ગુજરાતમાં આજે હાર્ટ એટેકથી 6 લોકોના મોત, કેબિનેટ બેઠકમાં પણ થઈ ચર્ચા, ઋષિકેશ પટેલે કહ્યું પાંચ વર્ષના આંકડા સાથે માહિતી રજૂ થશે

Contact News Publisher

રાજ્યમાં હાર્ટ અટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થતા હાહાકાર મચ્યો છે. એક સમયે કોરોના અને તેનાથી થતાં મોતે ચિંતા જગાડી હતી. ત્યારે હાલ હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. સાબરકાંઠાના હિમંતનગર વિજાપુર હાઇવે પર ST બસ ડ્રાઇવરને ચાલુ બસમાં હાર્ટ એટેક આવ્યો હતો. જો કે ડ્રાઈવરે બસને કાબૂ કરી સાઈડમાં ઉતારી દેતા દુર્ઘટના ટળી હતી.. હાર્ટએટેક બાદ ST બસના ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

બીજી તરફ અંકલેશ્વરમાં ધોરણ 4માં અભ્યાસ કરતી માત્ર 10 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત થતા આરોગ્ય નિષ્ણાતોની ચિંતા વધી છે. તો રાજકોટમાં 52 વર્ષીય હિતેષ ભટ્ટી અને સુરેન્દ્રનગરના લખતરમાં 43 વર્ષીય આલાભાઈ સભાડનું હાર્ટ એટેકથી મોત થયું છે. આમ રાજ્યમાં અચાનક હાર્ટ એટેક અને તેનાથી થતા મોતની સંખ્યામાં વધારો થતા ચિંતા વધી છે.

કેબિનેટ બેઠકમાં હાર્ટ એટેકના વધતા કેસોને લઇને મહત્વની ચર્ચા થઈ છે. રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કેસ વચ્ચે સરકાર છે સચેત તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 4 નવેમ્બરે એક પત્રકાર પરિષદ યોજીશું, જે UN મહેતા હોસ્પિટલ ખાતે યોજાશે. ડૉકટર્સ વિવિધ મુદ્દાઓ પર માહિતી આપશે તેમજ પાંચ વર્ષના આંકડા પણ રજૂ કરવામાં આવશે