હમણાં એક બે દિવસ કોઈ મોબાઈલ સ્વીચ ઓફ ન રાખતા , કોઈને પણ હાઇકમાન્ડનો ફોન આવી શકે છે… સી.એમ.માટે

Contact News Publisher

ફેકમ ફેક : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

 

11 સપ્ટેમ્બર 2021 , શનિવાર 

આજની તારીખ ગુજરાત માટે યાદગાર રહેશે.

હું આ લખું છું ત્યારે રાત્રે 10 વાગ્યા છે , બાજુમાં ગણેશજીની સ્થાપનાં કરાઈ છે ત્યાંથી અસ્પષ્ટ સંગીતનો અવાજ સંભળાય છે , હું બોલે છે સમજાતું નથી.

અને આજે પણ ગાંધીનગરમાં જે થયું એ પણ સમજાતું નથી !

આજે લોકો મોંઘવારી , કોરોના , વેકસીનેશન , ક્રાઈમ વગેરે મુદ્દાઓને બાજુએ મૂકીને માત્ર વિજયભાઈ રૂપાણીનું રાજીનામું એની જ વાતો કરી, ઘણાં એ તો ભવિષ્ય ભાખ્યાં …

” એક વાત સ્પષ્ટ છે કે આ રાજીનામું લોકોને ઉલ્લુ બનાવવા માટે છે”  ભૂરાએ ઝરમર વરસાદમાં ચાની ચુસ્કી લેતાં પોતાનું જ્ઞાન છતું કર્યું….

ભૂરાની વાત પૂરી થઈને બીજો કોઈ બોલે એ પહેલાં જ મુસો બોલ્યો ” આ તો ડબ્બો બદલાયો , એન્જીન તો એ જ છે”

મને લાગ્યું કે આ વરસાદની અસર છે કાં ચા ચડી ગઈ છે, નહીંતો મુસો બહુ ઓછું બોલે.

પણ વાત એની ખોટી ન્હોતી , કેમકે ખૂદ વિરૂ (વિજય રૂપાણી) એ પણ રાજીનામાં પછી પત્રકારોએ પૂછ્યું કે કોણ હશે નવો ચહેરો? ત્યારે એમણે પણ કહ્યું કે ચહેરો તો મોદી જ રહેશે….

એક વાત સ્પષ્ટ થઈ વિજયભાઈની આ વાત થી કે ચેહરો કાલે  પણ મોદી જ હતા અને કાલે પણ મોદી જ હશે…

ઓશો એ એકવાર કહેલું કે જો લોકો એકબીજાની અંદરની વાતો સાંભળવા લાગી જાય તો શું થાય ?

એકવાર મધરીયો એનાં મિત્ર કાળુ ને ત્યાં ગયો , મધરીયાને એકલો જોઈ કાળુ મનમાં જ બોલ્યો : કાં એકલો જ ટપકી પડ્યો , ફટકડી ભાભીને ન લઈ આવ્યો !

મધરીયો સાંભળી ગયો અંદરની વાત , અને મનમાં જ બોલ્યો : તું  કેવો હલકટ છો એની મને ખબર છે , એટલે જ નથી લઈ આવ્યો….

કાળુ ભોંઠો પડ્યો, કેમકે એણે પણ મધરીયાની અંદરની વાત સાંભળી લીધી હતી….

કાશ આજનો દિવસ આપણે ગાંધીનગરનાં તમામ લોકોની મન કી બાત , સોરી મન ની વાત સાંભળી શકતા હોત ….. તો આજે બપોર થી કરીને રાત સુધી જે TV અને અખબારોમાં જે ઠોકમ્ ઠોક ચાલુ છે એ ન હોત.

વિજય રૂપાણી રાજીનામું આપ્યું કે આપવું પડ્યું એ બધી જ વાતો આપણે જાણી ગયા હોત… કોઈ ઝંઝટ જ ઊભી ન થાત..

પણ બધા લોકો થોડાં મન ની વાત કરી શકે છે કે સાંભળી શકે છે.

હવે વિજયભાઈ રૂપાણી ગૌણ થઈ ગયા, હવે કૌન બનેગા મુખ્યમંત્રી? એ ચર્ચાએ જોર પકડ્યું છે , વિરૂ હવે ભૂતકાળ બની ગયા , અને લોકોને ભૂતકાળમાં રસ હોતો પણ નથી.

હવે ગુજરાતનાં નાથ કોણ ? આ મુદ્દે લોકો મનફાવે એનાં નામ ચગાવી દીધા….

આજે સોશ્યલ મીડિયાની બજાર ભારે ગરમ રહી…

અનેક mgs વાંચ્યા …જેમાં એક અહીં મુકું –

#હમણાં એક બે દિવસ કોઈ મોબાઈલ સ્વીચ ઓફ ન રાખતા….

કોઈને પણ હાઇકમાન્ડનો ફોન આવી શકે છે…

સી.એમ.માટે 

ખરેખર આવા મેસેજની શોધ કરનારને પણ પુરસ્કાર મળવો જોઈએ…

હવે મુખ્યમંત્રી કોણ ?

અનેક નામ આવ્યા , જેમાંથી ઘણાં આજે આખી રાત માનતા રાખશે કે મારું નામ આવી જાય !

સી.આર. પાટીલે તો પોતેજ વીડિયો બહાર પાડીને જણાવી દીધું કે : હુ કોઈ મુખ્યમંત્રીની રેસમાં નથી.

તો હવે બાકી રહ્યા ગોરધન ઝડફીયા , નીતિન પટેલ , પ્રદીપસિંહ જાડેજા , ભુપેન્દ્રસિંહ ચુડાસમા , પુરુષોત્તમ રૂપાલા , મનસુખભાઈ માંડવીયા , અને મોડે મોડે એક વધુ નામ આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષ્યદીપનાં ઉપ રાજ્યપાલ પ્રફુલ્લ ખોડાભાઈ પટેલને હાજર રહેવા જણાવાયું છે,

અભી તો રાત બાકી હૈ મેરે દોસ્ત …. ઘણાં નામો આવશે હજુ,

નખત્રાણા બાજુ થી એક msg વહેતો થયો – વાસણભાઈ આહીર !

અરે ભાઈ વાસણભાઈએ તમારું શું બગાડ્યું છે , સુખેથી સૂવા દો એમને…

વિજયભાઇનો પ્રચાર દરમિયાન બેહોશ થઈને પડી જવાનો વીડિયો વાયરલ થયો અને બેકગ્રાઉન્ડમાં ગીત વાગતું હતું રમણ ભમણ…..

સાચે મને સતા હોય તો આવા ક્રિએટિવ લોકોને પદ્મશ્રી થી થોડુંક જ ઓછું એવું સન્માન જરૂર આપું.. શું યાર આ લોકો મહેનત કરતાં હશે, કેટલા વીડિયો સાચવીને રાખતાં હશે…. ક્યારે પડ્યા રૂપાણી અને આજે ફરી પાડ્યા લોકોએ એમને…

નવા મુખ્યમંત્રી અને વિજયભાઇ રૂપાણી સાથે રહી ચુંટણીમા 182 બઠકો જીતશુ , યાર આ CR પાટીલની પોઝિટિવિટી ગઝબની હો… સ્વપ્ન પણ મોટા જ જોવાનાં હો..

અમેરિકન ફિલ્મ સ્ટાર જિમ કેરી એ એકવાર live શો માં  કહ્યું કે સરકાર લોકો જાગે નહીં એનાં પૂરતાં પ્રયત્નો કરે છે , એ લોકોને હસાવશે – કેમકે એ બીજી કોઈ વાસ્તવિકતા થી દૂર રહે…

આપણાં ભારતમાં પણ આવું જ કંઈક ચાલી રહ્યું છે , ઉત્સવ , મેળા , રેલી અને સરઘસમાં લોકોને રોકી રાખવા જેથી એ પેટ્રોલ ,ડીઝલ  રાશન , મોંઘવારી કે બેકારી જેવા મુદા વિશે વિચાર પણ કરે…

આજનો દિવસ પણ લોકો જાણે રોકાઈ ગયા રૂપાણીનાં રાજીનામામાં !

આપણે ભારતીય લાગણીમાં વધુ જીવીએ છે , વાસ્તવિક્તાને બાજુએ મૂકીને તાન માં આવી જનારા આપણને કોઈ પણ સરળતાથી મૂરખ બનાવી શકે એમ છે.

દિવ્યભાસ્કરે લખ્યું : એક્સિડેન્ટલ cm , એક્સિડેન્ટલ વિદાય,

71 વિધાનસભા બેઠક ઉપર પાટીદારો , 15 ટકા માત્ર પટેલો ,

આ મુદ્દા ઘણું બધું કહી જાય છે,

જે રાષ્ટ્રમાં ધર્મ ને નામે , જ્ઞાતિને નામે , પંથ અને સંપ્રદાય ને નામે રાજકારણ ચાલતું હોય એ દેશ નું પતન આજ નહીં તો કાલ નિશ્ચિત છે.

ભારત 150 વર્ષ ગુલામ રહ્યું માત્ર 25000 અંગેજો સામે ! કારણ પ્રાંતવાદ , સમાજવાદ ….

ભીખો આ વધી વાતોમાં કંટાળ્યો હોય એમ ચર્ચાની દિશા બદલતાં બોલ્યો : ખબર છે વિજયભાઈએ શું કહ્યું ?

કોઈના દબાણ માં રાજીનામું નથી આપ્યું , પાર્ટીની પરંપરા મુજબ રાજીનામું આપ્યું…

ઓહઃ એટલે અધવચ્ચે થી રાજીનામું લઈ લેવું એ જ BJP પાર્ટીની પરંપરા છે એમ કે…

વાત તો ખોટી ન્હોતી ભૂરા ની … યાદ કરો આનંદીબેન પટેલ નું રાજીનામું…

મોદીનું બીજું નામ સરપ્રાઈઝ

ભીખો ચાની ચુસ્કી મારતાં બોલ્યો.

સાચી વાત હો આજ દિવસ સુધી કોઈ ઓળખી શક્યું છે નરેન્દ્રભાઈ મોદી ને ? 

કોઈ નહિ..

આપણાં ગુજરાતમાં પટેલોની જમાવટ હો..

ભાજપમાં તો ઢગલો પાટીદાર….

કોંગ્રેસ માં હાર્દિક પટેલ એ  પાટીદાર,

આપ માં ગોપાલ ઈટાલીયા એ પાટીદાર

ભૂતકાળમાં ગુજરાતમાં ભલે રાજ જામ સાહેબો અને નવાબો કરી ગયા પણ હાલ રાજ તો પાટીદારનું જ હો…

કાનો એન્ટ્રી મારતાં બોલ્યો…

કાનો આજે રાજકારણનાં રંગે રંગાયેલો દેખાયો – 

” ગોરધન ઝડફીયાનો ચાન્સ નથી હો , કેમકે Gpp ગુજરાત પરિવર્તન પાર્ટીમાં કેશુબાપા , સુરેશ મહેતા , ગોરધન ઝડફીયા ,કાશીરામ રાણા , સહિતનો કાફલો મેદાને હતો મોદીને પાડવામાં , પણ આ લોકોએ પડી ગયા… મોદી લહેરમાં ઓલ આઉટ થઈ ગયા GPP વારા….”

એ ય કાનીયા શુ જૂની જૂની વાતો પકડી બેઠો છો , આ રાજકારણ કેવાય , અહીંયા તો ગઈકાલની વાતો ભૂલી જાય એવા ભૂલલકડ હોય આ નેતાઓ ; ભૂરાએ કાનાની વાત કાપતાં બોલ્યો

પણ રાજીનામું લીધું … સૉરી , રાજીનામું આપ્યું શું કામ રૂપાણી સાહેબે ?

મધરીયાનાં સીધા સવાલને વિસ્તૃત રીતે સમજાવ્યો નૂરાએ,

જો સાંભળ , PM મોદી દ્વારા હાલમાં જ કેન્દ્રીય મંત્રીઓને ગુજરાતના પ્રવાસે મોકલ્યા હતા. જેમાં જનતાનો કેન્દ્રીય મંત્રીઓ જનસંવેદના યાત્રા નામે સમગ્ર ગુજરાતમાં ફરીને જનતાનો મુડ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગુજરાત સરકારની કામગીરીના સર્વેમાં ગુજરાતની જનતામાં રૂપાણી પ્રત્યે ભારોભાર અસંતોષ હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ભાજપને એન્ટી ઇનકમબન્સી નડે તેવી શક્યતાઓને જોતા સીએમ રૂપાણીનું રાજીનામું લઇ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

2017ની વિધાનસભા ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાઇ હતી. જેમાં માત્ર 97 સીટો જ આવી હતી. તે સમય દરમિયાન ન તો કોરોના આવ્યો હતો કે ન તો અન્ય અનેક મોરચાઓ પર કોઇ પણ પ્રકારનું મોટું ફેલ્યોર સામે આવ્યું હતું. તેમ છતા પણ આટલી ઓછી સીટો આવી હતી. તેવામાં જો હવે કોરોના કાળ બાદ પેદા થયેલી સ્થિતિમાં પણ વિજય રૂપાણીના નેતૃત્વમાં ચૂંટણી યોજાય તો ભાજપને મોટુ નુકસાન થાય તેવું લાગતા આખરે તેમનું રાજીનામું લઇ લેવાયું હતું.

” લે , એમાં બિચારા વિજયભાઈનો શું વાંક , એક બાજુ બોલો કે મોદી હૈ તો મુમકીન હૈ , 

અને હવે હારવાની બીક છે તો ઠીકરું રૂપાણીનાં માથે ફોડયું , આવું ન ચાલે તો ” મુસો નારાજગીમાં બોલ્યો.

મને તો લાગે આ પાટીલ અને રૂપાણી વચ્ચે જ નતું જામતું – ભૂરો ચા નો કપ હેઠો મૂકતા બોલ્યો .

જોકે વાત ભૂરાની ખોટી પણ નથી ,કેમકે

જ્યારથી સી.આર પાટીલે સંગઠનની જવાબદારી સંભાળી ત્યારથી જ CM અને પાટીલ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. કોરોના કાળ દરમિયાન સરકારની નિષ્ફળતાને પગલે સી.આર પાટીલે પોતે અલગથી ઇન્જેક્શનની વ્યવસ્થા કરી અલગ રીતે વહેંચ્યા હતા. જેના કારણે કેસ પણ દાખલ થયા હતા. મીડિયા દ્વારા ઇન્જેક્શન અંગે પુછવામાં આવતા CM એ જણાવ્યું કે, ઇન્જેક્શન પાટીલે વહેંચ્યા તો સવાલ મને કેમ પુછો છો. પાટીલને જ પુછો. જેથી પાટીલ અને રૂપાણી વચ્ચે તણખા સ્પષ્ટ રીતે બહાર આવ્યા હતા.

આજે ક્યાંક વિજયભાઇ પ્રત્યે સંવેદના દેખાઈ તો ક્યાંક એમને હાસ્ય કલાકાર કહી મજાક પણ ઉડાડી , પણ વ્યક્તિગત કહું તો એ રાજકીય જીવ નથી , આ કાવા દાવા એ એમનું કામ નહીં, એ તો જે અંદર હોય એ જ બહાર કહી દે…એટલે રાજકારણમાં આવા લોકો ન ચાલે ,

રાજકારણ એટલે , વિચારવું કંઈક , બોલવું કંઈક અને કરવું સાવ બીજું જ કંઈક….

એક અન્ય msg જોઈએ તો :

# કેન્દ્ર સરકારે ગુજરાતની જનતાનાં હક્ક, અધિકાર છીનવી શોષિત પીડિત બનાવ્યાં હતાં. તે ડર રૂપે આવનાર ચૂંટણી બાદ હારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાય રહી છે.ત્યારે

મુખ્ય મંત્રી રૂપાણીનું વિધાનસભા ચૂંટણી પહેલાં અચાનક રાજીનામુ ગુજરાતની જનતાને ભાવનાશીલ બનાવી જાતિ કાર્ડ રમી અન્ય પાર્ટીનાં વધતાં સંગઠન માળખું મજબૂત બનતાં લોકોના ધ્યાન ભટકાવી કૌભાંડ,ભ્રષ્ટાચાર, મોંઘવારીમાં લૂંટ, બેરોજગારી જેવાં મરણતોલ મુદ્દાઓથી ભટકાવવા દાવ ખેલ્યો છે.

રાજીનામાથી ભાવનાશીલ બની ફરી છેતરાશો નહીં.

જય હિંદ.

પ્રશાંત ભટ્ટ. માનવ અધિકાર મિશન. કચ્છ.

 

છેલ્લે દડે છક્કો :

મોદી સાહેબ અને ગૃહમંત્રીને વિનંતી કે ગુજરાતમાં મુખ્યમંત્રી જેને બનાવવા હોય તેને બનાવો ,પણ જ્યાં જ્યાં સંવેદનશીલ સરકારનાં નામના બસ સ્ટેન્ડ ,પેટ્રોલ પંપ ,શૌચાલય ,ચાર રસ્તા જેવી જગ્યાઓ એ બોર્ડ માર્યા છે તેમાં નવા મુખ્યમંત્રીનાં ફોટાવાળા બેનરોનો ખર્ચો અમારી ગુજરાતની પ્રજા પર નો નાખતા !

– દિલીપ વાણીયા ,આમ આદમી.

 

Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

maa news live : Youtube / Dailyhunt /

Fb / instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *