ગરબા રમતા રમતા જ હૃદયના ધબકારાએ સાથ છોડ્યો: અમદાવાદના વટવામાં 28 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી નિધન, ધોરાજીમાં પણ શ્રમિકનું મોત

Contact News Publisher

ગુજરાતમાં નાની ઉંમરે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું, ધોરાજી અને અમદાવાદમાં એક-એક યુવકે હાર્ટ એટેકથી ગુમાવ્યો જીવ

રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં યુવાઓ જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ગરબા રમતા, લગ્નમાં નાચતા વખતે, ક્રિકેટ રમતા રમતા કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મોતના કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હાર્ટ એટેકથી 2 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. જેમાં અમદાવાદ અને ધોરાજીમાં હાર્ટ એટેકથી મોત થયાની વિગતો મળી છે.

ગઈકાલે સુરતના હજીરામાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયા બાદ હવે અમદાવાદમાં 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક ભરખી ગયો છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેલા રવિ પંચાલ (ઉં.વ 28) નામનો યુવક ગઈકાલે ગરબે રમતા-રમતા અચાનક જ ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરે રવિ પંચાલનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.  આ દુઃખદ સમાચાર મળતા જ પરિવારની માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાર્ટ એટેકથી અકાળે 28 વર્ષીય યુવકનું અવસાન થતાં પરિવારમાં મોતમ છવાયો છે.

હાર્ટ એટેકથી મોતનો બનાવ રાજકોટના ધોરાજીમાં પણ બન્યો છે. ધોરાજીમાં પણ 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની આશુકુમાર દિનેશભાઈ સોનકાર (ઉં.વ  28) ધોરાજીમાં ભાદર 2 ડેમના પાટીયાનું સમારકામ કરી રહ્યો હતો. ડેમના પાટિયાનું સમારકામ કામ કરતી વખતે આશુ અચાનક ઢળી પડ્યો હતો. બનાવ બન્યા બાદ આશુને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ગઈકાલે પણ એક યુવકનું સુરતમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. સુરતના હજીરામાં કંપનીના ગેટ બહાર સૂઈ રહેલા ડ્રાઈવરનું મોત થયું હતું. 19 ઓક્ટેબરે રાત્રે ડ્રાઈવર કંપનીના ગેટ બહાર સૂઈ ગયો હતો. સવારના સમયે યુવાન મૃત હાલતમાં મળ્યો હતો. મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી રાજકુમાર શાહુ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. રાજકુમાર શાહુનું હાર્ટ એટેકથી મોત થતાં બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

ગરબા રમવાના દોઢ કલાક પહેલા ભોજન લો. ગરબા રમતા સમયે ચક્કર આવે તો તરત જ એકબાજુ બેસી જાઓ. ચક્કર આવે કે ગભરામણ થાય તો તરત જ ઉંડા શ્વાસ લો. આસપાસ જે વ્યક્તિ હોય તેને તમારી તકલીફ જણાવો. ગરબા દરમિયાન ચક્કર આવે કે ગભરામણ થાય તો કાર્ડિયાક અરેસ્ટ હોય શકે છે. ગરબા રમ્યા બાદ ફળ કે ડ્રાયફ્રૂટ લઈ શકો છો.