21 મી ઓગસ્ટ 2019 – માહિતી ખાતા દ્વારા રજૂ કરાયેલ સમાચાર

Contact News Publisher

21 મી ઓગસ્ટ – 2019બુધવાર

અનુસૂચિત જાતિઓનેસહકારી ધિરાણ માળખામાં સંપૂર્ણપણે આવરી લેવાશે

ભુજ, બુધવારઃ

    ખેતી વિષયક ધિરાણ કરતી સેવા સહકારી મંડળીઓને જણાવવાનું કે, અનુસૂચિત જાતિઓને સહકારી ધિરાણ માળખામાં સંપૂર્ણપણે આવરી લઇ તેમની આર્થિક જરૂરી સંતોષવા આવા લોકોને સભાસદ બનાવવાની યોજના અમલમાં છે. શેર સહાય વ્યકિત દીઠ રૂપિયા બસ્સો છે. જે માટે પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સેવા સહકારી મંડળીઓએ જરૂરી પાત્રતા ધરાવતા અનુસૂચિત જાતિના લોકો પાસેથી દાખલ ફી રૂ.૧/- લઇને નિયત નમૂનામાં જરૂરી આધારો સાથે તાત્કાલિક જિલ્લા રજીસ્ટ્રારની કચેરી, સહકારી મંડળીઓ, બ્લોક નં.૨૨૧, પ્રથમ માળ, બહુમાળીભવન, ભુજનો સંપર્ક સાધવો અને વધુ માહિતી માટે કચેરીના ફોન નં.૦૨૮૩૨-૨૫૧૭૫૩ અથવા મો.નં.૯૯૨૫૧૦૬૫૫૬ પર સંપર્ક સાધવા જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

 

ખેડૂત પેન્શન યોજનાનો લાભ લેવા ઈજન

ભુજ, બુધવારઃ

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિશાન માન-ધન યોજના એટલે કે ખેડૂત પેન્શન યોજના અમલમાં મુકેલ છે. ખેડૂતો નજીકના સીએસસી સેન્ટર પર નિ:સુલ્ક નોંધણી કરાવી શકે છે. જે ખેડૂતો ૨ હેક્ટર સુધીની જમીન ધરાવતા હોય અને ઉંમર ૧૮ થી ૪૦ વર્ષ વચ્ચે હોય તેવા ખેડૂતો જ આ યોજનાનો લાભ લઇ શકે છે. 

    બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને ૬૦ વર્ષની ઉંમરથી દર મહિને રૂ।.૩૦૦૦/- નું પેન્શન મળે તે માટે પ્રધામ મંત્રી કિશાન માન-ધન યોજનાની નોંધણી શરૂ થઇ છે. નોંધણી માટે ખેડૂતોએ પોતાના આધાર નંબર તથા બેંક પાસબુક સાથે નજીકના સીએસસી સેન્ટર પર નોંધણી કરાવવાની રહેશે. જે તે ખેડૂત તેની ઉંમર પ્રમાણે દર મહિને રૂ.૫૫/- થી રૂ.૨૦૦/- સુધીની રકમ આ યોજનામાં ભરવાની રહેશે. ખેડૂત જે રકમ જમા કરાવશે સામે એટલી રકમ સરકાર જમા કરાવશે. ખેડૂત ૬૦ વર્ષના થાય ત્યાં સુધી પ્રિમિયમ ભરવાનું રહેશે. ત્યાર બાદ દર મહિને રૂ.૩૦૦૦/- નું પેન્શન ચુકવવામાં આવશે. 

    આ યોજનાનો લાભ કેટલાક ખેડૂતોને મળી શકશે નહી તેની સ્પષ્ટતા પણ કરાઇ છે. જેમાં અન્ય પેન્શન યોજનામાં જોડાયેલ હોય, વૈધાનિક પદ હોય, વર્ષ દરમ્યાન આવકવેરો ભરેલો હોય તેવા ખેડૂત, ડોક્ટર, એન્જિનિયર જેવા પ્રોફેશનલ્સ વિગેરે જોડાઇ શકશે નહી.   

    કચ્છ જિલ્લામાં પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા જિલ્લામાં દરેક તાલુકામાં ખેડૂતોની નોધણી કરાવવા માટે જુંબેશ રૂપે ગામોમાં કેમ્પોનું પણ આયોજન કરવામાં આવેલ છે. આથી તમામ ખેડૂતોને જણાવવાનું કે જે ગામોમાં કેમ્પોનું આયોજન હોય તે ગામોમાં નોધણી કરાવી લેવા પ્રોજેકટ ડાયરેકટર, આત્મા-કચ્છ દ્વારા જણાવાયું છે. 

 

‘‘સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામિણ-૨૦૧૯નો પ્રારંભ’’

કચ્છ જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતાનું

મૂલ્યાંકન કરીને સ્વચ્છ ગામોની પસંદગી કરાશે

ભુજ, બુધવારઃ

    જળ શકિત મંત્રાલય હેઠળના ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) અંતર્ગત કચ્છ જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ તા.૧૪મી ઓગષ્ટ-૨૦૧૯ના સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે તા.૩૦મી સપ્ટે.૨૦૧૯ સુધી ચાલશે.

    ભારત સરકાર દ્વારા નિયુકત કેન્દ્રિય એજન્સી દ્વારા કચ્છના તાલુકાઓના તમામ ગામોમાં ‘‘સ્વચ્છ ભારત મિશન’’ ની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવનાર છે. સર્વેક્ષણમાં એજન્સી દ્વારા રેન્ડમલી પસંદ કરવામાં આવનાર ગામમાં નિયત પેરામીટર્સ પ્રમાણે મૂલ્યાંકન કરવામાં આવશે. જે અંતર્ગત ગામમાં શૌચાલયની ઉપલબ્ધતા, ઉપયોગિતા, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, પ્લાસ્ટિક કચરાના પ્રમાણને ધ્યાને લેવામાં આવશે. લોકોના અભિપ્રાય, ગામના પ્રોત્સાહિત વ્યકિતઓના ફીડબેક, મોબાઇલ એપ્લીકેશન દ્વારા પ્રતિભાવો તેમજ કોમ્યુનીટ ટોયલેટનું નિર્માણ, શૌચાલય તથા ઓડીએફ (ખુલ્લામાં શૌચમૂકત વિસ્તાર) વેરીફીકેશનના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. જેના આધારે બીજી ઓકટોબરના રોજ પ્રથમ આવનાર ગામ તથા જિલ્લાઓને રાષ્ટ્રીયકક્ષા પર સન્માનિત કરવામાં આવશે. તેમજ SSG2019 નામની એપ ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી આપના અમૂલ્ય પ્રતિભાવો આપી કચ્છ જિલ્લાને પ્રથમ નંબર અપાવવા પ્રયાસ કરીએ તેવું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

ભુજ શહેરમાં આગામી તા.૨૩/૮ થી ૨૫/૮ નાં યોજાનાર શિતળા સાતમ મેળો

તથા જન્‍માષ્‍ટમીના મેળા પ્રસંગે ટ્રાફિક નિયમન માટે જાહેરનામું જારી કરાયું

ભુજ, બુધવારઃ

     ભુજ શહેર મધ્‍યે આગામી તા.૨૩/૮/૨૦૧૯ થી ૨૫/૮/૨૦૧૯નાં શિતળા સાતમ તથા જન્‍માષ્‍ટમીના તહેવારો પ્રસંગે હમીરસર તળાવ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો યોજવામાં આવનાર છે. જેનાં અનુસંધાને કાયદો અને વ્‍યવસ્‍થા તેમજ વાહન વ્‍યવહાર જાળવવાનાં હેતુસર આ મેળાનાં પ્રસંગે વાહન વ્‍યવહારનું નિયમન કરવાનું જરૂરી જણાતાં કચ્‍છના અધિક જીલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી કુલદીપસિંહ ઝાલા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧નાં કલમ ૩૩(૧)(બી) અન્‍વયે મળેલ અધિકારની રૂએ તા.૨૩/૮/૨૦૧૯ થી તા.૨૫/૮/૨૦૧૯ સુધી નીચે અનુસૂચિમાં જણાવેલ ભુજ શહેરના રસ્‍તા ઉપરોકત તારીખે અને સમયે વાહન વ્‍યવહાર માટે સદંતર બંધ રાખવાનું જાહેરનામું જારી કરાયું છે.

    જાહેરનામાની અનુસૂચિમાં જણાવ્યા મુજબ ભુજ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન તરફથી આવતા તમામ વાહનો મ્‍યુઝિયમ તરફ નહીં જઇ શકે, પરંતુ કોર્ટ સર્કલ પાસેથી જયુબીલી સર્કલ તરફ જઇ શકશે. ભુજ શહેરમાંથી મહાદેવ નાકા તરફ આવતાં વાહનો હમીરસર તળાવ તરફ નહીં આવી શકે, પરંતુ જુની મામલતદાર કચેરી પાસેથી જિલ્‍લા પંચાયત રોડ તરફ જઇ શકશે. જિલ્‍લા પંચાયત કચેરી તથા એસ.ટી.સ્‍ટેશન તરફથી આવતા વાહનો હમીરસર તળાવ તરફ આવી શકશે નહીં, પરંતુ જુની મામલતદાર કચેરી રોડ તરફથી જઇ શકશે. પાટવાડી નાકા, શરદ બાગ તરફથી આવતા તમામ વાહનો ખેંગાર પાર્ક તરફથી ગાયત્રી મંદિર થઇ સંસ્‍કારનગર તરફ જતા માર્ગેથી જઇ આવી શકશે. પણ ખેંગારપાર્કથી આગળ આવી શકશે નહીં. ઉમેદનગર કોલોની તરફથી આવતાં વાહનો રાજેન્‍દ્ર બાગ તરફ આવી શકશે નહીં, પરંતુ ગાયત્રી મંદિર રસ્‍તે પરત આવી જઇ શકશે. લેકવ્‍યૂ હોટેલ પાસે થઇ ઉમેદનગર તરફ જતો રોડ બંધ કરવાનો રહેશે. 

    ઉપરોકત જાહેરનામાથી પોલીસ ખાતાનાં તથા અન્‍ય સરકારી ફરજ પરનાં વાહનો, પોલીસ અધિક્ષકશ્રીના આદેશ અનુસાર કે સ્‍થળ પરના સહાયક અધિક્ષક દ્વારા અધિકૃત કરેલાં વાહનોને મૂકિત આપવામાં આવે છે.

Youtube : maa news live

Android App : maa news live

Whatsapp : 94287 48643

97252 06127

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *