ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ, તો આ શહેરમાં અનાજને લઈને ચિંતા: ગુજરાતમાં ટ્રકચાલકોની હડતાળને લઈને ક્યાં કેવી અસર

Contact News Publisher

ભારતીય ન્યાય સંહિતાના હિટ એન્ડ રન પર કરવામાં આવેલી નવી જોગવાઈનો હાલ ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ નવા નિયમ મુજબ જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ સિવાય તેણે દંડ પણ ભરવો પડશે. જેને લઈ ગુજરાત સહિત દેશભરમાં ટ્રક ચાલકોની હળતાળની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં તેની અસર થઈ છે. વિગતો મુજબ ભાવનગરમાં ડુંગળીની હરાજી બંધ છે તો વડોદરામાં ટ્રક ચાલકોની હડતાળને લઈ અનાજનો જથ્થો અટવાય તેવી વેપારીઓને ચિંતા છે. જોકે ટ્રક ચાલકોની હડતાળની સુરતમાં નહીવત અસર જોવા મળી છે. સુરતમાં પેટ્રોલ-ડીઝલનો પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ સામે આવ્યું છે.
ટ્રક ચાલકોની હડતાળ વચ્ચે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ છે. આ તરફ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે યાર્ડમાં ડુંગળી ન લાવવા સૂચના આપી હતી. જોકે હવે ડુંગળીની હરાજી ન થતા ખેડૂતો યાર્ડની ઓફિસે પહોંચ્યાં અને ડુંગળીની હરાજી ચાલુ કરવા યાર્ડના સેક્રેટરીને રજૂઆત કરી હતી.
વડોદરામાં વેપારીઓ ચિંતિત
આ તરફ ટ્રક ચાલકોની હડતાળને લઈ વડોદરામાં અનાજનો જથ્થો અટવાય તેવી વેપારીઓને ચિંતા છે. હાલમાં માલ પુરતા પ્રમાણમાં ન મળે તો હાલાકી થઈ શકે છે. હાથી ખાના અનાજ માર્કેટ પ્રમુખ નિમેષ મહેતાએ કહ્યું કે, હાલમાં વડોદરામાં હડતાળની અસર નથી. જોકે દેશમાં જે રીતે ટ્રકની લાઈન છે, તે ચિંતાનો વિષય છે. તેમને કહ્યું કે, હડતાળ લાંબી ચાલે તો રાજ્ય બહારથી આવતુ અનાજ અટકી શકે છે. ખાદ્ય સામગ્રીમાં કેટલિક ચીજ વસ્તુઓ બહારથી આવે છે તેથી હડતાળના કારણે બહારથી આવતા અનાજને અસર થશે. જોકે તેમને કહ્યું કે, સરકાર હડતાળ મુદ્દે વિચારણા કરે તેવી આશા છે.