એરંડાના મણના 2400 રૂપિયા મળતાં નખત્રાણા પંથકના ખેડૂતોને હાશકારો

Contact News Publisher

નખત્રાણા તાલુકાના નાના-મોટા અંગિયા, ધાવડા, વિથોણ, વિરાણી, ચાવડકા, ડાડોર, વંગ, ગોધીયાર સહિતના વિવિધ ખેત વિસ્તારોમાં એરંડાનું મબલખ ઉત્પાદન થયા બાદ તેના પૂરતા ભાવો મળતાં ખુશખુશાઇ ખેડૂતો વેચાણની તૈયારી કરી રહ્યા છે. આ વર્ષે 2400 રૂપિયા પ્રતિ મણનો ભાવ ઉપજતા કિસાન આલમમાં સંતોષની લાગણી જોવા મળે છે.ડાડોર ગામ ના ખેડૂત આહીર રાણાભાઈ કાનાભાઈએ જણાવ્યું હતું કે, ભૂખી ડેમ વિસ્તારમાં પિયતની સગવડ હોવાથી આ વખતે ડેમનું સિંચાઇ માટે પાણી મળવાથી એરંડાનું ઉત્પાદન ખૂબ સારા પ્રમાણમાં આવ્યું છે.

ત્રણ વખત પાણી આપવામાં આવતાં ફાલ સારો થયો હતો. ચાવડકાના વાઘજી જાડેજાએ જણાવ્યું હતું કે, હજી કેટલાક ખેડૂતો એરંડાના ભાવ થોડા વધે તેની રાહ જોઈ રહ્યા છે. ઉલેખનીય છે કે ગત વર્ષે 2600 થી 2800 રૂપિયાના ભાવ આવ્યા હતા .પરંતુ આ વર્ષે ઉત્પાદન વધવાથી આર્થિક ફાયદો થયો છે.ધરતીપુત્રોએ કહ્યું હતું કે, વેચાણ માટે ઠેઠ ભુજ સુધી લાંબા થવું પડે છે. સ્થાનિકે પૂરતી વેચાણ વ્યવસ્થા હોય તો વાહન ભાડાની બચત થાય અને વધુ ભાવ મળી શકે. જેનો સીધો ફાયદો ખેડૂતો ને થાય.

​​​​​​​મગફળીની ખરીદી માટે અન્ના તરીકે ઓળખાતા વેપારીઓ ઠેઠ દક્ષિણ ભારતથી આવે છે અને ખેતરે ખેતરે ફરીને સોદા કરીને સ્થળ પરથી માલ લઇ જતા હોય છે.જ્યારે એરંડા બજાર સુધી પહોંચાડવા પડતા હોઈ ખર્ચ વધે છે.ઉલ્લેખનીય છે કે ,ભારતમાં તેલીબિયાંના પાકો પૈકી એરંડાને એક ગણાય છે. બ્રાઝિલમાં તેનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. આંધ્ર, ગુજરાત, ઓરિસા અને કર્ણાટકમાં એરંડાનો પાક લેવાય છે ઉત્પાદન અને વિસ્તારની દ્રષ્ટિએ આંધ્ર પ્રથમ અને ગુજરાત બીજું સ્થાન ધરાવે છે.