પૂર્વોત્તર ભારત માટે હવમાન વિભાગે વરસાદની આગાહી કરી, અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

Contact News Publisher

ઈન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) એ જણાવ્યું કે, પૂર્વ ભારતમાં ગરમીનું મોજું 22 એપ્રિલ સુધી ચાલુ રહેશે. શુક્રવારે (19 એપ્રિલ) દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં કેટલાક સ્થળોએ ગરમીની લહેર આવવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 19 એપ્રિલે સૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ સ્થળોએ હીટવેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. આ સિવાય ઝારખંડમાં 22 એપ્રિલ સુધી હીટ વેવ ચાલુ રહી શકે છે.

હવામાન વિભાગે કહ્યું કે, 20 થી 22 એપ્રિલ દરમિયાન બિહારમાં અલગ-અલગ સ્થળોએ હીટ વેવની સંભાવના છે. આવી સ્થિતિમાં લોકોએ સાવધાન રહેવું જોઈએ. IMDએ કહ્યું કે 18 થી 22 એપ્રિલ સુધી ઉત્તરપૂર્વ ભારતમાં અલગ-અલગ સ્થળોએ ભારે પવન સાથે વીજળી અને ભારે વરસાદની સંભાવના છે.

IMDની આગાહી અનુસાર આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશમાં 22 એપ્રિલ સુધી આવું જ હવામાન ચાલુ રહેશે. IMDએ જણાવ્યું હતું કે 18 થી 20 એપ્રિલ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદના નવા રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગે તાજેતરમાં ચોમાસાના સરેરાશથી વધુ વરસાદની આગાહી કરી હતી, જે દેશના કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર છે.