અમદાવાદ રિવરફ્રન્ટ પર સેલ્ફી લેવા જતા યુવકનું મોત, કેવી રીતે બની જીવલેણ ઘટના? સચેત રહેવા જેવું

Contact News Publisher

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફોટો પડાવવાની આદત જીવલેણ બની.. એક યુવકનું ફોટો પડાવતા વખતે પગ લપસતા નદીમાં ડૂબીને થયું મોત. પત્નીની આંખો સામે યુવક નદીમાં ડૂબ્યો.. રિવરફ્રન્ટ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી.. શું ફોટો પડાવવાનો ક્રેઝ મોત નું કારણ છે કે અન્ય કોઈ ઘટના છે.. આ મુદ્દે શરૂ કરાઇ તપાસ..

યુવકનું પાણીમાં ડુબી જતા મોત નિપજ્યુ હતું

રિવરફ્રન્ટનું આકર્ષક કેમેરામાં કેદ કરવાની ઈચ્છા એક યુવક માટે મોતનું કારણ બની છે. ઘટના એવી છે કે ઘોડાસરમાં રહેતો યશ કંસારા નામનો યુવક પોતાની પત્ની સાથે બપોરના સમયે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો. રિવરફ્રન્ટ પર ફર્યા બાદ યુવક અને તેની પત્ની વોકવે પાસે પહોંચ્યા હતા. ત્યારે ફોટો પાડતી વખતે વોકવે પાસે પગ લપસતા યશ કંસારા નદીના પાણીમાં પડી ગયો હતો. ત્યાં આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકનું પાણીમાં ડુબી જતા મોત નિપજ્યુ હતું. જે મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યશ પોતાની પત્ની સાથે ફરવા માટે ઘરેથી નીકળ્યો હતો

ઘોડાસરમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં 29 વર્ષીય યશ વિનોદભાઇ કંસારા પોતાના પરિવાર સાથે રહેતો હતો. અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. સોમવારના દિવસે યશ પોતાની પત્ની સાથે ફરવા માટે ઘરેથી નીકળ્યા હતા. યશ તેની પત્ની સાથે પહેલા પાલડી ખાતે ગયા હતા. ત્યાં નાસ્તો કરીને ફરતા ફરતા રિવરફ્રન્ટ ખાતે આવ્યા હતા. વોકવેના ભાગે રેલિંગ પાસે યશ ફોટો પાડતા હતો ત્યારે તેનો પગ લપસી જતા નદીમાં પડી ગયા હતા. પત્નીએ બુમાબુમ કરતા રેસ્ક્યુ બોટ અને ફાયર બ્રિગેડની ટીમે યશને નદીમાંથી બહાર કાઢ્યો પરંતુ તેનું મોત નીપજ્યું હતું.. મહત્વનું છે કે યશ પોતાની પત્ની પાસે છેલ્લો ફોટો પડાવવાનું કહ્યું અને તે રેલિંગ પર બેઠો હતો. પત્ની ફોટો પાડે તે પહેલાં તેની આંખોની સામે તે નદીમાં પડી ગયો હતો. જ્યારે યશનો મોબાઈલ તેની પત્નીના હાથમાં રહી ગયો હતો. ફોટો અને સેલ્ફીના ક્રેઝમાં આવી અનેક ઘટનાઓ બની છે..જેથી પોલીસે લોકોને આવું જોખમ નહિ લેવાની અપીલ કરી છે.