મોઢું તથા બન્ને હાથ વડે એક સાથે ત્રણ અલગ અલગ ચિત્ર દોરે છે

Contact News Publisher

નખત્રાણા તાલુકાના દેવપરમાં રહેતો યુવાન બન્ને હાથ અને મોઢા વડે એકસાથે ત્રણ ચિત્રો દોરી શકે છે. અનોખી કલા ધરાવતા આ ચિત્રકારે પોતાનું નામ વિશ્વ કીર્તિમાનમાં અંકિત કરવાની ઇચ્છા દર્શાવી હતી. બહુમુખી ચિત્રકળા દ્વારા લોકોને અંચબિત કરતા કલાકાર રામ જોશીને ચિત્ર દોરતા જોવા એક લ્હાવો છે. તેઓ એક સમયે એક સાથે બન્ને હાથે અલગ અલગ ચિત્ર દોરવાની કાબેલિયત ધરાવે છે. એટલુંજ નહિ મોઢામાં પીંછી રાખીને પણ ચિત્ર દોરી લે છે. સોશિયલ મીડિયા થકી તેમની કળા જાણીતી બની છે. તેમણે પીંછીના કરતબથી સ્વતંત્રતા પર્વ નિમિત્તે શહીદો અને તિરંગાને સલામી આપી હતી.

ચિત્રો દોરવા તેમણે ઘરમાજ એક નાનો સ્ટુડિયો ઉભો કર્યો
​​​​​​​
મૂળ માંડવી તાલુકાના ઊનડોઠ ગામના વતની અને નખત્રાણા તાલુકાના નેત્રા ગામમાં જન્મેલા આ કલાકારે ધોરણ 8 સુધીના અભ્યાસ બાદ ચિત્ર દોરવાની શરૂઆત આપબળે કરી હતી. આ માટે કોઈ ખાસ તાલીમ મેળવી નથી. ચિત્રો દોરવા તેમણે ઘરમાજ એક નાનો સ્ટુડિયો ઉભો કર્યો છે. રાત દિવસ તનતોડ પ્રેક્ટિસના પ્રતાપે અલગ ઓળખ મેળવનારા આ કલાકારે હજુ પણ વધુ સારું અને અન્યોથી કંઈક અલગ કરીને કચ્છનું નામ દેશમાં રોશન કરવાની ઇચ્છા દર્શાવી હતી.

અનેક ધાર્મિક સ્થળોએ ચિત્રો દોર્યા છે
દેવપરના ચિત્રકારે માંડવીના ગોધરા ખાતે આવેલા અંબેધામ, રાજડા ટેકરી જેવા વિવિધ ગામના મંદિરો, પ્રવેશદ્વારો પર ચિત્રો દોર્યા છે. ચિત્ર દોરવામાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવો તેમના આદર્શ પાત્રો છે. મોબાઇલમાં ફોટા મોકલી દો એટલે થોડા સમયમાં તેમના પેન્સિલ સ્કેચ, થ્રીડી ફોટો, સિંગલ કલર અથવા માગ મુજબના ફોટો પરથી આબેહૂબ ચિત્ર બનાવી આપે છે. આ માટે એક ચિત્રના રૂ. 800થી રૂ. 1500 સુધી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *