કચ્છમાં અત્યાર સુધીમાં કુલ ૫.૨૨ કરોડ ઘાસનું વિતરણ કરાયું

Contact News Publisher

કચ્છમાં અછતની કામગીરી વેગવાનઃ કડક નિયમ-પાલન સાથે ઐતિહાસિક ૩૪૫ ઢોરવાડાંને વહીવટીતંત્રની મંજૂરીઃ

૨,૦૬,૮૭૯ પશુઓનો નિભાવઃ ભુજ તાલુકામાં સૌથી વધુ ૧૪૫ કેટલ કેમ્પઃ

પાંજરાપોળોને રૂ. ૩૨.૦૩ કરોડ અને ઢોરવાડાને ૨.૫૩ કરોડની સબસીડી ચૂકવાઇ

૫૪ રેલ્વે રેકથી ૧.૭૪ કરોડ કીલો ઘાસ આવી પહોંચ્યુઃ ૫.૨૨ કરોડ કીલો ઘાસનું  વિતરણ કરાયું

ભુજ,ગુરૂવારઃ  

વરસાદના અભાવે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહેલા કચ્છમાં અછતની કામગીરી પણ એટલી જ વેગથી આગળ ધપી રહી છે. જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના માર્ગદર્શન પ્રાંત કક્ષાએથી લઇ તાલુકા કક્ષા સુધી સમગ્ર વહીવટીતંત્ર અછતની કામગીરીને પ્રથમ અગ્રતા આપવા સાથે કામગીરીને પહોંચી વળવા રાત-દિવસના પ્રયાસો હાથ ધરવામાં આવતા હોઇ, કચ્છમાં ઐતિહાસિક સંખ્યામાં ૩૪૫ ઢોરવાડાં પણ હવે કાર્યરત બની ચૂકયાં છે. આ ઐતિહાસિક ઢોરવાડાઓમાં હવે કચ્છનાં ૨,૦૬,૮૭૯ પશુઓનો નિભાવ થઇ શકશે.

રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા ઓકટોબર માસથી જ અછત જાહેર કરવામાં આવતા વહીવટીતંત્ર દ્વારા કેટલ કેમ્પ ખોલવાં માટેની કાર્યવાહી આરંભે દેવાઇ હતી અને ઢોરવાડામાં નિભાવાતા પશુઓને ઇયર ટેગ લગાડવા સહિતના સરકાર દ્વારા નિયત કરાયેલ ધારાધોરણનું ચુસ્તપણ પાલન કરાય તેની પણ તંત્ર દ્વારા નિયમિતપણે ચકાસણી કરાતી હોવાનું  અછતના નાયબ કલેકટર એન.યુ. પઢાણે જણાવ્યું હતું.

શ્રી પઢાણના જણાવ્યા અનુસાર ઢોરવાડાં ચકાસણી ટીમ દ્વારા સમયાંતરે ચુસ્ત ચકાસણી કામગીરી પણ કરાતી હોઇ, કેટલ કેમ્પ દ્વારા કોઇ ગેરરીતિને અવકાશ રહેતો નથી. કચ્છમાં ૩૪૫ કેટલ કેમ્પની ઐતિહાસિક સપાટી વચ્ચે શરૂઆતના દિવસોમાં કડક નિયમો કે શરતોને કારણે કેટલ કેમ્પ ખોલવામાં હિચકિચાટ અનુભવાય છે તેવી વાત સામે આવી હતી પરંતુ વહીવટીતંત્રની કામગીરી રંગ લાવતાં તેમજ કેટલ કેમ્પ સંચાલકોએ પણ નિયમાનુસાર કામગીરી સિવાય તંત્ર દ્વારા કેટલ કેમ્પ ખોલવામાં કોઇ અડચણ અનુભવતાં નથી અને કડક નિયમ પાલન હોવા છતાં હવે કચ્છમાં ૩૪૫ ઢોરવાડાની ઐતિહાસિક સપાટી હાંસલ કરાઇ છે, તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું.

વહીવટીતંત્રના સુચારૂ અભિગમ સાથે સબસીડીના ચૂકવણામાં પણ વેગ જોવા મળ્યો છે, તેની વિગતો આપતાં શ્રી પઢાણે અત્યાર સુધી પાંજરાપોળોને રૂ. ૩૨.૦૩ કરોડ અને ઢોરવાડાને ૨.૫૩ કરોડની સબસીડી ચૂકવાઇ ગઇ છે, તેમ વધુમાં જણાવ્યું હતું.

ભુજ તાલુકામાં સૌથી વધુ ૧૪૫ કેટલ કેમ્પ કાર્યરત થઇ ચૂકયાં છે, બીજા નંબરે લખપતમાં ૬૧ જયારે અબડાસામાં ૪૯ તો નખત્રાણામાં ૩૬ ઢોરવાડા અને અંજાર તાલુકામાં ૨૮ ઉપરાંત માંડવી-મુંદરામાં ૧૧-૧૧ અને ભચાઉમાં ૪ કેટલ કેમ્પ મળી ૩૪૫ ઢોરવાડામાં બે લાખ, છ હજાર, ૮૭૯ પશુઓનો નિભાવ કરાશે, તેની વિગતો અછત શાખાએ આપી હતી અને અત્યાર સુધીમાં કુલ ૫.૨૨ કરોડ ઘાસનું વિતરણ કરાયું હોવાનું જણાવ્યું હતું.

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *