નિરોણાને દત્તક લેનાર સ્મૃતિ ઈરાનીના વિકાસના વાયદા ફાઈલોમાં દબાઈ ગયા

Contact News Publisher

ગામડાનો વિકાસ થાય અને લોકોને સ્થાનિક ધંધા-રોજગાર મળે તો શહેર તરફ પલાયન ન થાય તે હેતુથી અવિકસિત ગામને વિકસીત કરવા કેન્દ્ર સરકારે દેશના દરેક સાંસદને એક ગામને આદર્શ બનાવવા જવાબદારી સોંપી હતી. જેમાં પોતાની કળા- કારીગરી માટે પ્રખ્યાત નિરોણાથી પ્રભાવિત થઈને તત્કાલીન વસ્ત્ર મંત્રાલયના મંત્રી સ્મૃતિ ઈરાનીએ નિરોણાને દત્તક લીધું હતું. તે બાદ ગામમાં જાહેરસભા સંબોધીને મોટા મોટા વાયદા કર્યા હતા. જો કે, આજદિન સુધી આ વાયદા ફળીભુત ન થતાં આ યોજના માત્ર પ્રચાર- પ્રસારનો નુસખો જ સાબિત થઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે.

આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તા.૧૨ ઓક્ટોબર ૨૦૧૮ના ઈરાનીએ નિરોણામાં વિવિધ કામના ખાતમુર્હુત સાથે જાહેરસભામાં વિકાસના અનેક વાયદા કર્યા હતા. જેમાં નિરોણા કુમાર શાળામાં સ્માર્ટ કલાસ શરૂ કરવા સાથે નવી કોમ્પ્યુટર લેબની જાહેરાત કરી હતી જે આજસુધી પુર્ણ થઈ નથી. માધ્યમિક શાળામાં સાયન્સ લેબની જાહેરાત કરી હતી તે પણ પુર્ણ કરાઈ નથી. ગ્રામજનોને સરકારી વિવિધ યોજનાનો લાભ મળે તે માટે કોમન સર્વિસ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી જે પણ હવામાં જ છે. સમગ્ર ગામને વાઈ-ફાઈ આપવાની યોજના પણ અધ્ધરતાલ છે. આખા ગામને આર.ઓ પ્લાન્ટ શુધ્ધ પાણી આપવાનું પણ ઈરાની ભુલી ગયા છે. શરમજનક વાત એ છે કે, ઉપરોક્ત તમામ વિકાસ કામોનું પાયો પણ નખાયો નાથી. જાહેરાતના બે વર્ષમાં આ દિશામાં નક્કર કોઈ કામગીરી ન થતાં લોકોમાં નારાજગી ફેલાઈ છે. નિરોણા હાઈસ્કુલમાં ધો.૧૧ અને ૧૨ના વર્ગો માટે બે વર્ગ ખંડ માટે રૂ. ૭ લાખ ફાળવાયા જે ને ૨ વર્ષ થયા હજૂ પાયો ખોદાયો નથી. બાળકો જર્જરીત વર્ગખંડોમાં અભ્યાસ કરે છે. લોકો આજે પણ નિરોણા ડેમનું કાચુ પાણી પીવે છે, જે ડેમ ખુલ્લો હોવાથી પશુ-પક્ષીઓ દ્વારા પ્રદુષિત થયેલું હોય છે.ઉપરાંત ટયુબવેલનું પાણી અપાય છે પરંતુ તે પણ ૩૫૦૦ ટીડીએસ ધરાવે છે. જેના કારણે પાણી જન્ય રોગ ફેલાય છે. બીજીતરફ ગામની સુરક્ષા માટે મુકેલા સીસીટીવી કેમેરા એકાદ વર્ષથી બંધ હાલતમાં છે. લોકોએ ટકોર કરી હતી કે, માત્ર વચનોની લ્હાણીથી આદર્શ ગામ બનેલું નિરોણા ખરા અર્થમાં મોદીના સપનાનું ગામ ક્યારે બનશે ? ઈરાની ફાઈલોમાં ધુળ ખાતી ગામ વિકાસની યોજનાને સાકાર કરવા તસ્દી લે તેવી માંગણી કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News