સૌરાષ્ટ્રમાં પ્રાચીન – અર્વાચીન રાસ -ગરબા સાથે નવલી નવરાત્રિનો માહોલ જામ્યો

Contact News Publisher

રાજકોટ : સૌરાષ્ટ્રમાં માઁ આધ્યાશક્તિની આરાધનાનાં મહાપર્વ નવરાત્રિનો ભક્તિભાવ સાથે પ્રારંભ થઈ ગયો છે. દરરોજ રાત્રે ગામે-ગામ વિવિધ સ્થળોએ પ્રાચીન અર્વાચીન રાસ ગરબાની રમઝટ બોલે છે. ખાસ કરીને જામકંડોરણા, બગસરા, ગોંડલ, દ્વારકા, વાંકાનેર, ખંભાળિયા, મીઠાપુર, હર્ષદ, અમરેલી, સાવરકુંડલા, વડિયા સહિતનાં શહેરો – ગામોમાં પ્રાચીન ગરબી મંડળોમાં નાની બાળાઓ રાસ રમીને માઁ જગદંબાની આરાધના કરી રહી છે. જે રાસ ગરબાનીહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે.

જામકંડોરણામાં ખોડિયાર ચોક ખાતે નવરાત્રિ નિમિત્તે ખોડિયાર ગરબી મંડળની બાળાઓ રાસ ગરબા રમીને માતાજીની આરાધના કરી રહી છે.

* બગસરાનાં નટવરનગર વિસ્તારમાં ૪૦ વર્ષથી ચાલતી પ્રાચીન ગરબીમાં ઢોલ – નગારાનાં તાલે નાની બાળાઓ રાસ રમે છે. જેમાં અઘોર નગારાનો રાસ આકર્ષણ જમાવે છે.

* ગોંડલની નાની બજાર સ્થિત આર્ય શેરીમાં રાજાશાહી વખતની ૧૦૭ વર્ષ જૂની પ્રાચીન ગરબી નીહાળવા પ્રથમ નોરતાથી લોકો ઉમટવા લાગ્યા છે. નોંધનીય છે કે, આ ગરબી માટે મહારાજા ભગવતસિંહજી દિવેલ મોકલતા હોવાનું કહેવાય છે.

* યાત્રાધામ દ્વારકામાં હોળી ચોક ખાતે ગુગળી બ્રાહ્મણ જ્ઞાાતિની ૧૪૯ વર્ષ જૂની પ્રાચીન ગરબીમાં આજે પણ પરંપરા જળવાઈ રહી છે. અહીં ફક્ત ઢોલ – નગારાનાં તાલે ગરબા – છંદના સ્વરે યોજાતી ગરબીમાં ગુગળી બ્રાહ્મણ યુવકો – બાળકો પરંપરાગત પાસા – બંડી વસ્ત્રમાં સજ્જ થઈને રાસ રમે છે.

* વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થયો છે. જેમાં દરરોજ સાંજે ૧૦૦ જેટલી બાળાઓ પ્રાચીન ગરબાની રંગત જમાવે છે.

* મીઠાપુર, સુરજકરાડી, આરંભડા વિસ્તારમાં અનુસૂચિત જાતિનાં લોકો દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ નોરતે ડીવાય.એસ.પી. સમીર સારડા સહિતનાં પોલીસ સ્ટાફે ઉપસ્થિત રહીને રાસ – ગરબા રમતી બાળાઓને પ્રોત્સાહિત કરી હતી.

* યાત્રાધામ હર્ષદ ખાતે આવેલા હરસિધ્ધિ માતાજીનાં મંદિર ખાતે આગામી તા.૨૧મીએ શનિવારે રાત્રે ૮ વાગ્યે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

* ખંભાળિયામાં નગરપાલિકા દ્વારા રેલ્વે સેગટેશન રોડ પર આવેલી રાજય પુરોહિત બોર્ડિંગનાં પટાંગણમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૨૪મી સુધી કોઈપણ ખેલૈયાઓ વિનામુલ્યે રસોત્સવનો આનંદ માણી શકશે.

* ખંભાળિયામાં લોહાણા કન્યા છાત્રાલય અને રઘુવંશી મહિલા મંડળનાં સંયુક્ત ઉપક્રમે બાળાઓ માટે રાસ – ગરબા તથા બહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

* અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવમાં ગરબે રમતા ખેલૈયાઓએ ઉત્સાહભેર ‘સ્વચ્છતા’ નાં શપથ લીધા હતાં. અહીં આખી નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટીને રાસોત્સવની રમઝટ બોલાવશે.

* સાવરકુંડલામાં રિધ્ધિ – સિધ્ધિ નાથ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની અને માતૃશક્તિ ગુ્રપ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવમાં પ્રથમ નોરતે નાની બાળાઓએ નવદુર્ગાનાં પહેરવેશમાં આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત કાણકીય કોલેજ રોડ સ્થિત બ્રહ્મપુરી ખાતે સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરીત બ્રહ્મસેના દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાતા દરરોજ ૧૫૦૦ જેટલા વિપ્ર પરિવારો ઉમટી રહ્યાં છે.

* વડિયા તાલુકાનાં રાંદલનાં દડવા ગામે આવેલા પ્રસિધ્ધ રાંદલ માતાનાં મંદિર ખાતે નવરાત્રિ મહોત્સવની ભાવભેર ઉજવણી ચાલુ કરાઈ છે. પ્રથમ નોરતે વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં, જેમનું સન્માન કરવામાં આવ્યું હતું.