કાળઝાળ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ, અમદાવાદ સહિત 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

Contact News Publisher

ઉનાળો ચાલી રહ્યો છે, ગરમી પડી રહી છે, ત્યારે હવે રાજ્યમાં ગરમીનો પારો ફરી એક વાર ઊંચકાયો છે. રાજ્યમાં ફરી લોકોને આકરી ગરમીનો અહેસાસ થશે. બુધવારથી તાપમાનમાં ગરમી વધવાથી ફરી એકવાર લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. રાજ્યમાં મોટા ભાગનાં વિસ્તારમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ આગામી એક અઠવાડિયા સુધી લોકોએ ગરમીનો સામનો કરવો પડશે, રાજ્યનાં તાપમાનમાં હજુ વધારો થશે. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, બુધવારે રાજ્યના 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. માહિતી અનુસાર, બુધવારે અમદાવાદનું તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું, જયારે ગાંધીનગરમાં 40.4 ડિગ્રી, વડોદરામાં 40.6 ડિગ્રી, રાજકોટમાં 40.5 ડિગ્રી, અમરેલીમાં 40.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.7 ડિગ્રી અને વીવી નગરમાં વીવી નગરમાં સૌથી વધુ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ સિવાય રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો સૌથી ઓછું તાપમાન દ્વારકામાં 30.4 ડિગ્રી નોંધાયું છે, જયારે સુરત અને ભાવનગરનું તાપમાન અનુક્રમે 38.8 અને 38.2 ડિગ્રી નોંધાયું, જયારે ડીસામાં 39.4, ભુજમાં 39 ડિગ્રી નોંધાયું હતું. નલિયાનું તાપમાન 34.4, કંડલાનું તાપમાન 38.1, વલસાડમાં 36.4, પોરબંદરમાં 34.2, મહુવા અને કેશોદમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

છેલ્લા પાંચ દિવસમાં તાપમાન નીચું રહેતા લોકોને રાહત મળી હતી, પરંતુ હવે આગામી એક અઠવાડિયા સુધી ગરમીમાં સતત વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદમાં 29 એપ્રિલ સુધીમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી જશે. જયારે અન્ય શહેરોમાં પણ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે.

Exclusive News