સુરતના ભીમરાડ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અડધા જેટલા ઘર ભાડે આપી દેવાયાની ફરિયાદ

Contact News Publisher

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવેલા વિવિધ યોજના હેઠળના આવાસ ભાડે આપવાનો ધંધો પુરજોશમાં ચાલી રહ્યો છે. સુરતમાં સરકારી આવાસ ભાડે આપવાનું દુષણ સતત વધી રહ્યું છે જેના કારણે આવાસના સાચા લાભાર્થીઓની હાલત કફોડી થઈ રહી છે. સરકારે સાત વર્ષ સુધી ભાડે ન આપવામાં આવે તેવા નિયમો છતાં પણ તેનો ભંગ થઈ રહ્યો હોય સાચા લાભાર્થીઓ ત્રાહિમામ થઈ રહ્યા છે. હાલમાં સુરતના ભીમરાડ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અડધા જેટલા ઘર ભાડે આપી દેવાયાની ફરિયાદ કરવામાં આવી છે.

ભારત સરકારે વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરુ કરી છે તેની સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સુરતના તમામ વિસ્તારમાં ગરીબ-મધ્યમ વર્ગના લોકો માટે આવાસ બનાવવામાં આવ્યા છે. પાલિકા અને સરકારે લોકોને ઘરનું ઘર મળે તે માટે આવાસ બનાવ્યા છે પરંતુ કેટલાક લાભાર્થીઓ આવાસ લઈને પોતે રહેવાના બદલે ભાડે આપી કૌભાંડ કરી રહ્યાં છે.

જોકે, આવા કૌભાંડ અટકાવવા તથા સારા લાભાર્થીઓને આવાસ મળ્યા બાદ સાત વર્ષ સુધી ભાડે ન આપવું કે વેચાણ ન થાય તેવી શરત રાખવામાં આવી છે. પરંતુ મોટાભાગની જગ્યાએ આ શરતોનો ભંગ થઈ રહ્યો છે. હાલમાં લોકોને ઘરનુ ઘર મળે તે માટે પાલિકા અને સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. સુરતના ભીમરાડ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અડધા જેટલા ઘર ભાડે આપી દેવાયાની ફરિયાદ થઈ છે. આ આવાસના પાલિકાએ પાલિકા, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત દરેક જગ્યાએ રજૂઆત કરી છે. લાભાર્થીઓએ ફરિયાદ કરી છે કે, 168 લાભાર્થીઓમાંથી 70 આવાસ ભાડે આપી દેવાયા છે જેના કારણે સાચા લાભાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. આવાસમાં રહેનારા લોકોએ ફરિયાદ કરી છે કે, રહીશો દ્વારા ભાડુઆત અંગે ફરિયાદ કરવામા આવે છે ત્યારે ગેરકાયદે રહેતા ભાડુઆતો ધમકી આપે છે. આવાસમાં મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે તેથી આવી સમસ્યા તેમના માટે મોટી છે તેથી ગેરકાયદે રહેતા ભાડુઆત સામે પગલાં ભરવામાં આવે તેવી માગણી થઈ રહી છે.