જિંગા તળાવમાં 400 મીટર વાયર ખેંચી ચોરી:DGVCL હવે ડ્રોનની મદદથી વીજચોરી પકડશે, ફોલ્ટ શોધવા પણ ઉપયોગી

Contact News Publisher

વીજચોરોને પકડવા તથા ફોલ્ટ શોધવા ડિજીવીસીએલ ડ્રોનનો ઉપયોગ કરશે. વર્ષ 2022ના એપ્રિલથી જૂલાઈ સુધીમાં 18 કરોડની વીજચોરી ઝડપાઈ હતી ત્યારે 2023ના એપ્રિલથી જૂલાઈ સુધીમાં 24 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપી છે. અંતરિયાળ ગામો, ખેતરો, જિંગાતળાવમાં વીજચોરીનું પ્રમાણ વધારે છે.

અધિકારીઓ પહોંચે તે પહેલાં જ વીજચોરોને મેસેજ મળી જાય છે ત્યારે સર્વેલન્સની કામગીરી કરવા અને પુરાવા બનાવવા માટે ડીજીવીસીએલે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. ગત અઠવાડિયામાં જિંગા તળાવમાં ચોરી થતી હતી તેના સર્વેલન્સ માટે ડ્રોનનો ઉપયોગ કરાયો હતો. તળાવના માલિક 400 મીટર દૂરથી વાયર ખેંચીને વીજચોરી કરતો હતો.

ઊંચી દીવાલો-અંતરિયાળ વિસ્તારમાં મદદ કરશે ડ્રોન: અનેક વીજચોરી સામેની કાર્યવાહીમાં અમુક જગ્યાએ ઊંચી દીવાલો હોય છે અથવા અધિકારીઓ પહોંચે તે પહેલાં વીજચોરો વાયરો સહિતની વસ્તુઓ સગેવગે કરી દે છે. અંતરિયા‌ વિસ્તારમાં પણ અધિકારીઓ પહોંચે તે પહેલાં જ વાયર સહિતની વસ્તુઓને સગેવગે કરી દેવામાં આવે છે. ત્યારે આવા વિસ્તારોમાં વીજચોરી પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે.

વલસાડ કોસ્ટલ પેટા વિભાગીય કચેરીના ભદેલી જગાલાલા ગામમાં અમરતભાઈ રવજીભાઈ ટંડેલના જિંગા ફાર્મ પર ડિજિવીસીએલ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં ડિજીવીસીએલના વીજ ટ્રાન્સફોર્મરના એલ.ટી સાઈટના બુશિંગ પર ત્રણ અલગ અલગ લંગર વાયર વાંસની સાથે બાંધી ડાયરેક્ટ જોડાણ કરી મીટર બાયપાસ કરી વીજ ચોરી પકડાી હતી. જેમને 27.84 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જિંગા તળાવના માલિક દ્વારા 400 મીટર દૂરથી વાયર ખેંચી વીજ ચોરી કરવામાં આવતી હતી.

સમસ્યાનો ઝડપી ઉકેલ
હાઈવે પર ભારે વાહનો વીજ પોલ સાથે અથડાય ત્યારે પુરવઠો ખોરવાય છે. બીજી તરફ શહેરી વિસ્તારમાં તાર પર ઝાડની ડાળીઓ પડતાં સમસ્યા ઊભી થાય છે. આવા સમયે ઝડપથી ફોલ્ટ શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરાશે, જેના કારણે સમસ્યાનું વધુ ઝડપથી સમાધાન કરી શકાશે.