ખંભાળિયા તા.પં.ના પ્રમુખ પદ માટે 95 લાખ રૂપિયા ખર્ચાયાના દાવાથી ખળભળાટ, ભાજપ નેતાનો વીડિયો વાયરલ

Contact News Publisher

તાજેતરમાં રાજ્યની કેટલીક તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, અઢી વર્ષની ટર્મ માટે સત્તાધારી પક્ષે કેટેગરી પ્રમાણે પ્રમુખ અને ઉપપ્રમુખને બેસાડ્યા છે. ત્યારે દ્વારકા જિલ્લાની ખંભાળિયા તાલુકા પંચાયત વિવાદોમાં ઘેરાઇ છે, ખંભાળિયા તાલુકા પંચાયતમાં પ્રમુખપદ માટે લાખો રૂપિયાનો ખર્ચ થયો હોવાની વાતે જોર પકડ્યુ છે. ખાસ વાત છે કે, ભાજપ નેતાએ જ આ દાવો કર્યો છે.

દ્વારકા જિલ્લાની ખંભાળિયા તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી, આ દરમિયાન એક વિવાદે જોર પકડ્યુ છે. આ મામલે ભાજપ નેતા અને ઉપપ્રમુખ બહાદુર સિંહ વાઢેરનો એક વીડિયો બહાર આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે 95 લાખ રૂપિયા ખર્ચાયા છે. ભાજપ નેતાના જ દાવાથી હવે નિયુક્તિને લઇને મોટા વિવાદના એંધાઇ દેખાઇ રહ્યાં છે.

ખંભાળિયા તાલુકા પંચાયતમાં અત્યારે કુલ સભ્ય સંખ્યા 24 ઉમેદવારોની છે, જેમાં પંચાયતમાં ભાજપના 13 સભ્યો છે, જ્યારે કોંગ્રેસના 9 સભ્યો છે, આ ઉપરાંત 1 આપ અને 1 અપક્ષ સભ્ય છે.

મહત્વનું છે, આ સમગ્ર મામલો વિવાદ પકડતાં બહાદુરસિંહ વાઢેરે સ્પષ્ટતા કરીને આ તમામ વાતોને નકારી કાઢી હતી, તેમને જણાવ્યુ હતુ કે, આ વાત મારાથી ભૂલથી બોલાઇ ગઇ હતી અને એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે.