કચ્છના નાના રણમાં અગરીયાઓ માટે સાંજ પછી નો એન્ટ્રી, ઉદ્યોગપતિઓ માટે 24 કલાક છૂટ !

Contact News Publisher

રણના કારણે કચ્છ આજે દુનિયાભરમા જાણીતું બન્યું છે,પણ માલતુજારોની સામે તંત્ર ઝૂકી ગયું હોય તેમ કચ્છના નાના રણમાં બે અલગ અલગ નિયમો જોવા મળી રહ્યા છે. જેમાં કચ્છની સમીપે આવેલા સાંતલપુરમાં નાના રણમાં છ વાગ્યા સુધી પછી અગરિયાઓ માટે નો એન્ટ્રીનો નિયમ લાગુ કરી દેવાયો છે જ્યારે જિલ્લામાં સૂરજબારી, શિકારપુર,માણાબા,આડેસર પાસેના રણમાં ઉદ્યોગપતિઓ નમક પકવતા હોવાથી અહીં કોઈ પાબંદી નથી અને 24 કલાક રણ ધમધમે છે.એક જ રણમાં બે નિયમના કારણે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

ભારતમાં ફક્ત કચ્છના નાના રણમાં જ ઘૂડખર (જંગલી ગધેડા ) જોવા મળતા હોઇ તેની નિભાવણી માટે નાના રણને અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે સાંતલપુર, ટીક્કર, ખારાઘોડા જેવા વિસ્તારમાં અગરિયાઓને વન વિભાગના નિયમ પ્રમાણે મીઠુ પકવવા માટે જમીન લિઝ પર અપાઈ છે ત્યારે આ વર્ષે સાંતલપુરના રણમાં મીઠુ પકવતા અગરિયાઓ માટે જાણે આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં વન વિભાગ દ્વારા ઘૂડખર અભયારણ્ય રણમાં સાંજે 6 વાગ્યા પછી અવર જવર પર પ્રતિબંધ મૂકીને ચેક પોસ્ટ ઉભી કરી દેવામાં આવી છે જેનાથી અગરિયાઓ ભારે હાલાકીમાં મુકાઇ ગયા છે.

સાંતલપુરના રણમાંથી 24 કલાક મીઠાનું લોંડિગ ચાલુ રહે તોય વરસાદ સુધી માલ ખેંચવું પડતું પરંતુ આ વર્ષે ગરમી અને વનવિભાગના જટિલ નિયમથી 40 ટકા મીઠું રણમાં રહી જાય તેવી સંભાવના છે જેથી અગરિયાઓને ભારે નુકસાન ભોગવવું પડશે.

અગરિયાઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે,વનવિભાગના નિયમો ફક્ત સાંતલપુરના રણમાં મીઠુ પકવતા અગરિયાઓને જ લાગુ પડે છે જ્યારે કચ્છ જિલ્લાના સૂરજબારી, માણાબા, આડેસર રણમાં ગેરકાયદેસર લાખો એકર જમીનમાં ઉધોગપતિઓ કબ્જો કરીને મીઠુ પકવે છે તેમની પર કોઈ નિયમ લાગુ પડતો નથી તે રણમાં ચોવીસ કલાક રાત દિવસ કામ કરી શકે છે ત્યાં જાનવરોને ખલેલ નથી થતી તો સાંતલપુરના રણમાં ગરીબ અગરિયાઓ મીઠુ પકવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યાં વન વિભાગે ચેક પોસ્ટ ઉભી કરીને સાંજે છ વાગ્યા પછી રણમાં નો એન્ટ્રી ના બોર્ડ લગાવી નાખ્યા છે તે અગરિયાઓને 24 કલાક મીઠુ ઉપાડવાની છૂટ આપવી જોઈએ નહિતો 400 થી 500 અગરીયા પરિવારને ભૂખે મરવાનો વારો આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *