CR પાટીલ આજે મિશન સૌરાષ્ટ્ર પર: રોષે ભરાયેલા રાજપૂત સમાજના આગેવાનો સાથે યોજશે બેઠક

Contact News Publisher

રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીપ્‍પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા આવેદન આપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચિંમકી રાજપૂત અગ્રણીઓએ આપી છે.

ગુજરાતની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતી વખતે આપેલા નિવેદન અંગે તાજેતરમાં વીડિયો જાહેર કરીને માફી માગવી પડી હતી. પરંતુ રાજપૂત સમાજમાં રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ રોષ હજુ પણ યથાવત છે. રાજપૂત સમાજનો રોષ જોતાં ભાજપ પ્રમુખ પાટીલ રાજકોટ પહોંચ્યા છે. ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજનો રોષ થાળે પાડવા પાટીલની સમાજના આગેવાનો સાથે બેઠક યોજાશે.

ક્ષત્રિયો સાથે સી.આર.પાટીલની બેઠક
રૂપાલાએ ક્ષત્રિય રાજાઓને લઇ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય રાજપૂત સમાજ ભારે રોષે ભરાયો છે. અંગ્રેજો સામે ક્ષત્રિયોએ નમીને રોટી-બેટીના વ્યવહાર કર્યાનું નિવેદન આપ્યા બાદ વિવાદ થયો છે. ચુંટણી સમયે ભાજપ નેતાનું આ નિવેદન ભારે પડી શકે છે જેને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ આ મુદ્દાને લઇ એક્ટિવ થયા છે. તેઓ આજે રાજકોટ પહોચ્યા છે અને વિવાદને લઇ VVP કોલેજ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજશે.

ઊંઝામાં ફરિયાદ નોધવા અરજી
પરશોત્તમ રૂપાલાના કરેલા બફાટ બાદ સૌરાષ્ટ્ર નહી પરંતુ સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો રોષે ભરાયા છે. મહેસાણામાં તાજેતરમાં રાજપૂત સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવ્યુ હતું. જ્યારે ઊંઝા પોલીસ મથકે પરશોત્તમ રૂપાલા સામે ફરિયાદ નોધવા અરજી કરવામાં આવી છે. રાજપૂત સમાજ અંગે વિવાદિત નિવેદન બાદ પરશોતમ રૂપાલા ચારેબાજુથી ઘેરાયા છે. પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ઉત્તર ગુજરાત 52 ગોળ રાજપૂત સમાજમાં રોષ વ્યાપ્યો છે.અભદ્ર નિવેદન વિરૂદ્ધ ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા માટે અરજી આપવામાં આવી છે.અરજી આપીને ફરીયાદ નોંધવા રજૂઆત કરાઇ છે.

Exclusive News