11 વર્ષ બાદ પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં: એરપોર્ટ અને હોટલમાં કરાયું જોરદાર સ્વાગત

Contact News Publisher

ભારત-પાકિસ્તાન મેચને લઇને અમદાવાદ ખાતે પાકિસ્તાનની ટીમ આવી પહોંચી છે. અત્રે જણાવીએ કે, 11 વર્ષ બાદ અમદાવાદમાં પાકિસ્તનની ટીમનું આગમન થયું છે. આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાતમાં પાકિસ્તાનની ટીમ રોકાણ કરશે. પાકિસ્તાન ટીમનું એરપોર્ટ અને હોટલમાં ભવ્ય સ્વાગત કરાયું છે. ભારતની ટીમ આવતીકાલે અમદાવાદમાં આવશે.

ક્રિકેટ મેચને લઈ અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદની હયાત હોટેલમાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. હોટેલ પર દરેક એરિયામાં સિક્યોરિટી સ્ટાફ તૈનાત કરાયો છે. હોટેલમાં પ્રવેશનારા દરેક વ્યક્તિનું આધારકાર્ડ અને ડ્રાઇવરનું લાયસન્સ ચેકિંગ પણ ફરજિયાત કરાયું છે.  પાકિસ્તાન ટીમના ફિટનેસ એરિયામાં પણ  ફૂલ ચેકિંગ કરાયું છે.

અમદાવાદ પોલીસ કમિશનર મલિકે જણાવ્યું હતું કે, ઈમરજન્સી પરિસ્થિતિમાં પોલીસ પાસે પ્લાન બી પણ છે. સ્ટેડિયમમાં વિવાદાસ્પદ બેનર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. દર્શકોના તમામ બેનર અને પોસ્ટરની તપાસ કરવામાં આવશે, જેથી કોઈ પ્રકારની અફવા ના ફેલાય. શાહપુર, દરિયાપુર અને જમાલપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ તહેનાત કરવામાં આવશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શક હાજર રહેશે. સ્ટેડિયમ 1.30 લાખ દર્શકોની ક્ષમતા ધરાવે છે અને તમામ ટિકીટ વેચાઈ ચુકી છે. અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેંગ્પ સિંહ મલિકે જણાવ્યું હતું કે, મેચ દરમિયાન 7 હજાર પોલીસકર્મી અને 4 હજાર હોમગાર્ડ તહેનાત રહેશે. NSGની 3 ટીમ અને એન્ટ્રી ડ્રોનની 1 ટીમ પણ હશે. ભારત-પાકિસ્તાનની મેચ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીની હાજરીમાં હાઈલેવલ મીટિંગ કરી હતી અને સુરક્ષા સંબંધિત તૈયારીઓની માહિતી પણ મેળવી હતી.