કપડવંજમાં 6, કઠલાલ, મહુધામાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ

Contact News Publisher
ખેડા જિલ્લામાં રવિવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં ખેડા જિલ્લામાં નોંધનીય વરસાદ થયો હતો. ખેડા જિલ્લામાં સાંજે ૬ વાગ્યા સુધીમાં કઠલાલમાં ૧૨૫ મીમી, કપડવંજમાં ૧૪૪ મીમી, ખેડામાં ૪૫, ગળતેશ્વરમાં ૯૨, ઠાસરામાં ૬૬, નડિયાદમાં ૧૦૩, મહુધામાં ૧૩૫, મહેમદાવાદમાં ૭૦, માતરમાં ૪૨ તેમજ વસોમાં ૨૪ મીમી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સાંજે છ  વાગ્યા સુધીમાં  ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહુધા તેમજ કપડવંજ તાલુકામાં ૧૨૧ મીમી નોંધાયો છે.

નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં શનિવારથી પડી રહેલા અવિરત વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નડિયાદના શ્રેયસ ગરનાળામાં આજે ફરી એકવાર એક કાર ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ક્રેઈનની મદદથી ગાડીને બહાર કાઢવામાં આવી હતી.

ભારે વરસાદ અને પગલે ઠાસરા તાલુકાના મહી કાંઠા વિસ્તારના ચાર જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે .આ ઉપરાંત નદીના પટમાં ન જવાની પણ લોકોને તાકીદ કરવામાં આવી છે.

નડિયાદ શહેર સહિત જિલ્લાભરમાં શનિવારથી અવિરત વરસી રહેલી મેઘ મહેરને? કારણે નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નડિયાદ શહેરના ચારેય ગરનાળા ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે. આ ઉપરાંત ઉપરવાસમાં આવેલ બજાજ સાગર જળાશયમાંથી ૪,૯૧,૧૬૧ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી પાણીની આવકને ધ્યાનમાં લેતા કડાણા જળાશયમાંથી મહીસાગર નદીમાં ૯ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જેને લઈને નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં ન જવાની તાકીદ કરવામાં આવી છે. ઠાસરા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે તાલુકાના મહી કાંઠે આવેલા રાણીયા, ભદ્રાસા, અકલાચા, ઉબા, વમાલી તેમજ કોતરીયા ગામના લોકોને પૂરના પાણી ન ઉતરે ત્યાં સુધી નદીના પટમાં અવર-જવર ન કરવાની અપીલ કરવામાં આવી છે.

કપડવંજના ગામોને પણ એલર્ટ કરાયા

ઉપરવાસ ભારે વરસાદના કારણે કપડવંજ તાલુકાના સાત ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરકાંઠા ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દોલપુર, બેટાવાડા , બારીયા ના મુવાડા , ઠુંચલ , નવી ઠુંચલ, સુલતાનપુર ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ગામના સરપંચ અને તલાટી અને અન્ય અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

કપડવંજમાં ભારે વરસાદ, મ્હોર નદી પરના પુલ પરથી પાણી વહ્યા

કપડવંજ : કપડવંજમાં વહેલી સવારથી સુસવાટા બંધ પવન સાથે દિવસ દરમિયાન સતત વરસાદ પડયો હતો .આ વરસાદને કારણે તાલુકાના

કાવઠ પાટીયા ઝાડ પડયું હતું .જે ફોરેસ્ટ વિભાગ દ્વારા ખસેડી લેવામાં આવ્યું હતું .ઉપરાંત તાલુકાના અંતિસરમાં વિજ થાંભલો પડયો હતો. તેમજ જગડુપુર પાસે પસાર થતી મ્હોર નદીના પુલ પરથી પાણી વહેતા સુરક્ષાના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો.

ઉપરાંત આ સતત વરસતા વરસાદને ખેડૂતો ચિંતામા મુકાઈ ગયા જ્યારે લગભગ ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ વચ્ચે પડતાં વરસાદ કારણે વાતાવરણ સુસવાટા પવન સાથે એકદમ ઠંડુ પડી ગયેલું હોય તેમજ હજીપણ ભારે વરસાદની આગાહીને કારણે તેમજ હજીપણ વાદળછાયું વાતાવરણ રહેવાથી તાવ, શરદી, ઠંડી ચઢવી, માથું દુખવું તેમજ શરીરમાં કળતર થવાના દર્દીઓથી દવાખાના ઉભરાવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

અને વરસાદ બંધ થયા બાદ દર્દીઓના સંખ્યામાં વધારો વધવાની શકયતા વધી રહી માટે આરોગ્ય વિભાગ પુર્વ તૈયારી રાખે તેવી પણ માંગ ઉઠી છે જોકે વરસાદ ચાલુ હોવાથી નુકશાની પરિસ્થિતિ હજુ બહાર આવી શકી નથી તેમજ હજીપણ ભારે વરસાદના કારણે નાગરિકો એ સાવધાન રહેવું જોઈએ કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ દરેક માટે સાવધાની જરૂરી છે