પતિ માટે બીડી લેવા ગયેલ પત્નીનું 4 શખ્સે લોખંડના પાઇપનાં ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું

Contact News Publisher
ભાવનગર શહેરથી થોડે દૂર આવેલા ફુલસર ગામના આવેલ ૨૫ વારિયા વિસ્તારમાં રહેતી મહિલાના દીકરાએ ત્રણ વર્ષ પહેલા કરેલ પોલીસ ફરિયાદ અંગેનો કેસ કોર્ટમાં ચાલુ હોય આ કેસ પાછો ખેંચી લેવાનું કહીને આ જ વિસ્તારમાં રહેતા ચાર શખ્સોએ મહિલા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્તા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.આ બનાવ અંગે બોરતળાવ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તદઉપરાંત પોલીસે જુદી જુદી ટીમો બનાવી નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના ફુલસર ગામમાં આવેલ ૨૫ વરિયા વિસ્તાર, સંસ્કાર પ્રાથમિક શાળા પાસેની બજરંગદાસ બાપાની મઢુલી વાળા ખાંચામાં રહેતા કિશોરભાઈ લખુભાઈ મારુંના દીકરા ગૌતમભાઈએ ત્રણ વર્ષ પહેલાં આ જ વિસ્તારમાં રહેતા શૈલેષ ધનજીભાઈ કોળી અને રોહન શંભુભાઈ કોળી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી જે અંગેનો કેસ કોર્ટમાં ચાલતો હતો.દરમિયાન ગઈકાલે સાંજના સમયે કિશોરભાઈના પત્ની ગીતાબહેન શેરીમાં આવેલ દુકાને તેમના પતિ માટે બીડી લેવા ગયા હતા ત્યારે શૈલેષ ધનજી કોળી, રોહન શંભુ કોળી અને બે અજાણ્યા શખ્સોએ આવીને ગાળો આપી કોર્ટ કેસમાં સમાધાન કરી લેવાનું કહેતા ગીતાબહેને સમાધાન કરવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા ચારેય શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા ગીતાબહેન દુકાન સામે જ પડી ગયા હતા. હુમલાખોરોએ દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવેલ હોય તે કેમેરાની પણ તોડફોડ કરી દુકાનદારને ધમકી આપતા દુકાનદાર પણ તેમની દુકાન બંધ કરીને જતા રહ્યા હતા. દરમિયાન ગીતાબેનના પતિ કિશોરભાઈ અને દીકરી દોડી આવતા આ શખ્સો તેમની પાછળ પર માર મારવા માટે  દોડાયા હતા અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા.મારામારીની આ ઘટનામાં ઇજાગ્રસ્ત ગીતાબહેનને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજતા આ બનાવ હત્યામાં પરિણામ્યો હતો.આ બનાવ અંગે બોરતળાવ પોલીસે શૈલેષ ધનજી કોળી, રોહન શંભુ કોળી અને બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ડીવાયએસપી દ્વારા અલગ અલગ ટીમો બનાવી નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.