નકલી બનીને અસલી ખેલ પાડવા ગયેલા NIA અને DGP કચેરીના પોલીસ કોન્સ્ટેબલ ભરાયા

Contact News Publisher

જિલ્લાના તલોદ શહેરમાં નકલી GST અધિકારીઓની ટીમ ત્રાટકી હતી. 31 માર્ચે તલોદમાં GST ના દરોડાની વાત બજારમાં ફેલાઈ જતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરમિયાન વેપારીને શંકાઓ જતા સ્થાનિક પોલીસને સંપર્ક કર્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા પાંચ શખ્શો સામે ફરીયાદ દાખલ કરી હતી. તલોદ પોલીસે ત્રણ મુખ્ય આરોપીએન ઝડપી લઈને પૂછપરછ રિમાન્ડ દરમિયાન હાથ ધરતા નકલીનુ કાવત્રુ અસલી પોલીસે ઘડ્યુ હોવાનુ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તલોદ પોલીસે બે હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી લેતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ સોંપ્યા છે.

ટોળકી ના કાવતરાના ભેજાબાજ બંનેમાંથી એક પોલીસ કર્મચારી NIA નો ડ્રાયવર છે, જ્યારે બીજો પોલીસ ભવન ખાતે ફરજ પર છે. ગત 31 માર્ચના દિવસે તલોદના ટાવર ચોક વિસ્તારમાં હોલસેલ વેપારીને ત્યાં દરોડો પડ્યો હતો. GST દરોડાને લઈ બજારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ટીવી સિરીયલના કલાકારોને પણ ટપી જાય એવો અભિનય કરીને નકલી અધિકારીઓએ રોફ જમાવતી એક્ટીંગ કરી હતી. અંતે દોઢ લાખ રુપિયામાં પતાવટ કરવાનુ કહીને તોડ કરીને આ ટોળકી રફુચક્કર થઈ ગઈ હતી.

શરુઆતમાં જ્યારે પોલીસે તપાસ હાથ ધરી તો 3 શખ્શોની ધરપકડ કરી લેવામાં આવી હતી. કોર્ટ દ્વારા એ ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતા તેમાં અસલી પોલીસને ભૂમિકા હોવાનો ભેદ ખૂલ્યો હતો. તલોદ પોલીસને ટોળકીના ઝડપાયેલા આરોપીઓએ બતાવ્યુ હતુ કે, તેમને અસલી પોલીસે જ આ ષડયંત્ર ગોઠવી આપ્યુ હતુ. જેના આધારે તેઓએ આ તોડકાંડ કર્યો હતો.