જો અમારી જ્ઞાતિનાં મિનિસ્ટર ન બન્યા તો ભાજપ સહન કરવા તૈયાર રહે ! એવું કહેવા વાળા કેમ અચાનક બધું જ સહન કરવા તૈયાર થઈ ગયા ?

Contact News Publisher

જો અમારી જ્ઞાતિનાં મિનિસ્ટર ન બન્યા તો ભાજપ સહન કરવા તૈયાર રહે !

આવું કહેવા વાળા કેમ અચાનક બધું જ સહન કરવા તૈયાર થઈ ગયા હશે ?

 

એક વાર સ્પષ્ટ છે કે મોદી નબળો નેતા ચલાવી લેશે ,પણ જે પોતાવારી કરશે એને ક્યાં મૂકી દેશે એની મોદી સિવાય કોઈ કલ્પના કરી શકે એમ નથી !

આજે લાંબી ખેંચતાણ બાદ આખરે શપથવિધિ થઈ!

ભાજપમાં આવું ભૂતકાળમાં થયું નથી , શિસ્તબદ્ધ ગણાતી BJP આજે ભર બજારે હાથે કરીને પાધરી થઈ.

આજે જે નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું એની યાદી જોઈને ચોંકી જવાશે.

અફસોસ એ કે દરેક મિનિસ્ટરની પાછળ એની જ્ઞાતિ લખવી પડી કે આ ફલાણી જ્ઞાતિમાંથી આવે છે !

ક્યાં જઈ પહોંચ્યું છે ભાજપનું રાજકારણ , કે જ્યાં ટેલેન્ટ ની ઐસી તૈસી અને ઈન્ટેલિજેન્ટ નેતા ઉપર ભીડ હાવી થઈ રહી છે , પરિણામે ડફોળ નેતાઓ મિનિસ્ટર બની પ્રજાની છાતી ઉપર ચડી જતાં હોય છે.

હાર્દિક પટેલે એક ટ્વિટ કરી

ना तो दुर्योधन में परिवर्तन आएगा,

ना कृष्ण धर्म स्थापना का संकल्प छोड़ेंगे।

अंततः निर्णय महाभारत से ही होगा।

 

હાર્દિકની આ ટ્વિટનો એક યુઝર્સે કઈક આવો જવાબ આપ્યો :

महाभारत देखते पढ़ते वक्त सबको यही लगता है की वो पांडव है.

सामने वाला दुर्योधन है. 

कृष्ण उनके साथ है. 

धर्म स्थापना वही करेंगे. 

किंतु समय और इतिहास यह तय करेगा की कौन क्या है.

 

મૂળ વિષય ઉપર આવું ;

પતન તો એક દિવસ બધાનું થવાનું જ , અહીં કેટલાય રાણા રાજ કરી ગયા , એની નિશાની આજે ગોતી નથી જડતી,

સુરેશ મહેતાને આજે કેટલા ઓળખે છે કે કેટલા યાદ કરે છે ? હેલિકોપ્ટરથી માંડવી આવતાં સુરેશભાઈ મહેતા આજે ક્યારે આવે છે અને ક્યારે જાય છે કોઈને ખબર પણ પડે છે ?

કેશુબાપા સાથે પણ શું થયું અંત સમયમાં ? 

આતો એમનાં મૃત્યુ બાદ ભાજપે એમની તસવીરો મુકાવી કાર્યાલયમાં !

ધૃતરાષ્ટ્રનાં શાસનકાળમાં જેટલાં બાહુબલીઓ એમની સભામાં હતા એટલા ભાગ્યે જ કોઈ રાજાનાં દરબારમાં હશે ? 

શું આવ્યું પરિણામ ? 

એની જ સંતાનો ધૃતરાષ્ટ્ર અને એનાં શાસનનાં પતનનું કારણ બન્યા.

કૃષ્ણની દ્વારિકા સોનાની લંકાનું શું થયું ? 

યાદવાસ્થળી થઈ અને જેને કોઈ પરાસ્ત ન કરી શકે એ કૃષ્ણનાં શાસનનું એનાં જ વંશજોએ પતન કરી નાંખ્યું!

એક વાત નોટ કરજો ; જ્યાં સુધી સંઘર્ષ છે ત્યાં સુધી લડાઈ છે , અને જ્યાં સુધી લડાઈ છે ત્યાં સુધી એલર્ટનેસ છે , અને જ્યાં સુધી એલર્ટનેસ છે , ત્યાં સમર્પણ છે અને જ્યાં સુધી સમર્પણ છે ત્યાં સુધી શિસ્ત છે , અને જ્યાં સુધી શિસ્ત છે ત્યાં સુધી સફળતા અને સિદ્ધિઓ છે !

હવે ઉપરોક્ત વાતને આપ કોંગ્રેસ સાથે જોડી લ્યો , સમજાઈ જશે કોંગ્રેસનું પતન કેમ થયું.

હવે આ જ વાતને આપ ભાજપ સાથે જોડી લો , સમજાઈ જશે કે જો BJP નું જો પતન થશે તો કેમ અને કઈરીતે થશે !

ટૂંક જ સમયમાં ભાજપનાં મૂળિયા ઊંડે પહોંચી ગયા ; એવું કહેવા વારાને ખબર નથી કે આ મૂળિયા માત્ર મોદી કે અમિત શાહે નથી નાંખ્યા , 

આજે કેટલા BJP વારા જે.પી ને ઓળખે છે ?

જયપ્રકાશ નારાયણ ( ૧૧મી ઓક્ટોબર, ૧૯૦૨ – ૮મી ઓક્ટોબર, ૧૯૭૯) જે.પી. અથવા લોકનાયક તરીકે જાણીતા ભારતીય સ્વતંત્રતા સેનાની, સિદ્ધાંતકારી, સમાજવાદી અને રાજનેતા હતા. તેઓ ભારત છોડો આંદોલનના નાયક તરીકે પણ ઓળખાય છે તથા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી વિરુદ્ધ ૧૯૭૦ના દશકના લોકતાંત્રિક વિરોધ માટે યાદ કરવામાં આવે છે.

ત્યારબાર અજાતશત્રુ અટલજી કે જેનો વિરોધ કેમ અને ક્યાં કરવો એની તાગમાં કોંગ્રેસ ઊંધે માથે થઈ જાય કે અટલજીનો વિરોધ ન કરી શકતી , રથયાત્રા કાઢીને ભાજપની કરોડરજ્જુ ટટાર કરનાર લાલકૃષ્ણ અડવાણી , કાશ્મીરમાં યાત્રા કરીને આતંકવાદ વિચાર ધારાને પડકારનાર મુરલી મનોહર જોશી , વિશાળ સતા પક્ષ સામે એકલ દોકલ BJP સાંસદ હોય અને તોય છાતી કાઢીને ઊભા રહેતાં પ્રમોદ મહાજન , એ સિવાય એવા ઘણાં બધાં સમર્પિત ભાજપનાં નેતાઓ નહીં પણ લડવૈયાઓ.

અને પછી આંગણીનાં વેઢે ઘણી શકાય એટલે સાંસદો માંથી સ્પષ્ટ બહુમતી લઈ આવનાર નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી  (જન્મ: ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦) ભારતના ૧૪મા વડાપ્રધાન.

આજે નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ..

મૂળ વાતે આવીએ , તો જનસંઘ માંથી BJP બનનાર પાર્ટીને હવે લાગે છે સંઘર્ષ નથી , અને ફરી ઉપરનું વાક્ય વાંચી લ્યો , કે જો સંઘર્ષ ખતમ તો સમર્પણ ખતમ અને જો સમર્પણ ખતમ તો પાર્ટી ખતમ !

આજે ક્યાં છે એવું સમર્પણ ભાજપમાં ?

સતા માટે પાર્ટીને જોઈ લેવા કે પરિણામ ભોગવવા તૈયાર રહેજો એવી ધમકી આપનાર આજનાં નેતાઓમાં ક્યાં છે સમર્પણ ? 

જો અમારી જ્ઞાતિને સ્થાન નહીં તો સહન કરવા તૈયાર રહે પાર્ટી ! એવું કહેનાર નેતાઓમાં ક્યાં છે પાર્ટી પ્રત્યેની વફાદારી ?

બુદ્ધિયો મારી વાત વચ્ચે કાપીને બોલ્યો :

મંત્રી પદ હતુ ત્થા સુધી હિંદુ ખતરામા હતા…
મંત્રી પદ ગ્યું તો સમાજ અને જ્ઞાતી ખતરામા આવી ગઈ !!

એય બુદ્ધિયા ચૂપ કર , બાપુને (આ લખનારને) ફેંકવા … સૉરી બોલવા દે , હા બાપુ બોલો શું કેતા’તા ? મધરીયો બુદ્ધિયાને ટોકતાં બોલ્યો.

હા , તો હું મૂળ વાત ઉપર આવું તો , હવે જો BJP નું સતા પતન થાય તો એ કોંગ્રેસ , AAP કે અન્ય પાર્ટીકે અન્ય નેતાઓને કારણે નહીં પણ ખૂદ ભાજપનાં નેતાઓને કારણે જ થશે.

જોકે હજુ મોદીનાં હાકલા પડકારાની અસર નથી એમ ન કહી શકાય, આપે જોયું હશે કે સાંભળ્યું હશે કે અમિત શાહનાં ગુજરાત થી દિલ્હી જતાં વેંત જ ગુજરાત ભાજપમાં જાણે ભડકો થયો, જોઈ લેશું , સહન કરવું પડશે જેવી ધમકીઓ પણ મળી.

પટેલ સમાજને મહત્વ તો અમારી સમાજને કેમ નહીં એવી દલીલો લઈને જાણે એવું વાતાવરણ થયું કે BJP તો ગઈ !

પણ એવા સપનાં જો અન્ય પક્ષો જોવા લાગ્યા હોય તો એ હજુ વહેલું છે , એવું નથી કે BJP સતા ઉપરથી ક્યારેય હેઠી ઉતરશે જ નહીં , નામ એનો નાશ ; પણ જ્યાં સુધી મોદી લહેર અને મોદીનાં હાકલા પડકારા છે ત્યાં સુધી ભાજપને તકલીફ પડે એવું નજીકમાં દેખાતું નથી.

એક દિવસ વિરોધનો વંટોળીયો અને જાણે એ જ રાતે કેન્દ્ર માંથી ફોનનો મારો થયો હોય અને જેમ કપાસ ઉપર વરસાદ પડે , જેમ વરસાદમાં ભીંજાઈને બિલાડી ઠુઠવાઈ જાય એવી જ કંઈ સ્થતિ વિરોધ કરનાર ગુજરાતનાં ભાજપી નેતાઓની દેખાઈ , અરે બીજા દિવસે જાણે હવા નીકળી ગયેલ ફૂગ્ગો…

ભારતમાં મોદી અને મોંઘવારીને કોઈ સમજી શકે એમ નથી ! અત્યાર સુધી પટેલ ધારાસભ્યની સંખ્યા કેટલાય વર્ષોથી ગુજરાત વિધાનસભામાં રહી , કોઈએ નોંધ લીધી ?

પણ રૂપાણીનું રાજીનામું , અને પટેલોમાં ભડકો , બસ પછી તો આ વાત નેશનલ મીડીયા સુધી પહોંચી , અત્યાર સુધી ચૂપ બેઠેલ અન્ય સમાજો પણ સફાળા જાગ્યા અને બોલવા માંડ્યા કે પટેલ CM બની શકે તો અમારી જાત નાં કેમ નહીં ?

એક કાંકરે અનેક પક્ષીઓને શિકાર કરવા એ મોદીનાં ડાબા હાથનો ખેલ .

મોદી અને વરસાદની આગાહી કરવી મુશ્કેલ છે , ગરજે તો વરસે નહીં , અને વરસે તેદી ગરજે નહીં.

મને તો લાગે આમાં પટેલોની પણ ગેમ થઈ ગઈ!

બધું જ છતું થયું , વિરોધનો વંટોળ પણ ઉઠ્યો, 2022 માં હવે માત્ર પટેલ ફેક્ટર કામ કરશે એવું નથી લાગતું, અન્ય સમાજો પણ માંગ કરશે , વિરોધ કરશે , સામે પણ ઊભશે; હાલ્યું એ હાલ્યું , હવે નહીં એવો હુંકાર પણ 2022 માં તમામ જ્ઞાતિ કરે તો નવાઈ નહીં.

આ ગંભીર ચર્ચા વચ્ચે થોડું હાસ્ય , પણ સત્ય ઘટનાં સાથે….

મોદી એ કરેલ 15 લાખના વાયદાનો પ્રથમ હપ્તો એક બિહારીને મળ્યો,

બિહારમાં રંજીત દાસ નામનાં વ્યક્તિનાં ખાતામાં ભૂલથી 5.5 લાખ જમા થઈ ગયા હતા , બેંકે રૂપિયા પાછા આપવા ઘણી નોટિસ આપી , પણ રંજીત દાસે કહ્યું કે મને એમ કે મોદીએ 15 લાખ આપવાનો વાયદો કરેલ એનો આ પ્રથમ હપ્તો છે , અને મેં તો એ રૂપિયા વાપરી પણ નાંખ્યા , હવે મારી પાસે કંઈ નથી !

રંજીત ની વાત સાંભળી રાજીયો સફાળો બેઠો થયો : હેં ઇ બેન્ક વારા ભૂલથી મારા ખાતામાં જમા ક્યારે કરાવશે?

આ તો બકરું કાઢતાં ઊંટ પેંઠું , નૂરો બોલ્યો ; અરે રૂપાણી બરાબર હલાવતા’તા  , ભલે હિન્દી નહીં પણ ગુજરાતીમાં ગુજરાત હાલતું તો હતું, તો પછી આવી કુપાઈ કરવાની શું જરૂર હતી ? હાલતું એમ હાલવા દેવું તું ને..

તને ન ખબર પડે મોટા માણાંનાં મોટાં પ્લાન હોય , ગાભાએ નૂરાને મજાવતાં કહ્યું.

 

” શપથવિધિ પણ ઠેલાય છે,

ને નેતાનો પસીનો રેલાય છે.

 

નથી શાશ્વત કોઈ અહીંયા,

આજે છે એ કાલે જાય છે,

 

મારી જ્ઞાતિ છે મહાન હો,

દેશ આમ જ વહેંચાય છે.

 

સહન કરવા રહેજો તૈયાર,

પક્ષ બરબાદ ત્યારે થાય છે.

 

કોઈ નથી મહાન અહીંયા,

સતા માટે જ ગેમ રમાય છે.

 

ઘર ફૂટે ઘર જાય કહેવત નથી,

પોતાનો જ પોતાને ખાય છે….”

 

છેલ્લે દડે છક્કો :

કોઈ દૃષ્ટ પણ કોઈ સજ્જનનાં સહયોગ વગર કંઈ કરી શકતો નથી, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ મહાભારત છે :

तस्य सञ्जनयन्हर्षं कुरुवृद्धः पितामहः ।

सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् ॥ १२ ॥

શ્લોક ભાવાર્થ: 

દુર્યોધનના હ્રદયમાં હર્ષ ઉત્પન્ન કરતાં કુરુવૃદ્ધ પ્રભાવશાળી પિતામહ ભીષ્મે સિંહની જેમ ગર્જના કરીને જોરથી શંખ વગાડ્યો.

 

story by : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

Maa news live : All Social Media

9428748643

9725206123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *