કોણ હતાં ? ને કેવા હતાં ગોંડલ નરેશ સર ભગવતસિંહજી ?

Contact News Publisher

#આપણી_સંસ્કૃતિ_આપણો_વારસો
#ચંદ્રવંશી

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવખત ઘોડા પર સવાર થઇને કોઇ ગામની મુલાકાતે જઇ રહ્યા હતા.
મહારાજા એકલા જ હતા અને પહેરવેશ પણ સામાન્ય આથી કોઇને ખબર પણ ના પડે કે આ ગોંડલ નરેશ છે.

રસ્તામાં એક બહેન ઘાસનો ભારો નીચે રાખીને બેઠેલા. ઘોડેસવારને આવતા જોયો એટલે એ બહેને હાથ ઉંચો કરીને ઘોડા પર સવાર થયેલા મહારાજાને ઉભા રાખ્યા. મહારાજાએ પણ સામાન્ય માણસની જેમ ઘોડો ઉભો રાખી દીધો અને પુછ્યુ, “બોલો બહેન, શું કામ છે ?” પેલા બહેને કહ્યુ,”ભાઇ આ ઘાસનો ભારો મારા માથા પર ચડાવવામાં મને મદદ કરોને ?”

મહારાજા ભગવતસિંહજી પોતાના હોદાને એક બાજુ રાખીને સામાન્ય માણસની જેમ એ બહેનને ભારો માથા પર મુકવા માટે નીચે ઉતર્યા. પેલી બહેને કહ્યુ,”આપણા ભગાબાપુ જો થાકલા કરી આપે તો કોઇ ભારો ચડાવવા વાળાની મદદની જરૂર ન પડે” મહારાજાએ પોતાનો પરિચય આપ્યા વગર જ પુછ્યુ,”બહેન આ થાકલા એટલે શું ?

“પેલી સ્ત્રીએ વિસ્તારથી સમજાવતા કહ્યુ,” માણસની ઉંચાઇ જેટલા બે મોટા પથ્થર પર એક આડો પથ્થર મુકીને જે તૈયાર કરવામાં આવે એ થાકલો. વટેમાર્ગુ થાક ઉતારવા માથા પરનો ભારો ઉપરના આડા પથ્થર પર રાખીને થોડો વિસામો ખાઇ શકે અને જ્યારે ફરી આગળ વધવુ હોય ત્યારે કોઇ ભારો ચડાવવા વાળાની જરૂર ન પડે. વટેમાર્ગુ પોતે જ ઉપર રાખેલા ભારાને સીધો પોતાના માથા પર લઇ શકે.” માથે ભારો ચડાવીને મહારાજા તો વિદાય થયા.

મહારાજા જ્યારે પોતાનું કામ પતાવીને ગોંડલ પરત આવ્યા એટલે તુરંત જ મુખ્ય ઇજનેરને મળવા માટે બોલાવ્યો. મુખ્ય ઇજનેર આવ્યો એટલે સર ભગવતસિંહજીએ એને થાકલા વાળી વાત કહીને સુચના આપતા કહ્યુ કે રાજ્યના તમામ રસ્તાઓ પર દોઢ માઇલના અંતરે આવા થાકલા ઉભા કરી દો જેથી મારા રાજ્યની કોઇ વ્યક્તિને ભારો ચડાવવા માટે કોઇની રાહ ન જોવી પડે અને કોઇના ઓસીયાળા ના રહેવું પડે. આ થાકલાનો માઇલસ્ટોન તરીકે પણ ઉપયોગ કરો જેથી ઉભા કરેલા થાકલાથી નજીકનું ગામ કેટલું દુર છે એની પણ વટેમાર્ગુને ખબર પડે.

ગોંડલ રાજ્યની પ્રજાના પ્રિય એવા ભગાબાપુએ તૈયાર કરેલા એ થાકલાઓ આજે પણ ગોંડલ રાજ્યના મુખ્ય માર્ગો પર જોવા મળે છે.(ફોટામાં રહેલા આ થાકલાઓ જોઇને બળબળતી બપોરે પણ આંખોને ન વર્ણવી શકાય એવી થંડક મળે છે.) જ્યારે જ્યારે હું મારા ગામ મોવિયા જાવ છું ત્યારે રસ્તામાં આ થાકલાઓ જોઇને એવુ થાય કે આ લોકશાહી કરતા ભગાબાપુની રાજાશાહી કેવી સારી ?

બીલખાના મહારાજાએ એની ડાયરીમાં એવી નોંધ કરેલી છે કે ‘ગોંડલ રાજ્યની હદ ક્યાંથી શરુ થાય અને ક્યાં પુરી થાય એ જોવા માટે તમારે હાથમાં નકશો લેવાની જરુર જ નહિ. આંખ બંધ કરીને ઘોડાગાડીમાં બેસો તો પણ ગોંડલ આવે એટલે તમને ખબર પડી જાય કારણકે સમથળ રસ્તાઓને કારણે રોદા આવતા બંધ થઇ જાય અને ગોંડલની હદ પુરી થતા ફરી રોદા આવવાના શરુ થઇ જાય.’

સર ભગવતસિંહજીના પ્રજાલક્ષી શાશને શત્ શત્ વંદન

Maa Ashapura News
YouTube : maa news live
Android app : maa news live
Twitter : @JaymalsinhB
Facebook : maa news live page / group
Instagram : maanewslive_insta
Dailyhunt : kutch maa news live
Email : jaymalsinhjadeja@gmail.com
Website : maashapuranewslive.com
Whatsapp : 97252 06123 / 27
94287 48643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *