કચ્છ ફરી એકવાર લાચાર : ગાંધીધામથી હાઇવે ઓથોરિટીની કચેરી પાલનપુર ખસેડાઇ

Contact News Publisher

નબળી નેતાગીરીને કારણે ગાંધીધામ- આદિપુરને અગાઉ અનેક સરકારી કે અન્ય સુવિધાઓ માટે વિલંબ ભોગવવો પડે કે ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. પરંતુ હવે તો એક મહત્વની સુવિધા છીનવાઇ છે અને એ પણ ન માત્ર ગાંધીધામ પરંતુ સમગ્ર કચ્છ માટે આંચકા સમાન બની છે. હાઇવે ઓથોરિટીની કચેરીને અહીંથી ખસેડીને પાલનપુર લઇ જવા માટે લાંબા સમયથી ચાલતી હીલચાલ અંગે સાંસદ, વગદાર ગણાતી ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય 16 સંગઠને લાગણી વ્યક્ત કરીને કચ્છમાં જ આ કચેરી રહે તેવી માગણી કરી હતી. પરંતુ ગળપાદર, ખેડોઇ, વરસાણા, અંજાર, ભુજ, ખાવડાથી ધર્મશાળા સુધી રાષ્ટ્રીય માર્ગોના પ્રોજેક્ટો હજુ બાકી હોવા છતાં કચેરી ખસેડવાની તજવીજ શરૂ થઇ ગઇ હતી અને હવે તો માલ-સામાન પણ પાલનપુર લઇ જવા માટે હીલચાલ શરૂ કરવામાં આવતાં આ બાબતની જાણ થતાં ફરી એક વખત ગાંધીધામ અને કચ્છને અન્યાય થાય તેવી શક્યતા ઉભી થઇ છે.

કચ્છના આર્થિક પાટનગર કહી શકાય તેવા સંકુલમાં અગાઉ કાનૂની સુવિધાઓ માટે પણ લડત આપવી પડી હતી. આ ઉપરાંત અન્ય કેટલાય કિસ્સાઓમાં નબળી નેતાગીરીને કારણે ગાંધીધામને સહન કરવાનો વારો આ‌વી ચૂક્યો છે. દરમિયાન અંદાજે 2011માં આદિપુરમાં 11 જેટલા સ્ટાફથી કાર્યરત થયેલી અને એકાદ માસથી જ ગાંધીધામમાં ટાગોર રોડ પર સ્થાયી કરવામાં આવેલી નેશનલ હાઇ‌વે ઓથોરિટીની કચેરીને પાલનપુર ખસેડવાની કામગીરી કરાશે તેવા સંકેત મળ્યા હતા. મોટા ભાગના લોકોને અહીંથી ધક્કા ખાવા પડશે તેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે આ નિર્ણય યોગ્ય ન હોવાનો દાવો કર્યો હતો. સંસદ સભ્ય વિનોદ ચાવડા તથા નેશનલ હાઇવે પર થયેલી અધુરા કામો પુરા ન થાય તો ટોલ ટેક્ષ નહીં ચુકવાય તેવી જાહેરાત કરવા માટે જુદા જુદા એકત્ર થયેલા 16 જેટલા ટ્રાન્સપોર્ટ સહિતના સંગઠનોએ પણ ચેમ્બરના હોલમાં તાજેતરમાં હાઇવે ઓથોરિટીની કચેરી પાલનપુર ન ખસેડાય તેવી લાગણી વ્યક્ત કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *