શું તંત્ર લોકો જીવ ગુમાવે એની રાહ જોઈ રહ્યું છે?:રાજકોટમાં 15 જગ્યાએ વોકળા પર બાંધેલા છે સ્લેબ, આસપાસમાં નાસ્તાની અનેક દુકાનો,

Contact News Publisher

રાજકોટનાં હાર્દસમાં સર્વેશ્વર ચોકમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં વોંકળા પર સ્લેબ ભરી કોમ્પલેક્સ ઉભું કરી દેવામાં આવતા અચાનક ધડાકાભેર સ્લેબ તૂટી પડતા ત્યાં ઉભેલા 15 જેટલા લોકો નીચે પટકાયા હતા. જે તમામને શરીરમાં ઇજાઓ પહોંચી હતી. જેમાંથી એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થતા હતા. જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. જોકે શહેરમાં હજી 15 જેટલી જગ્યા પર આ રીતે વોંકળા પર સ્લેબ બાંધવામાં આવ્યા છે. જે ક્યારે કોના મોતનું કારણ બને એ કહી ન શકાય, પરંતુ શું તંત્ર હજી લોકો જીવ ગુમાવે એની રાહ જોઈ રહ્યું છે?…દુર્ઘટના વાળી જગ્યા પર શિવ બિલ્ડર્સ દ્વારા 1990માં વોંકળા ઉપર સ્લેબ ભરી બાંધકામ કરવા મંજૂરી માંગવામાં આવી હતી. જે બાદ ફરી 1991માં રિવાઇઝ પ્લાન મુકાયો હતો. જેને વર્ષ 1992માં મનપાએ મંજુર કર્યો હતો.

પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને દુર્ઘટના સ્થળ સામે ઓફીસ ધરાવનાર તેમજ સર્વેશ્વર ચોકમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરનાર મહેશ રાજપુતે જે બિલ્ડીંગમાં આ દુર્ઘટના બની તેની વિગતો આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ જગ્યાનાં મૂળ માલિક અડાલજા પરિવાર હતો. તા. 10/07/1939માં આ જગ્યા રાજ પરિવાર પાસેથી અડાલજા પરિવારે ખરીદ કરી હતી. જેમાં જગ્યાના મૂળ માલિક ચંદાબેન મદનજીભાઈ અડાલજા હતા. બાદમાં અડાલજા પરિવાર પાસેથી જમનાદાસ નારણભાઈ પટેલ દ્વારા જગ્યા ખરીદી કરવામાં આવી જે પેઢીનું નામ આર. બિલ્ડર હતું. જેના માલિક જમનાદાસ પટેલ અને ચંદાબેન ભૂપેન્દ્ર મહેતા હતા. આર બિલ્ડર પાસેથી શિવ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ દ્વારા આ જગ્યાની ખરીદી કરવામાં આવી હતી.

જોકે આ દુર્ઘટના બાદ હવે RMC સક્રિય થયુ છે. મનપા કમિશનર આનંદ પટેલે તાત્કાલિક અમદાવાદથી ટીમને બોલાવીને ઘટનાનું કારણ જાણવા તપાસ શરૂ કરાવી દીધી છે. તો મનપાની બાંધકામ શાખાએ બિલ્ડીંગમાં દુકાનો અને ઓફિસો ધરાવનારાઓને સ્ટ્રક્ચર રિપોર્ટ આપવા સૂચના આપી છે. હાલ આ બિલ્ડીંગમાં ઓફિસ અને દુકાનધારકોને જગ્યાનો ઉપયોગ ન કરવા સૂચના પણ આપવામાં આવી છે.