ગુજરાતના ઈતિહાસની મહાચોરીનો ભેદ ઉકેલાયો! કન્ટેનર, કેમિકલ અને માટીનો હતો કાળો ખેલ, મોડસ ઓપરેન્ડીથી પોલીસ સ્તબ્ધ

Contact News Publisher

સુરત જીલ્લા એલસીબી પોલીસે ગુજરાતની સૌથી મોટી એગ્રો કેમિકલ ચોરીનાં નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જંબુસરથી વિદેશ મોકલવામાં આવતા કેમિકલની ચોરી કરવામાં આવતી હતી. ત્યારે પોલીસે રૂા. 81 કરોડનાં મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત જીલ્લા એલસીબી દ્વારા ગુજરાતની સૌથી મોટી ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં જંબુસરથી વિદેશ એક્સપોર્ટ કરવામાં આવતા એગ્રો કેમિકલ ચોરીનાં નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ત્યારે આરોપીઓ દ્વારા અલગ-અલગ કન્ટેનરમાંથી કેમિકલ કાઢી લઈ માટી અને રેતી ભરી દેતા હતા આ સમગ્ર નેટવર્કનાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કેમિકલ ચોરીનાં ત્રણ ગુનાંઓનો ભેદ ઉકેલ્યો છે.

મળતી માહિતી મુજબ ભરૂચનાં જંબુસર ખાતે આવેલ પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ લિ. તેમજ ભરૂચની હેમાની ક્રોપ પ્રાઈવેટ લી. દ્વારા કે એગ્રો કેમિકલનું ઉત્પાદન કરવામાં આવે છે.  કંપનીઓ દ્વારા 81 કરોડનાં જથ્થાને કન્ટેનર મારફતે હજીરા પોર્ટ મોકલવામાં આવ્યા હતા.  ત્યારે રસ્તામાં ટ્રેલરનાં ડ્રાયવર દ્વારા તેનાં સાગરીતો સાથે મળી આ કેમિકલની ચોરી કરી કન્ટેનરમાં એગ્રો કેમિકલની જગ્યાએ રેતીનો જથ્થો ભરી મોકલી દીધો હતો.  આ બાબતે કોસંબા પોલીસ સ્ટેશને બે મહિના અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. ત્યારે પોલીસ દ્વારા ફરિયાદનાં આધારે તપાસ હાથ ધરતા સુરત જીલ્લા એલસીબી પોલીસે કેમિકલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસને મળેલ બાતમીનાં આધારે પોલીસે 81 કરોડનાં મુદ્દામાલ સાથે બે  આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે આરોપીઓ દ્વારા એગ્રો કેમિકલની ચોરી કર્યા બાદ તેને સંતાડવા માટે કામરેજ તાલુકાનાં શેખપુર, વેલંજા તેમજ ઓલપાડ તાલુકાનાં સાંયણ, કન્યાસીમાં મુદ્દામાલ છુપાવવા માટે ગોડાઉન તેમજ દુકાનો ભાડે રાખી હતી. ત્યારે પોલીસ દ્વારા તે જગ્યાએ રેડ કરી એગ્રો કેમિકલનો જથ્થો તેમજ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ આ ચોરીમાં સંડોવાયેલા વધુ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

(1) મનીષકુમાર જગદીશપ્રસાદ શર્મા (ઉ.વર્ષ. 32, રહે. ઉધના, મોરારજી વસાહત, ઉધના, સુરત, મૂળ રહે. શનોરા ગાવપુર, થાના, તારૂન, જી. અયોધ્યા, ઉત્તર પ્રદેશ)

(2) ચિરાગ લાભુભાઈ બગડીયા (ઉ.વર્ષ.35 રહે. જય યોગેશ્વર રો-હાઉસ, સરથાણ જકાતનાકા, સુરત, મૂળ રહે. મેવાસા, તા, વલભીપુર, જી. ભાવનગર)