ઘરમાં પાણી ભરી ન રાખતાં પતિએ ધોકો ફટકારી હત્યા કર્યાનો ઘટસ્ફોટ

Contact News Publisher

ગોંડલ: ભાદર નદીનાં કાંઠે આવેલા કમઢિયા ગામે શ્રમિક મહિલાના અપમૃત્યુની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. આ ઘટનામાં મૃતક મહિલાએ ઘર માટે પીવાનું પાણી નહોતું ભર્યું આથી તેના પતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અને ધોકો ફટકારી હત્યા નિપજાવી હતી. અને આ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવા લાશને કૂવામાં ફેંકી દીધી હતી.

કમઢિયા ગામે પરપ્રાંતીય શ્રમિક પરિવાર મજૂરી કામ કરતો હતો અને ચાર દીકરીઓ, પતિ-પત્ની સાથે રહી છેલ્લા બે વર્ષથી કાગજીભાઇ દુદાભાઇ હીરપરાની વાડીએ રહેતા હતા. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ગઇકાલે ગુડ્ડુએ તેની પત્ની મીતકાબાઇને કહ્યું હતું કે, ‘ઘરમાં પાણી ભરી રાખજે’ જો કે ખેતરે કામ પતાવીને બપોરે ઘરે આવેલા પતિએ જોયું હતું કે, પત્નીએ પાણી ભર્યું ન હતું. આથી પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ વખતે ગુડ્ડુનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જઇ તેની પત્ની મીનકાબાઇને માથામાં ધોકા જેવું કોઇ બોથડ પદાર્થ ફટકારી દેતા. તેણીના ત્યાં જ રામ રમી ગયા હતા. અને પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ પછી પતિને ખ્યાલ આવી ગયો હતો કે તેના હાથે જ પત્નીની હત્યા થઇ છે આથી ઘટનાને છૂપાવવા કોઇને જાણ ન થાય તેમ લાશને વાડીના કૂવામાં નાખી દીધી હતી. થોડીવાર બાદ ગામ લોકો અને આસપાસના લોકોને તેની પત્નીએ આપઘાત કરી લીધાનું કહી કૂવામાંથી લાશને બહાર કાઢી હતી. એ પછી વાડી માલિકને ફોન કરી જાણ કરી હતી કે મારી પત્ની કુવામાં પડી ગઇ છે. તેને બહાર કાઢી છે. આથી વાડી માલિકે સુલતાનપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. શરીરની પ્રાથમિક તપાસમાં ઇજાના નિશાન દેખાતા મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો. પોલીસે ગુડ્ડુની આગવી ઢબે પૂછપરછ કરતાં તે સઘળી હકીકત બોલી ગયો હતો. પોલીસે આરોપીને સકંજામાં લઇ ધોરણસરની કાર્યવાહી કરી  છે.