પાકિસ્તાનમાં પરિસ્થિતિ કાબુ બહાર : ઈમરાન ખાન સમર્થકો ના માને તો દેશભરમાં કટોકટી જાહેર કરાશે

Contact News Publisher

ઇસ્લામાબાદ : ઇમરાન ખાનની ધરપકડ પછી સમગ્ર પાકિસ્તાનમાં પરિસ્થિતિ હાથ બહાર ગઈ છે. પંજાબથી શરૂ કરી ખૈબર પખ્તુનખ્વા સુધી ઇમરાનના સમર્થકો રીતસર રણે ચઢ્યા છે. પરિસ્થિતિ નિયંત્રિત કરવા માટે ઇન્ટરનેટ બંધ છે, અને તમામ સોશ્યલ મીડિયા એપ્સને ડાઉન કરવામાં આવ્યા છે. તેટલું જ નહીં પરંતુ પરિસ્થિતિ ન સુધરે તે પંજાબ અને ખૈબરપખ્તુનવામાં તો કટોકટી જાહેર કરાશે જ અને છતાં સ્થિતિ બગડે તો દેશભરમાં કટોકટી જાહેર થઈ જશે તેમ પાકિસ્તાનના મીડિયા જણાવે છે. આ વિષે મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. ધી ન્યૂઝનાં રીપોર્ટ પ્રમાણે આ જાણવા મળ્યું છે.

પાકિસ્તાનમાં સંવિધાનના આર્ટિકલ ૨૩૨માં કટોકટી (આપાતકાલીન-સ્થિતિ) જાહેર કરવા અંગે સ્પષ્ટત: જણાવવામાં આવ્યું છે. તે નીચે કોઈ પ્રાંતમાં વ્યવસ્થા હાથ બહાર જાય અને રાજ્ય સરકાર તે સંભાળી ન શકે તો ઇમરજન્સી જાહેર કરી શકાય. જોકે તે માટે સંબંધિત રાજ્ય તરફથી એક પ્રસ્તાવ પસાર કરાવી તે રાષ્ટ્રપતિને મોકલવો પડે. તે પછી વડાપ્રધાનની સલાહ લેવામાં આવે તે પછી રાષ્ટ્રપતિ કટોકટીની સ્થિતિ જાહેર કરી દે.

જોકે અત્યારે તો ઉક્ત બંને રાજ્યોમાં વિધાનસભા ભંગ થઈ છે. તેથી વડા પ્રધાનની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ પોતે જ કટોકટી જાહેર કરી શકે છે.

સંવિધાન પ્રમાણે જો રાષ્ટ્રપતિ પોતે જ તે નિર્ણય લઈ લે, તો ૧૦ દિવસમાં તેને રાષ્ટ્રની સમવાયતંત્રી સંસદનાં બંને ગૃહોમાં મંજૂરી મળવી જરૂરી છે.

કટોકટી દરમિયાન સંસદ કોઈ પણ રાજ્ય માટે જરૂરી કાનૂન બનાવી શકે છે. તે સર્વવિદિત છે કે, પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમર્થકોનાં રમખાણો ચાલુ જ રહ્યાં છે. પેશાવરમાં રેડીયો પાકિસ્તાનની ઇમારતમાં આગજની કરાઈ હોય કે સેનાનાં રાવલપિંડી સ્થિત મુખ્ય મથકમાં ઘૂસીને તોફાન કરવાનું હોય ઇમરાન ખાનના સમર્થકો કોઈ રીતે માને તેમ નથી. પેશાવરમાં તો ફાયરિંગમાં ૪ મૃત્યુ પણ થઈ ગયાં હતાં.

સરકાર પીટીઆઈ અને તેના સમર્થકો ઉપર સકંજો કશી રહી છે. પંજાબમાં ૧૦૦૦ જેટલા ઇમરાન-સમર્થકોને એરેસ્ટ કરાયા છે. ઇમરાનના નજીકના સાથી શાહી મસુદ કુરૈશીની પણ ધરપકડ કરાઈ છે. ફવાદ ચૌધરીનાં ઘર ઉપર પોલીસ ગોઠવાઈ ગઈ છે. ઇમરાનની ધરપકડની સૌથી વધુ અસર લાહોર અને આસપાસના વિસ્તારોમાં છે. ઇમરાન લાહોરમાં રહેતા હોવા છતાં મૂળ તો તેઓ ખૈબર પખ્તુનવાના વતની છે. તેઓ પખ્તુનોની સબબ ટ્રાઈબ નિયાગી કબીલામાંથી આવ્યા છે.