સમગ્ર કચ્છમાં ફરી દે ધનાધનઃ અબડાસાના નરેડીમાં ૬ ઇંચ

Contact News Publisher

કચ્છમાં ફરી એક વાર હવામાન વિભાગે આપેલી ભારે વરસાદની ચેતવણી વચ્ચે મેદ્યરાજાએ પોતાની મહેર ચાલુ રાખી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી અપર સાયકલોનીક સિસ્ટમને પગલે કચ્છમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આગામી ત્રણ થી ચાર દિવસ દરમ્યાન કચ્છમાં સાર્વત્રિક વરસાદ પડશે. તો કયાંક કયાંક છૂટો છવાયો ભારે વરસાદ પણ પડી શકે છે.

આગાહી પ્રમાણે કચ્છના તાલુકા મથકોની અપેક્ષાએ ગ્રામ્ય વિસ્તારોમાં છુટા છવાયા વિસ્તારોમાં મેદ્યરાજા દે ધનાધન વરસ્યા હતા. અબડાસાના નરેડી ગામે ૬ ઈંચ વરસાદ ખાબકતા ગામની નદી બે કાંઠે વહી નીકળી હતી તો આખું ગામ પાણી પાણી થઈ ગયું હતું. નરેડીની આજુબાજુ આવેલા ગ્રામ્ય વિસ્તારો રાતા તળાવ, મોથાળા, નાની મોટી બાલાચોડ તેમ જ મુખ્ય તાલુકા મથક નલિયા મધ્યે ત્રણેક ઇંચ વરસાદ પડ્યો હતો. નખત્રાણા શહેરમાં ધોધમાર ત્રણ ઇંચ જયારે વિથોણ અને બાજુના ગ્રામ્ય વિસ્તારો બે ઇંચ વરસાદ પડ્યો હતો. તો, લખપત તાલુકામાં માતાના મઢમાં ફરી ત્રણેક ઇંચ વરસાદ પડતાં ગામની બજારો તેમ જ આશાપુરા માતાજીના મંદિર પરિસરમાં પાણી ભરાયા હતા. તો, મુખ્ય તાલુકા મથક દયાપર અને આજુબાજુના ગામોમાં દોઢેક ઇંચ વરસાદને પડ્યો હતો. જોકે, લખપતમાં માત્ર ૮ મીમી વરસાદ નોંધાયો હતો. એજ રીતે મુન્દ્રામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો પણ ગ્રામ્ય વિસ્તાર કુંદરોડી, બગડા, છસરા, વવારમાં ધુંવાધાર બે ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો. માંડવીમાં ગઈકાલે શનિવારે મેદ્યરાજાની ત્રણ ઇંચ વરસાદની તોફાની બેટિંગ બાદ રવિવારે માંડવીના ગ્રામ્ય વિસ્તાર ગઢશીશા, દેવપર વિસ્તારમાં મેદ્યરાજાએ જમાવટ કરી ત્રણ થી ચાર ઇંચ પાણી વરસાવીને સૌને ખુશ ખુશ કરી દીધા હતા. તો, માંડવી શહેરમાં ૮ મીમી જેટલો વરસાદ પડ્યો હતી. ભુજમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. પણ, ભુજના ગ્રામ્ય વિસ્તાર કેરા અને માધાપર કુકમા માં દોઢ થી બે ઇંચ વરસાદ પડી ગયો હતો. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉમાં એક ઇંચ વરસાદ સાથે મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી હતી.

1 thought on “સમગ્ર કચ્છમાં ફરી દે ધનાધનઃ અબડાસાના નરેડીમાં ૬ ઇંચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *