અમદાવાદના La Pinozના પિઝા બોક્સમાંથી નીકળ્યા જીવડા, વીડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગની ટીમે પિઝા સેન્ટરને માર્યું સીલ

Contact News Publisher

જો તમે પણ ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર ખાવાના શોખીન છો અને તેનું સતત સેવન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમદાવાદમાં વધુ એક પિઝા સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું છે. પિઝાનું બોક્સ ખોલતાં જ પિઝામાંથી જીવાંત નીકળી હતી, હોટલના રસોડામાં લોટમાં અને લોટ ચાળવાના ઝારામાં પણ જીવડા જોવા મળ્યા હતા. જેનો વીડિયો જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમે લા પિનોઝ પિઝા સેન્ટરને સીલ મારી દીધું છે.

વિગતવાર વાત કરીએ તો શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજ પાછળ આવેલા લા પિનોઝ પિઝામાં બપોરના સમયે કેટલાક યુવકો પિઝા ખાવા માટે ગયા હતા. જ્યાં તેઓ એર લાર્જ અને એક સ્મોલ પિઝા મંગાવ્યો હતો. પિઝા આવ્યા બાદ જ્યારે તેનું બોક્સ ખોલ્યું ત્યારે તરત એમાંથી જીવડા નીકળવા લાગ્યા હતા. જે બાદ આ યુવકોએ આનો વીડિયો ઉતાર્યો હતો, તો લા પિનોઝ પિઝા સેન્ટરના સંચાલકને જાણ કરી હતી, જેથી તેઓએ પોતાની ભૂલ સ્વીકારીને રિફંડ આપવાની વાત કરી હતી.

જે બાદ આ યુવકો દ્વારા આ પિઝા સેન્ટરના રસોડામાં જઈને તપાસ કરતા ત્યાંથી પણ અનેક જીવડા જોવા મળ્યા હતા. એટલું જ નહીં લોટમાં પણ જીવડા જોવા મળ્યા હતા. જે બાદ અન્ય લોકોને જાગૃત કરવાના હેતુથી યુવકોએ વીડિયો શેર કર્યો હતો. આ અંગેની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ અને પોલીસની ટીમ દોડતી થઈ હતી. બંને ટીમો તાત્કાલિક આ પિઝા સેન્ટર ખાતે દોડી આવી હતી અને રસોડામાં તપાસ કરીને પિત્ઝા સેન્ટરને સીલ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા પાપા લઈઝ પિઝા સેન્ટરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. આ ફૂડ આઉટલેટના પિઝામાંથી જીવાત નીકળી હતી. એટલું જ નહીં, અહી બનાવવામાં આવતી વાનગીઓમાં સડેલા બટાકાનો ઉપયોગ થતો હોવાનો પણ દાવો વાયરલ વીડિયોમાં કરવામાં આવ્યો હતો.