્નાન કરવા ગયેલા ગૃપના કપડા સહિતના સામાનની ચોરી કરવા તસ્કર આવ્યો હતો. સામાન ચોરીને જતાં ચોર પર તરવૈયા ગૃપની નજર પડતાં જ તેઓ બહાર આવ્યા હતાં. સાથે જ અન્ય લોકો પણ એકઠાં થઈ ગયાં હતાં. પાછળ પડેલા લોકોના ટોળાથી બચવા ચોરે તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. જેથી લોકોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.

રેસ્ક્યુ કરી ચોરને પોલીસ હવાલે કરાયો

તાપીમાં કુદેલો ચોર લોકોથી બચવા કીચડ વચ્ચેથી બહાર નીકળવા પ્રયાસ કરતો હતો. જો કે બહાર નીકળી શકે તેમ નહોતો. બીજી તરફ ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેણે ચોરને સલામત રીતે બહાર કાઢ્યો હતો. બાદમાં રાંદેર પોલીસે ચોરને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.