હાજીપીર દરગાહના સંકુલમાં, કરોળપીર ગામના સંકુલમાં કઈ કઈ વસ્તુઓ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી ?

Contact News Publisher

હાજીપીર દરગાહનો ઉર્ષ-૨૦૨૨
હાજીપીર દરગાહ અને કરોળપીર સંકુલ માટે પ્રતિબંધ જાહેર કરાયા
ભુજ, શુક્રવાર;
તા.૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૪/૦૩/૨૦૨૨ દરમ્યાન હાજીપીર મુકામે હાજીપીરનો (ઉર્ષ) મેળો તેમજ તા.૧૨/૦૩/૨૦૨૨ થી તા.૧૫/૦૩/૨૦૨૨ સુધી કરોળપીર ગામે (ઉર્ષ) મેળો યોજવામાં આવનાર છે. આ દરમ્યાન દરરોજ મોટી સંખ્યામાં લોકો દરવર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે આ સ્થળોએ ખુબજ ભીડ થાય છે. વર્તમાન સમયમાં અગત્યના ધાર્મિક સ્થાનોની સુરક્ષા નજરે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુથી આ ધાર્મિક સંકુલમાં શ્રી પ્રવિણા ડી.કે., જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૭ (૧) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ તા.૧૪/૦૩/૨૦૨૨ના રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી હાજીપીર ખાતે આવેલ હાજીપીર દરગાહના સંકુલમાં, કરોળપીર ગામના સંકુલમાં અહીં જણાવેલ વસ્તુઓ લઈ જવાની મનાઈ ફરમાવેલ છે. મોબાઈલ, કેમેરા, શંકાસ્પદ વસ્તુઓ, પ્રસાદની વસ્તુ જેવી કે શ્રીફળ વિગેરે વ્યુઅર મશીનથી ફરજ પરના પોલિસ કર્મચારીઓ ચેક કરી શકશે અને વાંધાજનક કે શંકાશીલ જણાશે તો લઈ જવા દેવામાં આવશે નહી. સરકારી નોકરી પર કામ કરતી વ્યક્તિ એટલે કે તેના ઉપરી અધિકારીએ ફરમાવ્યું હોય અથવા કોઈ વસ્તુ લઈ જવાની ફરજ હોય અથવા અધિકૃત કરેલ કોઈપણ પોલિસ અધિકારીએ જેને અધિકૃત કરેલ હોય અને તે લઈ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓ, જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી પોલીસ અધિકારીશ્રી અથવા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અથવા સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી અધિકૃત કરે તેવી બીજી કોઈ વ્યક્તિઓ પર આ હુકમ લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર (૪) માસની અને વધુમાં વધુ એક (૧) વર્ષ કેદની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે. આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાની, જાહેરનામાની પાલન કરાવવાની અને તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.

હાજીપીર દરગાહનો ઉર્ષ-૨૦૨૨
હાજીપીર ફાટકવાળા રસ્તે ભારે માલવાહક વાહનો પર પ્રતિબંધ
ભુજ, શુક્રવાર;
તા. ૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૪/૦૩/૨૦૨૨ દરમ્યાન હાજીપીર મુકામે હાજીપીરનો (ઉર્ષ) મેળો તથા તા. ૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૫/૦૩/૨૦૨૨ સુધી કરોળપીરનો મેળો (ઉર્ષ) યોજવામાં આવનાર છે. આ પર્વ દરમ્યાન જીલ્લાનાં તથા જીલ્લા બહારથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પગે ચાલીને હાજીપીરનાં દર્શનાર્થે જાય છે. આ વિસ્તારમાં ખાનગી કંપની કાર્યરત છે અને તે કંપનીના ભારે માલવાહક વાહનો ખાનગી કંપનીથી હાજીપીર ફાટક સુધી સિંગલ પટ્ટી રોડ પર અવર જવર કરે છે. હાલમાં રસ્તાને વધારવાનું કામ ચાલુ હોઈ ભારે માલવાહક વાહનોની અવર-જવરને કારણે પદયાત્રીઓને મુશ્કેલી પડે અને અકસ્માત થવાની સંભાવનાઓ રહે છે. જેથી પદયાત્રીઓના માર્ગમાં કોઈ અડચણ કે મુશ્કેલીઓ ઉભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી બને છે. જેથી શ્રી પ્રવિણા ડી.કે, જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ – ભુજ દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) (બી) (સી) અન્વયે ફરમાવે છે કે, તા.૧૫/૦૩/૨૦૨૨ સુધી આર્ચીયન કંપની થી હાજીપીર ફાટક સુધી ભારે માલવાહક વાહનો જણાવેલ તારીખો દરમ્યાન પરિવહન કરી શકશે નહીં. પોલિસ ખાતાના ફરજ પરના ભારે વાહનો પોલિસ અધિક્ષકશ્રીના આદેશ અનુસાર કે સ્થળ પરના સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલ વાહનો આ જાહેરનામાં માંથી જણાવેલ વાહનોને મુક્તિ આપવામાં આવે છે.


હાજીપીર દરગાહનો ઉર્ષ-૨૦૨૨
સામખીયાળી થી હાજીપીર સુધી કેમ્પ સંચાલકો માટે સુચનો જાહેર કરાયા
ભુજ,શુક્રવાર;
તા. ૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૪/૦૩/૨૦૨૨ દરમ્યાન હાજીપીર મુકામે હાજીપીરનો(ઉર્ષ)મેળો તથા તા. ૧૨/૦૩/૨૦૨૨ થી તા. ૧૫/૦૩/૨૦૨૨ સુધી કરોળપીર ગામનો મેળો ( ઉર્ષ ) યોજવામાં આવનાર છે. આ પર્વ દરમ્યાન જીલ્લાના તથા જીલ્લા બહારથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પગે ચાલીને હાજીપીરનાં દર્શનાર્થે જાય છે. આ પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જીલ્લામાં સામખીયાળીથી હાજીપીર સુધી સેવા માટેના કેમ્પો રોડની બન્ને બાજુએ નાખવામાં આવે છે અને હજારોની સંખ્યામાં પદયાત્રીઓ માટે નાની નાની રીક્ષાઓ, ટેક્ષીઓ, મેટાડોર જેવા વાહનો પણ સેવા માટે આ રસ્તા પરથી સતત અવર જવર કરતા હોય છે. જેથી પદયાત્રીઓના માર્ગમાં અડચણ કે મુશ્કેલીઓ ઉભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી બને છે.
શ્રી પ્રવિણા ડી.કે., જીલ્લા મેજીસ્ટ્રેટ કચ્છ-ભુજ દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) (બી) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ વિગતો તા. ૧૫/૦૩/૨૦૨૨ સુધી સંબંધિત કેમ્પ સંચાલકોએ અમલ કરવી. સામખીયાળી થી હાજીપીર સુધી પદયાત્રીઓ માટે જીલ્લા તથા જીલ્લા બહારના જે સંસ્થાઓ તરફથી રસ્તાની સાઈડે કેમ્પ રાખવામાં આવે છે તેઓએ સુચિત વિગતો કેમ્પના સ્થળે રાખવાની રહેશે. તેમજ સંબંધિત નજીકના પોલીસ સ્ટેશને તેની જાણ કરવાની રહેશે સેવાભાવી સંસ્થાનું નામ, સરનામું ટેલીફોન નં/મોબાઈલનં કેમ્પનું સ્થળ અને કેમ્પનો હેતુ, કેમ્પના મુખ્ય સંચાલકો આયોજકોના નામ, સરનામા ટેલીફોન નં./મોબાઈલ નં. કેમ્પના સેવા આપનાર સ્વયં સેવકોના નામ, સરનામા, ટેલીફોન નં./મોબાઈલ નં. કેમ્પમાં કોઈ ચીજ વસ્તુ ખાધ પદાર્થ વિતરણ કરવાના છે કે કેમ ? જો હા તો તેની સંપૂર્ણ વિગત, પ્રતિબંધિત ખાદ્યપદાર્થનું વિતરણ કરી શકાશે નહી. કેમ્પ કેટલા દિવસ માટે લગાડવાનો છે તેની વિગત જે જગ્યાએ કેમ્પ લગાડવાના હોય તે જગ્યાએ લાઈટ રીફ્લેક્ટર રાખવા કેમ્પ આયોજકોએ સફાઈ માટે સ્વીપરોની વ્યવસ્થા, કચરાપેટી માટેની જરૂરી વ્યવસ્થા કરવી યાત્રાળુઓ માટે શુદ્ધ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. રસ્તા પર વધારાના સ્પીડબ્રેકર કે બમ્પ બનાવવાના રહેશે નહી. લાઉડ સ્પીકર વગાડવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે. પ્લાસ્ટીકની થેલીનો ઉપયોગ કરવો નહીં. કેમ્પના સંચાલકોએ જમીન માલિકની પરવાનગી મેળવી મંડપ વગેરે બાંધવાના રહેશે, કેમ્પના સંચાલકોએ જાહેર રસ્તા કે મુખ્ય માર્ગ પર કોઈ અવરોધ ઉભા કરવાના રહેશે નહીં સેવા કેમ્પ પસાર થતાં માર્ગથી અંદરના ભાગે વાહનવ્યવહારને તેમજ રાહદારીઓ પદયાત્રીઓને અડચણ ન થાય તે રીતે બાંધવાનું રહેશે આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *