કચ્છમાં હજુ પંદર ટકા લોકોનાં જ કોરોના પરીક્ષણ કરાયાં !

Contact News Publisher

દેશ અને રાજ્યની સાથે કચ્છમાં પણ કોરોના સંક્રમણ ફરી એકવાર વકરતી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની સમીક્ષા બેઠકમાં ટેસ્ટીંગ વધારવાની સૂચના આપી છે, ત્યારે કોરોનાકાળને એક વર્ષ પૂરું થવા આવ્યું હોવા છતાં પરીક્ષણના મામલે કચ્છનું ચિત્ર હજુ જોઇએ તેટલું સંતોષકારક જણાતું નથી.

વિશાળ વિસ્તાર ધરાવતા આ સરહદી જિલ્લામાં હજુ કુલ વસતીના 15 ટકા લોકોનાં જ પરીક્ષણ કરી શકાયાં છે. એક વર્ષ બાદ પણ 85 ટકા લોકો પરીક્ષણના દાયરામાંથી બાકાત રહ્યા છે. રાજ્યના કોવિડ ડેશબોર્ડ પરથી મળેલી આંકડાકીય વિગત અનુસાર કચ્છમાં કોરોનાનો પહેલો કેસ જનતા કર્ફ્યૂથી એક દિવસ પહેલાં 21 માર્ચના નોંધાયા બાદ અત્યાર સુધી જિલ્લામાં સત્તાવાર રીતે 3.31 લાખ કોરોના પરીક્ષણ કરી શકાયાં છે. કોરોનાકાળના આરંભના સમયગાળામાં માત્ર પોઝિટિવ દર્દીના અતિ નિકટ સંપર્કમાં આવેલા લોકોના જ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર-રાજ્ય સ્તરની સૂચના બાદ કચ્છમાં પણ દૈનિક પરીક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો, તેની ફળશ્રુતિ એ જોવા મળી કે, જિલ્લામાં પ્રથમ 1 લાખ ટેસ્ટ જેટલા દિવસમાં થયા તેનાથી ઓછા દિવસમાં બીજા બે લાખ પરીક્ષણ કરવામાં આવ્યાં છે.કોરોનાના સંક્રમણમાં વધારા-ઘટાડાના દોરની અસર ટેસ્ટીંગના આંક પર સહજ રીતે પડતી હોય છે. આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળેલી વિગત અનુસાર હાલ જિલ્લામાં સરેરાશ 1000થી લઇ 1500 અને ક્યારેક 2000 આસપાસના ટેસ્ટીંગ કરાઇ રહ્યાં છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો’ કોરોના પરીક્ષણના મામલે કચ્છ રાજ્યમાં આઠમા ક્રમે છે. કચ્છથી વધુ કોરોના પરીક્ષણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર સહિતના મહાનગર વિસ્તારમાં થયા છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ઘટેલો કોરોનાનો વ્યાપ ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે.વડાપ્રધાન દ્વારા કરાયેલી તાકીદને ગંભીરતાથી લઇ સ્થાનિક’ પ્રશાસન વધુ સજાગ અને સતર્ક બને તે અતિ જરૂરી બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *