‘આ શાક કેમ બનાવ્યું’ કહી હોટલ મેનેજર પર હુમલો:કામરેજની હોટલમાં ત્રણ શખસોએ મેનેજરને ચપ્પુનાં ઘા મારી લોહીલુહાણ કર્યો,

Contact News Publisher

કામરેજનાં ઉંભેળ ગામે નેશનલ હાઈવે પર આવેલી હોટલમાં જમવા આવેલા ત્રણ લોકોએ હોટલ મેનેજમેન્ટ સાથે ‘આ શાક કેમ બનાવ્યું’ની કહી નજીવી બાબતે મેનેજર ઉપર ચપ્પુના ઘા મારી હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના હોટેલના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

 

પીરસવામાં આવેલા શાક મામલે ઉગ્ર બોલાચાલી
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસની હદમાં ઉંભેળ ગામે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇથી અમદાવાદ જતાં રોડ પર મહાદેવ હોટલ આવેલી છે. જ્યાં તારીખ 8 એપ્રિલના રોજ ત્રણ લોકો બાઈક લઈને જમવા આવ્યા હતા. આ ત્રણેયે જમવાનું મંગાવ્યું હતું. ત્યાર બાદ હોટલ દ્વારા પીરસવામાં આવેલા શાક મામલે ઉપરોક્ત ત્રણ લોકોએ ‘આ શાક કેમ બનાવ્યું’ કહી કાઉન્ટર પર બેઠેલા હોટલનાં મેનેજર ગણપતરામ ગીરધારીરામ પ્રજાપતી તેમજ રસોઇયા કુશારામ મોમતારામ પ્રજાપતી (ઉં.વ.50) સાથે બોલાચાલી કરી હતી.

મેનેજર અને રસોયા પર ચપ્પુનાં ઘા ઝીક્યાં
જોકે થોડીવારમાં નજીવી બોલાચાલીએ ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. હોટલમાં જમવા આવેલા ત્રણેય લોકોએ એકબીજાની મદદગારીથી હોટલનાં કાઉન્ટર પર બેસેલા મેનેજર ગણપતરામ અને રસોઇયા કુશારામ ઉપર શરીરના વિવિધ ભાગે ચપ્પુના ઘા મારી તેઓને લોહીલુહાણ કરી દીધા હતા. આમ શાક બનાવવા જેવી નજીવી બાબતે થયેલા જીવલેણ હુમલાની ઘટના હોટલમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી.