અમદાવાદમાં ભારત- પાક. મેચની નકલી ટીકિટો ઝડપાઈ, ક્રાઈમ બ્રાંચે 4 શખ્સોની ધરપકડ કરી

Contact News Publisher

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમમાં આગામી 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની છે. આ મેચને લઈને ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે મેચની ટીકિટોના કાળા બજાર પણ શરૂ થઈ ગયાં છે. શહેરમાં આ મેચની ટીકિટોના કાળાબજારી કરતાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખાનગી બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને 108 ડુપ્લીકેટ ટિકિટો જપ્ત કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ખાનગી બાતમીને આધારે બોડકદેવમાં સ્થિત ક્રિષ્ણા ઝેરોક્સ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાથી 108 જેટલી ડુપ્લીકેટ ટીકિટો જપ્ત કરી લીધી હતી. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સાથે જ ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પેજ પણ કબ્જે કર્યા છે. 1 પેજ પર 3 ટિકિટની કલરની પ્રિન્ટ બનાવવામાં આવી હતી. મેચની ટિકિટ વેચાય તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે આ ટિકિટોને ઝડપી પાડી હતી. મહત્ત્વપૂર્ણ છે કે ઝેરોક્ષની દુકાનમાં 2000ના દરની બોગસ ટિકિટો બનાવવામાં આવી હતી.

અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા પર ટિકિટ ફ્રોડને લઇને ચેતવણી આપી હતી. અમદાવાદ પોલીસે કહ્યું કે, ક્રિકેટની ચાહત, જોજો ન બની જાય આફત! સોશિયલ મીડિયા પર ટિકિટ ફ્રોડનો શિકાર બની તમે તમારી મૂડી ન હારી જતા!. આ સાથે જ ટિકિટ ફ્રોડ માટે અમદાવાદ પોલીસે સહાયતા માટે તુરંત સાઇબર હેલ્પલાઇન 1930 અથવા ઇમરજન્સી હેલ્પલાઇન 100/112 પર જાણ કરવા માટે જણાવ્યું છે. ભારત-પાકિસ્તાન મેચની તમામ ટિકિટો વેચાઇ ગઇ છે અને તેની કાળા બજારી થઇ રહી છે. 2000 રૂપિયાની ટિકિટના ભાવ 20000 રૂપિયા જેટલા બોલાઇ રહ્યાં છે અને મેચ જોવા માંગતા ફેન્સ તેને ખરીદી પણ રહ્યાં છે.