23 વર્ષીય કોન્સ્ટેબલનો આપઘાત:રાજકોટમાં મવડી પોલીસ હેડક્વાર્ટરના દશમાં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ

Contact News Publisher

રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. રાજકોટમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગરે મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે બિલ્ડિંગના 10માં માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતદેહને પીએમ અર્થે સિવિલ ખસેડ્યો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે બી બ્લોકમાં 10માં માળેથી છલાંગ લગાવી રાજકોટ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાર્ગવ બોરીસાગર (ઉં.વ.23) નામના યુવાને આપઘાત કરી લીધો છે. બનાવ અંગે જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ આસપાસના લોકો તેમજ પોલીસ પરિવારના લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પરિવારજનો આપઘાતના કારણથી અજાણ
પોલીસ કોન્સ્ટેબલે આજે કરેલા આપઘાતના બનાવ અંગે પરિવારજનો પણ કોઈ ચોક્કસ કારણ જાણતા ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, 23 વર્ષીય આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા હાલ પોલીસ પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

Exclusive News