2020 કોરોનામાં બરબાદ, 2021 નવી આશાનો સંચાર સાથે નવા પડકાર

Contact News Publisher

પહેલી જાન્યુઆરી ૨૦૨૦ અને બુધવાર, એટલે કે વિક્રમ સંવત ૨૦૭૬, પોષ સુદ છઠ્ઠના રોજ સવારે ૭ અને ૨૦ મિનિટે સૂર્યદર્શન સાથે નવ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો હતો ત્યારે કોઈને ક્યાં ખબર હતી કે આ વર્ષ એ ઇતિહાસમાં કેવા સ્વરૂપે નોંધાશે ? માનવ-જગતના ઇતિહાસમાં તેની જીવન-શૈલીમાં તેના વિચાર-વર્તનમાં કેવું પરિવર્તન લાવશે ? કોઈ જ્યોતિષ, મહાજ્યોતિષ કે જ્યોતિષાચાર્યને પણ ખબર ન હતી કે..આ ૨૦૨૦નું વર્ષ એ માનવ જગત માટે જીવ બચાવવા ફાંફા મારવા પડે તેવું હશે ? સિદ્ધિ સફળતા કે વિકાસના ગ્રાફ જોવાનો બદલે રોજ કેટલા મર્યા ? તેનો ગ્રાફ જોનારું આ વર્ષ બની રહેશે !

જેવી રીતે ૨૦મી સદીમાં ૧૯૧૮ ‘સ્પેનિસ ફ્લુ’ કે જેમાં પાંચ કરોડથી વધુ વિશ્વના નાગરિકો મૃત્યુ પામ્યા હતા તેવી રીતે યાદ રખાય છે તેમ ૨૧મી સદીનું ૨૦૨૦નું વર્ષ માનવજગતના ઇતિહાસમાં કોરોના વાયરસરૂપે મચાવેલ વૈશ્વિક હાહાકારને લીધે શોકની શાહીથી લખાયેલું રહેશે.

૨૦૧૯ ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં આ વાયરસે સૌ પ્રથમ દેખા દીધી તે કોરોના વાયરસ ડિસીઝ-૧૯ (Covid-19) તરીકે ઓળખાયો. આ રોગના મુખ્યત્વે લક્ષણોમાં તાવ, ઉધરસ, ગળામાં દુ:ખાવો, માથામાં દુ:ખાવો અને ખાસ કરીને શ્વાસ લેવામાં તકલીફ છે.

લોક ડાઉનના આવા નિર્ણયને આજે પણ મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે કેમ કે એક તરફ કોઈપણ જાતની પૂર્વ સૂચના વગર રાતોરાત લોકડાઉન જાહેર થતા એક કરોડથી વધુ શ્રમિકોએ હિજરત કરી એ જે દારૂણ હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા. તો બીજી તરફ લોકડાઉનને લીધે દેશના નાના ફેરિયાથી માંડી મોટા ઉદ્યોગો, વેપાર-ધંધા, રોજગારી પર ઐતિહાસિક કારમો ફટકો પહોંચ્યો. જોકે લોકડાઉનને લીધે કોરોનાને પાછો ઠેલી વિશ્વના અન્ય દેશો કરતા ભારતમાં તારાજી ઓછી પણ થઈ. પ્રત્યેક મહિને કોરોનાના દર્દીઓના વધતા જતા આંક અને મૃતકની સંખ્યાનો ગ્રાફ એ હદે ઉંચો જતો ગયો કે નાગરિકો ભય અને ફફડાટના ઓથાર હેઠળ આવી ગયા.

હોસ્પિટલો ભરચક બની, ફુટપાથ, મેદાનો, શાળા, કોલેજોમાં રેલવે કોચમાં બેડ ઉભા કરવા પડયા. સ્મશાનો, કબ્રસ્તાનો, અંતિમ ક્રિયા માટેની જગા પણ પ્રાપ્ય નહોતી. લોકડાઉન અને અનલોકમાં પણ નિયંત્રણ અને ચેપનો ભય હોઈ ટુરિઝમ મનોરંજનનો ઉદ્યોગ ઠપ્પ થઇ ગયો. રેલવે, એર, લોકલ, મેટ્રોના પૈડા પણ થંભી ગયા. જોવાલાયક સ્થળો, મંદિરોએ તાળા લાગી ગયા. ઓનલાઈન કલ્ચર, વેબિનાર, ઝૂમ-ગૂગલ મીટનો જમાનો આવ્યો.

માનવજગતની વર્ષના અંતે એવી જ પ્રાર્થના છે કે ‘ભગવાન હવે ખમ્મા કરો. અમારી ભૂલચૂક માફ કરશો. નવા વર્ષમાં જેમ બને તેમ ફરી અગાઉ વર્ષો જેવું ધબકતું, ચહકતું અને મહેકતું જીવન અમારે જીવવું છે. અમને ‘ન્યુ નોર્મલ’ નહીં ‘નોર્મલ’ જીવનની તલાશ છે.’ ચાલો,આપણે પણ કોરોનાને લીધે જે પણ બોધપાઠ આપ્યો છે તે તેને પામી જઈ આપણા તન, મન અને વૃત્તિને સ્વસ્થ રાખીએ અને પૃથ્વીનું પર્યાવરણ પણ પારદર્શક બનાવી દઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News