વાત માઁ ગૌશાળાની , વાત મીરઝાપરનાં 3 મહાદેવ અને 1 હનુમાનજીની , વાત મીરઝાપરની ભૂતકાળ અને વર્તમાનની

Contact News Publisher

ચાંગલેશ્વર મહાદેવે અભિષેક :


આજે 11 એપ્રિલ 2021 ,
આજે માઁ ગૌશાળામાં નવાં કરાવેલ બોરમાં સારું પાણી આવ્યું,
તાંબાની પ્લેટ (સળિયા)ને હાથમાં લઈને પાતાળમાં પાણી ચેક કરતાં કિશોરભાઈ જોશીએ કહ્યું હતું કે જ્યારે પણ બોર માંથી પાણી નીકળે એટલે પ્રથમ જળનો લોટો મહાદેવને ચડાવવો,


મારું મૂળ ગામ જખૌ – અબડાસા,
પણ મારો જન્મ મીરઝાપર,
12 જાન્યુઆરી 1975,
અમે નાનાં હતાં ત્યારે ત્રણ મહાદેવ અને એક હનુમાનજી સાથે અમારી રખડું ટોળકીને સારો નાતો,
ધોમ ધખતાં તાપે – પગે (ચપ્પલ ન્હોતી, ઉઘાડાં પગે ) ચાલીને મીરઝાપરની પૂર્વ આવેલ ફકીરવાડીમાં મહાદેવને મળવા જઈએ કે ગામમાં આવેલ માનકેશ્વર મહાદેવનાં દર્શને જઈએ કે પછી આજે જેનો ખૂબ મહિમા છે અને જે મહાદેવ આજે ભુજ અને મીરઝાપરનાં મધ્યે આવી ગયા છે એ ચાંગલેશ્વર મહાદેવને મળવા જઈએ ,


પણ ક્યારેય અમે નિરાશ ન થયા, ભૂખ ખૂબ લાગી હોય , સવારે નીકળીએ તે છેક સાંજે ઘરે પહોંચીએ ,
પણ દિવસ કેમ કાઢવો એની આવડત અમસ્તા જ આવી ગયેલી કે પછી એમ કહો કે ભગવાન કોઈને ભૂખ્યો રાખતો જ નથી,
એટલે રસ્તામાં ગાંડા બાવળ (અમારાં માટે તે ડાહ્યો બાવળ ) આવે એની ફરઈ (આ ફરઈ તો શિષ્ટ શબ્દ છે , અમે એને કંડા કહેતાં) ખાઈને પછી રસ્તામાં આવતી વાડીનાં બોર કે હોજનું પાણી પી લેતાં, વાડીમાં ગેરકાયદે ઘુસીએ તો વાડીનાં માલિક ઉપર સિચ્યુએશન ડિપેન્ડ કરે કે માર મળશે કે માલ !
સિઝન પ્રમાણે કોઠીમ્બા , ધુધિયાલ , ગુંદી , ગુંદા, બોર મળી જતાં,
અને મૂળ વાત કે રખડતાં રખડતાં ત્રણ મહાદેવ (ફકરીવાડી , માનકેશ્વર , અને ચાંગલાઈનાં ચાંગલેશ્વર) અને હનુમાનજી (મારુતિ નંદન – જે મીરઝાપર કન્યા શાળાની સામે જ હાથમાં ગદા લઈને ઊભા છે, ) એની પાસે પહોંચીએ એટલે પણ ભાગ્યેજ નિરાશા થાય , બાકી અમારી માટે પ્રસાદ તૈયાર જ હોય, કોઈ ભાવિક મહાદેવ અને હનુમાનજીને પ્રસાદ ધરાવી જતાં, પણ પેટમાં અમે પધરાવી જતાં,
ત્યાર થી કરી આજ સુધી મહાદેવજીની પૂજા મીરઝાપરનાં એકજ પરિવાર દ્વારા થાય છે,
આ મીરઝાપર નહીં પણ સમગ્ર પટેલ ચોવીસીની ખાસિયત અને ખાનદાની છે કે તેઓ પરંપરાને આજે પણ જાળવી છે,
જોકે આજે અમુક સંતો પોતાની અબુદ્ધતા છતી કરીને બાફી મારે છે કે હનુમાનજી ભગવાન નહીં પણ સંત છે , ત્યારે ન માત્ર મારા જેવા ઘણાં લોકોને પણ લગભગ તમામ કણબી પટેલોને પણ દુઃખ થતું હશે, કારણ આજે પટેલ 24 C નું એવું કોઈ ગામ નહી હોય ક્યાં હનુમાનજી ન હોય અને એ પણ પટેલો દ્વારા જ સ્થાપના કરેલ હોય છે,
વિષય ઉપર આવું:
એટલે 3 મહાદેવ અને 1 હનુમાનજી અમને ત્યારે પણ સાચવી લેતા અને આજે પણ,
જોકે ફકીરવાડીમાં હવે નથી જવાતું, – જોઈ જૂનાં ભાઈબંધ સાથે મોકો મળશે તો જઈશ,
પણ ગદા વારા મારુતિ નંદનનાં દર્શન અવાર નવાર થાય છે,
થોડો પાછળ જઉં તો હું મીરઝાપરમાં કરશનભાઈ પટેલનાં ઘરમાં ભાડે રહેતાં જેને અમે કરશન ફુવા કહેતાં, અને અમારાં રામબાઈ ફઈ , સગાં ફઈને તો મેં નથી જોયા , પણ રામબાઈ ફઈ અમને પારકાં હોવાનો ક્યારેય અહેસાસ ન્હોતો થવા દીધો,
હું નાનો હતો ત્યારે બુલેટનાં ટાયરમાં તેલની શીશી નાંખી પછી અમારી રામબાઈ ફઈ વારી શેરીમાં રહેતાં પટેલોનાં ઘરમાં બારીનાં ગોખલામાં નિત્યક્રમ મુજબ પડેલ તેલને એક જ શીશીમાં ભેગું કરી પછી હનુમાનજીને રીતસર તેલથી નવડાવતો , વરી કોઈક કહે એય જેમલિયા તેલ હનુમાનજીનાં પગમાં રેડાય,
પણ કોઈ ન હોય તો તેલ માથે જ ઢોળતો – અને પછી તેલ ધીમે ધીમે હનુમાનજીનાં માથે થી કરીને છેક નીચે પગ સુધી પહોંચતું,
આ હનુમાનજી મને તેદી પણ ખૂબ આપ્યું અને આજે પણ આપે છે.
હા, વિષય ઉપર આવું ,


મહાદેવની પૂજા હાલ જે તસવીરમાં અમારી માઁ ગૌશાળાની દેશી ગાયનાં દૂધ અને માઁ ગૌશાળાનાં બોરનું પ્રથમ પાણી ચાંગલેશ્વર મહાદેવને ચડાવી રહ્યા છે તે હસમુખ ડેરું (હસમુખભાઈ બાવાજી )અને એમનાં પિતા જ કરતાં – વર્ષોથી,
તેદી મીરઝાપરમાં સરસ નવરાત્રી થતી , આખું ગામ હનુમાનજીની ડેરી આગળ નાનકડાં ચોકમાં ભેગું થતું અને પછી હાથમાં દાંડિયા લઈને નવરાત્રી રમતાં ,
પણ થોડાં સમયથી શી ખબર કંઈક ગ્રહણ લાગ્યું હોય એમ પહેલાં જેમ આખું ગામ ભેગું થતું, એક સંપ હતો તે હવે ન હોય એવાં સમાચારો મને મળતાં હોય છે,
1993 માં અમે મીરઝાપર છોડ્યું, ભારે હૈયે છોડ્યું,
ગણેશનગરમાં બા એ દબાણમાં ઘર બનાવ્યું , તેદી ગણેશનગરમાં કઈ ન્હોતું , આજે 100 વાર જગ્યા નથી,(ફરી ક્યારેક વાત કરીશ ગણેશનગરની , બા એ પોતાનું ન વિચારી બધાનું વિચાર્યું અને આજે બા નથી , પણ એમણે આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાવ્યું જેને લોકો આજે પણ યાદ કરે છે )
હા, તો મીરઝાપર સાથેનો નાતો આજે પણ અકબંધ છે,
2015 માં ગણેશનગર છોડીને સ્વાગત સિટીમાં કાયદેસરનું મકાન લીધું (વાસુદેવ ભાઈ ઠક્કરનાં સુપુત્ર નિશાંતભાઈનાં સાઢુભાઈ આકાશભાઈ દાવડા પાસેથી ) , સ્વાગતસીટીનાં સર્વે નમ્બર યોગાનુયોગ મીરઝાપર ગામનાં જ છે
ઘરની બાજુમાં જ ગૌશાળા બનાવી ,

આજે 50 જેટલી દેશી અને કાંકરેજ ગાયો છે, વૃક્ષારોપણ કર્યું, એક ગટરનું તળાવ હતું એને સરસ મોટું કરી થોડાં બોરનાં પાણી થી અને પછી વરસાદી પાણી થી ભરવાનું સ્વપ્ન છે, જેથી અનેક પશુ પક્ષીઓ પાણી પી શકે,
લાયબ્રેરી બનાવવી છે, બગીચો છે પણ સરસ કરવો છે,
બાળકો અને વડીલો અહીં આવે અને મોજ કરે એવું સ્વપ્ન છે,
બાળકો આપણી પરંપરાગત રમતો રમે એવું કંઈક થાય એવું સ્વપ્ન છે,
અમારે અહીં અનેક કૂતરાઓ છે , મારાં જીવનસંગીની હેતલબા આજે પણ ઘણી રોટલીઓ બનાવે છે , હું અને મારો કુંવર ઋતુરાજસિંહ માત્ર એ રોટલીઓ કૂતરાઓને આપ્યાનો ગર્વ લઈએ છીએ , બાકી મહેનત હેતલની,
તો હવે ઘણાં અબોલજીવો માટે સવાર સાંજ રોટલી અને શિરો બને એ માટે ગૌશાળામાં જ એક રસોડું ચાલુ થાય, એને એ રસોડામાં કોઈ જરૂરતમંદ પરિવારને રોજગારી મળે , અબોલ જીવોને ખાવાનું મળે અને અમને સંતોષ મળે એવું સ્વપ્ન છે,
આજે 11 એપ્રિલ 2021 ,
અમે આજે 21 વર્ષ પૂર્ણ કરીને 22 મી મેરેજ એનિવર્સરી માં પગલું માંડ્યું છે,
આજે આમરી સિંગાર ગાય વીયાણી,
આજે બોરમાં પ્રથમ પાણી આવ્યું,
આજે અમારાં માર્ગદર્શક , મિત્ર અને જેમણે અમારાં બોર માટે પાણી જોયું એ કિશોરભાઈ જોશીનો જન્મદિવસ છે,
અને ખાસ તો આજે આપ સૌ મિત્રોને ઘણાં સમય બાદ મળવાનો મોકો મળ્યો,
ફરી કોઈ ભૂતકાળમાં ડોકિયું કરીને વાતું કરશું,
અને હા,
આપનાં જીવનમાં પણ કોઈ એવા યાદગાર બનાવો કે કોઈ ક્ષણ હોય તો share કરશો…

આપનો સમય લીધો, આપનો આભાર,

Maa Ashapura News
YouTube : maa news live
Android app : maa news live
Twitter : @JaymalsinhB
Facebook : maa news live page / group
Instagram : maanewslive_insta
Dailyhunt : maa ashapura news
Email : jaymalsinhjadeja@gmail.com
Website : maashapuranewslive.com
Whatsapp : 97252 06123 / 94287 48643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News