મોસ્ટ વોન્ટેડ આતંકવાદીનું ઢીમ ઢાળી દેવાયું: પાકિસ્તાનમાં ‘અજ્ઞાત’ લોકોએ ભારતના દુશ્મનની કરી હત્યા, 2016 CRPF પર હુમલાનો હતો માસ્ટરમાઇન્ડ

Contact News Publisher

ભારતનો વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનમાં માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી દીધી છે. નોંધનિય છે કે, હંજલા 2016માં પમ્પોરમાં CRPFના કાફલા પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ હુમલામાં 8 જવાનો શહીદ થયા હતા, જ્યારે 22 જવાનો ઘાયલ થયા હતા. આ સાથે હંજલાએ વર્ષ 2015માં જમ્મુના ઉધમપુરમાં BSFના કાફલા પર હુમલાનું આયોજન કર્યું હતું. આ હુમલામાં BSFના 2 જવાન શહીદ થયા હતા જ્યારે 13 BSF જવાનો ઘાયલ થયા હતા. આ હુમલાની તપાસ NIA દ્વારા કરવામાં આવી હતી અને 6 ઓગસ્ટ 2015ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ બંને હુમલામાં હંજાલા પાકિસ્તાનમાં બેસીને આતંકીઓને સૂચના આપી રહ્યો હતો.

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને પુલવામા વિસ્તારમાં થયેલા આત્મઘાતી હુમલામાં હંજલાએ મોટી ભૂમિકા ભજવી હતી. નવા ભરતી થયેલા આતંકવાદીઓને ખાસ કરીને એવા આતંકવાદીઓને ગેરમાર્ગે દોરવા માટે હંજલાને POKના લશ્કર કેમ્પમાં મોકલવામાં આવ્યો હતો. જેઓ ભારતમાં ઘૂસણખોરી કરીને આતંકવાદી હુમલાઓ કરવાના હતા. અદનાનને લશ્કર કોમ્યુનિકેશન એક્સપર્ટ પણ કહેવામાં આવતો હતો.

હંજલાના મોતને લશ્કર ચીફ હાફિઝ સઈદ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાન લશ્કર ચીફ હાફિઝની ખૂબ નજીક હતો. 2-3 ડિસેમ્બરની રાત્રે અજાણ્યા હુમલાખોરોએ 4 ગોળીઓ ચલાવીને હત્યાકાંડને અંજામ આપ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે પણ અદનાનની હત્યા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અદનાન અહેમદને તેના સેફ હાઉસની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. ગોળી માર્યા બાદ તેને પાકિસ્તાની સેના દ્વારા ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બરે તેમનું અવસાન થયું. હાફિઝ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. હંજલાએ તાજેતરમાં તેનું ઓપરેશન બેઝ રાવલપિંડીથી કરાચી શિફ્ટ કર્યું હતું.