‘પહેલી 10 ઓવરમાં વર્લ્ડ કપ ફાઈનલનું રિઝલ્ટ’, રવિ શાસ્ત્રીની મોટી આગાહી

Contact News Publisher

2023ના વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને-સામને થવા જઈ રહ્યા છે. ફાઈનલ મેચ 19 નવેમ્બર (રવિવાર)ના રોજ ભારતીય સમયાનુસાર બપોરે 2 વાગ્યાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ટાઇટલ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. આ બધાની વચ્ચે જીતને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને કોચ રવિ શાસ્ત્રીએ ફાઇનલ મેચને લઇને એક મોટી વાત કહી છે. શાસ્ત્રીએ કહ્યું કે પ્રથમ 10 ઓવર બંને ઈનિંગ દરમિયાન ખુબ જ મહત્વની બની રહેશે અને તેનાથી જ મેચનું ભવિષ્ય નક્કી થશે. શાસ્ત્રીએ કહ્યું કે, અંતિમ મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ સદી ફટકારી શકે છે. મને લાગે છે કે પ્રથમ 10 ઓવર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતને કેટલીક શાનદાર શરુઆત મળી છે, ખાસ કરીને રોહિતે ટોપ ઓર્ડરમાં ધમાકેદાર દેખાવ કર્યો છે. તેનાથી ઘણો ફરક પડે છે. તેવી જ રીતે જો ઓસ્ટ્રેલિયાને પણ આવી શરુઆત મળશે તો તેમને ભરપૂર આત્મવિશ્વાસ મળશે. ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શ ખતરનાક ખેલાડી છે. શાસ્ત્રીએ વિરાટ કોહલી વિશે કહ્યું, ‘વિરાટ જે પ્રકારના ફોર્મમાં છે, તે પોતાની સ્ક્રિપ્ટ લખી રહ્યો છે. તેના બેટમાંથી વધુ એક સદી નીકળે તો નવાઈ પામવા જેવું નથી. તેણે સેમીફાઈનલમાં આ કારનામું કર્યું હતું અને તે ફાઈનલમાં પણ કરી શકે છે. ફાઇનલ મેચથી મોટું કંઇ નથી.

શાસ્ત્રીએ કહ્યું કે જ્યારે હું કોચ હતો, ત્યારે ખૂબ જ નિરાશ હતો કે આવી મહાન ટીમ વર્લ્ડ કપ જીતી શકી નહીં. વિદાય લેતા પહેલા મેં ખેલાડીઓને કહ્યું હતુ કે, તમે વર્લ્ડ કપ જીતવાને લાયક છો. સમય આવશે, એકાગ્ર અને સતત પ્રયત્નશીલ રહેશો. એ સમય હવે આવી ગયો છે. રોહિત મર્યાદિત ઓવરોના ક્રિકેટનો દંતકથા છે. રોહિત માટે વર્લ્ડ કપ જીત્યા વિના કારકિર્દીનો અંત આણવો તે સારું રહેશે નહીં. છ-સાત ખેલાડીઓ પાસે વર્લ્ડ કપ જીતવાની આખરી તક છે.

શાસ્ત્રીએ ભારતના બોલિંગ યુનિટ વિશે કહ્યું, “વ્હાઇટ બોલ ક્રિકેટમાં આ ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલિંગ આક્રમણ છે. ત્રણ શાનદાર ફાસ્ટ બોલરો છે અને પછી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવમાં સારા સ્પિનરો છે.

શાસ્ત્રીનું એવું પણ કહેવું છે કે વિરાટના બેટમાંથી વધુ એક સદી નીકળે તો નવાઈ નહીં કારણ કે આજકાલ તે સૌથી સારા ફોર્મમાં છે.

ઉલ્લેખનીય છે કે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. ભારત ન્યૂઝીલેન્ડને તો ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પહોંચ્યું છે.