11માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનો આપઘાત:સુરતમાં પરિવાર નિદ્રાધીન હતો ને કિશોરીએ રસોડામાં ગળેફાંસો ખાધો

Contact News Publisher

સુરતના નાના વરાછા વિસ્તારમાં ધોરણ 11માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બાદમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ વિદ્યાર્થિનીએ આપઘાત કયા કારણસર કર્યો એ જાણી શકાયું નહોતું. હાલ આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નાના વરાછામાં વિદ્યાર્થિનીનો આપઘાત
સુરતમાં વાર્ષિક પરીક્ષાઓની તારીખો અને મહિના જેમ જેમ નજીક આવે છે એમ એમ વિદ્યાર્થીઓમાં આપઘાતના કિસ્સાઓ વધુ સામે આવે છે. ત્યારે સુરતના નાના વરાછામાંથી ધો. 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. નાના વરાછા વિસ્તારમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ વેગડ પત્ની, એક પુત્ર અને પુત્રી સાથે રહે છે. સુરેશભાઈ વરાછામાં મોટરસાઇકલનું ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 17 વર્ષીય પુત્રી સુમિતા ધોરણ 11માં વરાછામાં આવેલી તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. ત્યારે આજે વહેલી સવારે પુત્રીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી.

દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરક થયો હતો.
દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરક થયો હતો.

પરિવાર નિદ્રામાં હતો ને પુત્રીએ આપઘાત કર્યો
આજે વહેલી સવારે ધોરણ 11માં અભ્યાસ કરતી સુમિતાએ આપઘાત કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરિવાર નિદ્રામાં હતો એ દરમિયાન વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં સુમિતા રસોડામાં જઈને આપઘાત કરી લીધો હતો. રસોડાની છત પર લગાવવામાં આવેલા હૂક સાથે દુપટ્ટો બાંધી તેણે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.

પરિવારના પગ તળેથી જમીન સરકી
વહેલી સવારે ઊઠીને માતા રસોડામાં ગયા ત્યારે પોતાની જ દીકરીને લટકતી જોઈ પરિવારના પગ તળેથી જમીન સરકી ગયી હતી. પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું. અભ્યાસમાં હોશિયાર દીકરીએ અચાનક મોતને વહાલું કરતાં પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતાં કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આપઘાતનું કારણ અકબંધ
ઘટનાની જાણ થયા બાદ ઘટનાસ્થળે પહોંચીને પોલીસે તપાસ શરૂ કરી હતી. વિદ્યાર્થિની આસપાસથી કોઈ સુસાઇડ નોટ કે કોઈ ખાસ આપઘાત પાછળનું કારણ મળી શક્યું નહોતું. કાપોદ્રા પોલીસે વિદ્યાર્થિનીની લાશને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. જોકે તેણે કયા કારણસર આપઘાત કર્યો એ હાલમાં જાણી શકાયું નથી, પરંતુ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *