World Refugee Day : જ્યારે પાકિસ્તાનથી આવેલા લોકોએ કચ્છના રણમાં આખું શહેર વસાવ્યું

Contact News Publisher

ગુજરાતના રણપ્રદેશ કચ્છની વચ્ચે એક ઔદ્યોગિક શહેર વસે છે, વિસ્તારની દૃષ્ટિએ કચ્છ ગુજરાત જ નહીં પણ દેશનો સૌથી મોટો જિલ્લો છે, જિલ્લાનું મુખ્ય મથક ભુજ ભલે હોય પણ આર્થિક પાટનગર તો ગાંધીધામ છે. ગાંધીધામથી 13 કિલોમિટર દૂર કંડલા બંદર છે, જે ગુજરાત અને ભારતનાં વેપાર-ઉદ્યોગો માટે વૈશ્વિક મથક છે. ઉજ્જડ રણમાં 2001ના વિનાશકર ભૂકંપ બાદ ફરી બેઠું થયેલું આ નગર જેટલું રસપ્રદ છે, એટલી જ રસપ્રદ છે એની સર્જન અને વિકાસની કહાણી. પાકિસ્તાનમાં પોતાનું ઘર, વતન, વેપાર-ધંધા સઘળું ગુમાવીને આવેલા સિંધીઓએ આ શહેર ઉજ્જડ રણમાં ઊભું કર્યું. ઘરો, ઉદ્યોગો, બૅન્ક, શાળા-કૉલેજો વસાવ્યાં અને ગુજરાતને મળ્યાં ગાંધીધામ-આદિપુર અને કંડલા.

ભાઈ પ્રતાપે 1952માં ગાંધીધામ પર એક લેખ લખ્યો હતો, એમાં તેઓ લખે છે: “પાકિસ્તાનથી આવેલા લોકો વેરવિખેર થઈ ગયા અને તેમાંથી શક્ય હોય એટલાને ભેગા કરીને રહેવાની જગ્યા આપવા માટે ઑગસ્ટ 1947માં જ આ સ્કીમનો વિચાર આવ્યો. ગાંધીજીએ આ સ્કીમને આશીર્વાદ આપ્યા અને કચ્છના મહારાજે આ માટે જમીન આપી.” ભાઈ પ્રતાપનાં દીકરી અરુણા જગતિયાણીએ ‘ધ ફાઇનલ હોમકમિંગ’ નામથી પુસ્તક લખ્યું છે, તેઓ સિંધુ રિસેટલમૅન્ટ કૉર્પોરેશનનાં હાલમાં ચૅરપર્સન છે. તેઓ લખે છે, “ભાઈ પ્રતાપે કચ્છના મહારાજ વિજયરાજ ખેંગરાજ જાડેજાનો સંપર્ક સાધ્યો અને ગાંધીજીના કહેવા પર મહારાજે અંદાજે 15 હજાર એકર જેટલી જમીન સિંધના નિર્વાસિતો માટે ફાળવી આપી હતી.”

ગાંધીધામ સેક્ટરોમાં વહેંચાયેલું છે, જ્યારે આદિપુર વોર્ડમાં વહેંચાયેલું છે. ગાંધીધામની અનોખી ઓળખ તેનાં સરનામાં છે, અહીં ઘરોનાં પાટિયાં પર SDB 123, SDX50, TRS69 આવા નંબર લખેલા જોવા મળે છે. જોકે આ નંબર એ સરનામાંની અનોખી વ્યવસ્થા છે.

એક જર્મન ઇજનેર અને ભાઈ પ્રતાપે ઘરના પ્રકાર, વિસ્તાર, મકાનના નંબરના આધારે આ પ્રમાણેનાં સરનામાં પાડ્યાં હતાં, જેનો ઉદ્દેશ સરનામાં નાનાં કરવાનો હતો.એ જમાનામાં નિરાશ્રિતોને અહીં ઘર ભાડેથી આપવામાં આવતાં હતાં અને અહીંનાં ઘરો તેનાં ભાડાંથી ઓળખાતાં હતાં. ગાંધીધામનાં ઘરો ‘દો વાલી, છ વાલી, દસ વાલી’ તરીકે ઓળખાતાં હતાં, જેના ભાડા અનુક્રમે બે રૂપિયા, છ રૂપિયા અને દસ રૂપિયા હતા.

2011ની વસતીગણતરી પ્રમાણે અંદાજે અઢી લાખની વસતી ધરાવતું ગાંધીધામ આજે એક ઉદ્યોગકેન્દ્ર બની ગયું છે અને તેમાં સૌથી મોટો ફાળો કંડલા બંદરનો છે. કંડલા બંદર માત્ર કચ્છ જ નહીં પણ ગુજરાત અને દેશ માટે ઑઇલની આયાત અને અનાજની નિકાસ માટે હબ મનાય છે. વહાણવટું, મીઠું અને લાકડું, એ ગાંધીધામ સાથે સંકળાયેલાં પરંપરાગત ઉદ્યોગો છે અને આજે ગાંધીધામની જીવાદોરીસમાન છે. 2001ના ભૂકંપ પછી ગાંધીધામમાં સ્ટીલ પ્લાન્ટ, ટેક્સ્ટાઇલ ફેકટરીઓ સહિતના ઉદ્યોગો પણ આવ્યા, જેણે ભૂકંપ બાદ નગરને બેઠું થવામાં મદદ કરી હોવાનું મનાય છે. સિંધીઓએ આ નગર વસાવ્યું પણ ધીમે-ધીમે અન્ય પ્રજાઓ પણ આવીને અહીં વસવા લાગી અને એ રીતે અહીં સહજીવન થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News