સિનેમાગૃહોને આજથી સંપૂર્ણ ક્ષમતાની છૂટ, તેમ છતાં ભુજમાં થિયેટર બંધ રહ્યાં !

Contact News Publisher

સિનેમાગૃહોને આજથી સંપૂર્ણ ક્ષમતા સાથેની છૂટ મળી પરંતુ દર્શકોના દુકાળ થકી ઊલટા શો બંધ રહ્યા હતા. સરકારે કોવિડ ગાઈડલાઈનમાં આપેલી કેટલીક રાહતો પૈકી સિનેમાઘરોને હવે ફુલ બુકિંગની છૂટ મળી છે, ત્યારે ભુજના થિયેટરોમાં ઊલટો તાલ જોવા મળ્યો હતો. શહેરની મોડર્ન ટોકિઝ તો બંધ જ રહી હતી, તો સૂરમંદિરમાં બે-ચાર દર્શકોના લીધે શો રદ કરાયા હતા, જ્યારે સેવનસ્કાય મલ્ટિપ્લેકસ પણ બંધ હોવાનું જણાવાયું હતું. જો કે, આ સ્થિતિ પાછળ મહત્ત્વનું કારણ એ પણ છે કે, કેટલાક સમયથી મહત્ત્વની કે બહુ ગાજતી ફિલ્મો ઓટીટી પર રજૂ થઈ રહી છે અને તાજેતરમાં કોઈ વિખ્યાત ફિલ્મો થિયેટરમાં રજૂ થઈ ન હોવાથી સિનેમાગૃહોના ધંધાને માઠી અસર પડી છે. હવે પૂર્ણત: સિનેમાગૃહ શરૂ કરવાની છૂટ મળી છે ત્યારે આગામી દિવસોમાં વિતરકો ફિલ્મોનો પ્રવાહ થિયેટર ભણી લઈ આવે તેવી આશા જાગી હોવાનું વર્તુળોએ ઉમેર્યું હતું.

કચ્છમાં ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા અને નખત્રાણામાં પણ સિનેમાઘરો છે, જેમાં ભુજ શહેરમાં સામાન્ય રીતે મોટા બજેટની અને મોટી સ્ટારકાસ્ટ સાથે નવી ફિલ્મો રિલીજ થતા સારા એવા દર્શકો મળી જતા હોય છે. ખાસ કરી તહેવારો ટાંકણે રજુ થતી ફિલ્મો દર્શકોને સિનેમાઘરો તરફ વાળી દેતી હોય છે. પરંતુ, કોઈ નવી ફિલ્મ રિલીજ ન થતી હોય અને તેમાં પણ મોટી સ્ટારકાસ્ટ ન હોય તો અપવાદને બાદ કરતા મોળો પ્રતિસાદ મળતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *